ભારત-અમેરિકા કરાર અને કૃષિ ક્ષેત્ર પર તોળાતું સંકટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 500અબજ ડોલરના મહત્વાકાંક્ષી વેપાર લક્ષ્યાંકને કારણે ભારતીય ખેડૂતનો ભોગ ન લેવાય તેની તકેદારી રાખવી પડશે
- આ ગુચવણો હાલમાં તો કૃષિ અને ડેરી ક્ષેત્ર તરફ ઈશારો કરે છે. ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે જો એવું થશે તો અમેરિકી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં પ્રવેશ કરશે અને અહીંના સ્થાનિક બજારમાં સ્પર્ધાને કારણે સ્થાનિક ખેડૂતોના હિતો પ્રભાવિત થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે : અમેરિકાની ખેતી મૂડી પ્રધાન છે. તેઓ વેપાર માટે જ ખેતી કરે છે. તેનું અમેરિકી જીડીપીમાં યોગદાન 1 ટકા જ છે. અમેરિકામાં ખેતી ઉપર નિર્ભર રહેતા લોકો પણ ઓછા છે. બીજી તરફ ભારતની ખેતી શ્રમપ્રધાન છે. ભારતની જીડીપીમાં તેનું યોગદાન ૧૬ ટકા છે. ભારતમાં ખેતી ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ આધાર રાખતા લોકોની વસતી ૪૬ ટકાની આસપાસ છે : જો અમેરિકી ચીઝ, મખણ અને મિલ્ક પાવડર ભારતમાં સસ્તા ભાવે ઠાલવવામાં આવશે, તો 'અમૂલ' જેવી સહકારી મંડળીઓ અને કરોડો નાના દૂધ ઉત્પાદકોની કમાણી પર સીધો પ્રહાર થશે. ભારતમાં ડેરી ક્ષેત્ર માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણનું માધ્યમ છે જે ખોરવાઈ જશે
ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી વચગાળાના વેપાર કરાર અંગે વાટાઘાટો ચાલી રહી છે. બંને દેશોના અધિકારીઓના સાર્વજનિક નિવેદનો અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ બનવાની દિશામાં પ્રગતિ થઈ છે. ખરેખર તો, વીતેલા ફેબ્રુઆરીમાં વચગાળાના કરાર પછી તરત જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી અમેરિકાની આયાતને આગામી કેટલાક વર્ષોમાં પાંચસો અબજ ડોલર સુધી પહોંચાડવાની આકાંક્ષા જાહેર કરી હતી. આ દિશામાં બંને દેશોએ પ્રયાસો અને વાટાઘાટો વધારી દીધા છે અને તેને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારાઈ રહ્યું છે તેવું ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકાથી ભારતની આયાત લગભગ ૪૫-૫૦ અબજ ડોલરની આસપાસ છે. જો વેપારને અનેક ગણો વધારવો હોય, તો અમેરિકા કયા ક્ષેત્રો માટે ભારત પાસેથી તેનું બજાર ખોલાવવા ઈચ્છે છે તે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. અમેરિકાની લાલચમાં આવીને કે દબાણમાં આવીને ભારતનું કોઈપણ સેક્ટર સાવ વેરવિખેર ન થઈ જાય તે પણ જોવું સરકારની ફરજ છે.
જાણકારોના મતે આ ગુચવણો હાલમાં તો કૃષિ અને ડેરી ક્ષેત્ર તરફ ઈશારો કરે છે. અત્યાર સુધી ભારતે આ બંને ક્ષેત્રોને સંવેદનશીલ માનીને રક્ષણાત્મક ઉપાયો અપનાવેલા છે. આ જ નીતિ દેશના કરોડો ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના હિતોના રક્ષણનો આધાર રહી છે. પરંતુ વેપાર વાટાઘાટો સાથે જોડાયેલી સાર્વજનિક ચર્ચાઓ અને અહેવાલોમાં સંકેત મળ્યા છે કે આ ક્ષેત્રોમાં અમેરિકા માટેના વિકલ્પો પર વિચાર કરી શકાય છે. આનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે જો એવું થશે તો અમેરિકી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં પ્રવેશ કરશે અને અહીંના સ્થાનિક બજારમાં સ્પર્ધાને કારણે સ્થાનિક ખેડૂતોના હિતો પ્રભાવિત થવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
મહત્ત્વનું એ છે કે, સૌથી પહેલાં તો નીતિઓ નક્કી કરનારાઓ સમજવું પડશે કે ભારતની ખેતી અને અમેરિકાની ખેતીનું સેક્ટર તદ્દન જુદુ છે. અમેરિકાની ખેતી મૂડી પ્રધાન છે. તેઓ વેપાર માટે જ ખેતી કરે છે. તેનું અમેરિકી જીડીપીમાં યોગદાન ૧ ટકા જ છે. તેમાંય સરકારના અબજો ડોલરના લાભ મળે છે. ખાસ વાત કે, અમેરિકામાં ખેતી ઉપર નિર્ભર રહેતા લોકો પણ ઓછા છે. બીજી તરફ ભારતની ખેતી શ્રમપ્રધાન છે. ભારતની જીડીપીમાં તેનું યોગદાન ૧૬ ટકા છે. આ સિવાય ભારતમાં ખેતી ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ આધાર રાખતા લોકોની વસતી ૪૬ ટકાની આસપાસ છે. અહીંયા આજીવિકા માટે પણ ખેતી ઉપર આધાર રાખનાર વર્ગ મોટો છે.
અમેરિકામાં ખેડૂતોની જે જિંદગી છે તે કોઈ કલ્પના નથી. અહીંયા સરકાર મોટા ફાયદા લેવા માટે અને ખેડૂતોને લાભ થાય તે માટે લાખો રૂપિયાની સબસીડી આપે છે. બીજી તરફ આપણે ત્યાં નજીવી રકમ સબસીડી અને ખેડૂત સહાયના નામે મળે છે અને તેના પણ ઉત્સવ કરવામાં આવે છે. ખેડૂતોને જેટલી રકમ ખાતામાં નથી મળતી તેના કરતા વધારે રકમ તો ખેડૂત સહાયની જાહેરાતો પાછળ ખર્ચીકાઢવામાં આવે છે. આ ઉપરાંત ખેતીની પદ્ધતિ, મશિનો, બિયારણો, સરકારી સમર્થન વગેરેમાં પણ બંને દેશોમાં ખૂબ જ મોટો તફાવત છે. અમેરિકામાં ખેડૂત એક પ્રોફેશનલની જેમ કામ કરે છે અને નફો રળે છે જ્યારે ભારતમા ખેતી જીવનશૈલીનો એક ભાગ છે, રોજગારીનું પારિવારિક કે પારંપરિક સાધન છે. તેના કારણે જ બંને દેશોના ખેડૂતોમાં વિશાળ અંતર રહે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ખેડૂતો અને અમેરિકાના ખેડૂતોમાં ખૂબ જ મોટા તફાવતો છે. દેખીતી રીતે કહીએ તો અમેરિકા અને ભારતના ખેડૂતો વચ્ચે આભ જમીનનું અંતર છે. અમેરિકન ખેડૂતો પાસે હજારો વીઘાના મોટા મોટા ખેતરો હોય છે, અત્યાધુનિક મશિનો, ખાતરો, સુવિધાઓ હોય છે અને લાખો રૂપિયાની તેમની આવક હોય છે. બીજી તરફ ભારતમાં સરેરાશ ખેડૂત પાસે પરાણે બે-ચાર વીઘા જમીન હોય છે અને તેમાંય ટ્રેક્ટર ભાડે લાવવાની ચિંતા, સિંચાઈની વ્યવસ્થા થશે નહીં તેની ચિંતા, વરસાદની ચિંતા, બજારમાં યોગ્ય ભાવે ઉપજ વેચાશે કે નહીં તેની ચિંતા વગેરે હોય છે. ભારતમાં ગણતરીના ખેડૂતો શ્રીમંત કહી શકાય તેવા છે જ્યારે એક વર્ગ એવો છે જેની પાસે ઘર ચલાવવાની પણ પૂરતી વ્યવસ્થા નથી. એકાદ સીઝન નિષ્ફળ જાય તો જીવ સટોસટની બાજી આવી જાય છે.
સૌથી મોટો તફાવત અમેરિકા અને ભારતના ખેડૂતોની જમીનના આકારનો હોય છે. અમેરિકામાં એક ખેડૂત પાસે સરેરાશ ૧૮૦ હેક્ટર એટલે કે ૪૫૦ એકર જેટલી જમીન હોય છે. તેનાથી પણ આગળ વાત કરીએ તો ઘણી એગ્રી ઈન્ડસ્ટ્રીની કંપનીઓ છે જેમની પાસે હજારો એકર જમીન હોય છે. તેની સરખામણીએ ભારતમાં એક ખેડૂત પાસે સરેરાશ ૧.૦૮ હેક્ટર એટલે કે. ૨.૭ એકર જમીન હોય છે. ભારતના ૮૫ ટકા ખેડૂતો નાના અને સીમાંત વર્ગમાં આવે છે. તેમની પાસે મોટી જમીન નથી, પૂરતા સંસાધનો નથી અને સરકારી સહાય કે સેવાઓ પણ મળતી નથી. બીજી બાબત એવી છે કે, અમેરિકામાં ખેડૂતો પ્રિસિજન ફાર્મિંગનો ઉપયોગ કરે છે જે વૈજ્ઞાાનિક પદ્ધતિ આધારિત ખેતી છે. આ સિવાય અહીંયા જીપીએસ અને એઆઈની મદદથી ચાલતા ટ્રેક્ટરોનો અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જે ખેતર ખેડવાથી માંડીને વાવણી કરવા સુધીનું કામ કરી લે છે. ખેડૂતો ડ્રોન દ્વારા અને સેટેલાઈટ ઈમેજ દ્વારા પોતાના ખેતરોનું ધ્યાન રાખે છે.
ખેતરમાં પાણી અને ખાતર આપવા માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા ખેતરના કયા ભાગમાં ખાતર નાખવાની જરૂર છે કે પાણીની જરૂર છે તેની માહિતી મેળવીને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત જમીનમાં રહેલો ભેજ, પોષક તત્ત્વોની માહિતી મેળવવા માટે પણ ડિજિટલ સેન્સર અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને તેમના સ્માર્ટફોન અને ટેબલેટ ઉપર આ તમામ માહિતી મળી જાય છે. બીજી તરફ ભારતમાં સરેરાશ ખેડૂતો માટે આ ટેક્નોલોજી કે સંસાધનો માત્ર એક કલ્પના સમાન છે. તેમાંય સિમાંત અને નાના ગામડાના ખેડૂતો માટે બળદની જગ્યાએ ટ્રેક્ટર મળી જાય તો તે પણ સ્વપ્ન સાકાર થયા સમાન હોય છે. અહીંયા મોટાભાગના ખેડૂતો માટે ટ્રેક્ટર, થ્રેસર મળી જાય તે પણ આધુનિક ટેક્નોલોજી સમાન છે. આ સિવાયની સુવિધાઓ વિશે તે વિચારી શકે તેમ પણ નથી.
અમેરિકી ખેડૂતો વિશાળ ખેતરોમાં જે ઉપજ લે છે તેનું વેચાણ પણ વૈશ્વિક ધોરણે અને અમેરિકામાં વ્યાપક સ્તરે થાય છે. આ ખેડૂતોને વૈશ્વિક બજારના ભાવ મળે છે. ભારતમાં પણ મોટા પ્રમાણમાં ખેતપેદાશો ઉત્પન્ન થાય છે અને વૈશ્વિક બજારો સુધી પહોંચે છે પણ તેમાંથી જે નફો આવે છે તે વેપારીઓ અને વચેટીયાઓને મળી જાય છે. આ નફો ખેડૂત સુધી તો પહોંચતો જ નથી. ભારતમાં એવી અણઘડ નીતિઓ અને વ્યવસ્થા અમલમાં છે કે, ખેડૂતોને એમએસપી તો કદાચ મળી જાય છે પણ લાભ ખેડૂતો સુધી પહોંચતા જ નથી.
અમેરિકન ખેડૂતો મોટાભાગે એફએમસીજી સેક્ટરની વિવિધ કંપનીઓ સાથે જોડાણ કરી લે છે. તેઓ લાખો ટન માલ સીધે સીધો ખરીદી લે છે. અહીંયા પાક લેતા પહેલાં જ તેના ભાવ, તેની ડીલ અને બાકીની વ્યવસ્થા નક્કી કરી લેવામાં આવે છે. ખેડૂતોને જરાય ચિંતા કરવાની હોતી નથી.
ભારતનું ગ્રામીણ અર્થતંત્ર ખોરવાઈ જશે અને પલાયનવાદ વધી જશે
જાણકારોની સ્પષ્ટ ચેતવણી છે કે, અમેરિકી સરકાર દર વર્ષે પોતાના ખેડૂતોને આશરે ઇં૩૦ અબજની જંગી નાણાકીય સહાય અને સબસીડી આપે છે. જ્યારે ભારતમાં ૮૫% કરતાં વધુ ખેડૂતો નાના અને સીમાંત છે જે વીજળી ખાતરની કહેવાતી સબસિડી ઉપર જીવન પસાર કરે છે. જો સબસીડીવાળો અમેરિકી માલ ભારતમાં વગર કોઈ જકાતે આવશે, તો ભારતીય ખેડૂત સ્થાનિક બજારમાં જ ભાંગી પડશે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, પરંતુ આ ક્ષેત્ર વ્યવસાયિક કંપનીઓ કરતાં વધુ નાના પશુપાલકો અને ગૃહિણીઓની રોજગારીનો આધાર છે. ભારતમાં ડેરી ક્ષેત્ર માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણનું માધ્યમ છે. અમેરિકામાં ગાયોને આપવામા આવતા દાણ અને હોર્મોન્સ તથા ત્યાંની ડેરી ફેક્ટરીઓની પદ્ધતિ ભારતની ધાર્મિક અને સામાજિક માન્યતાઓ સાથે પણ મેળ ખાતી નથી. જો અમેરિકી ચીઝ, મખણ અને મિલ્ક પાવડર ભારતમાં સસ્તા ભાવે ઠાલવવામાં આવશે, તો 'અમૂલ' જેવી સહકારી મંડળીઓ અને કરોડો નાના દૂધ ઉત્પાદકોની કમાણી પર સીધો પ્રહાર થશે. બીજી તરફ ભારતમાં હાલમાં માત્ર ૬% ખેડૂતો ને જ પોતાની ઉપજના પૂરતા ટેકાના ભાવ મળી શકે છે. બાકીના ૯૪% ખેડૂતો પોતાના પાકને ખુલ્લા બજારમાં જ વેચવા મજબૂર છે. જો વિદેશી પાક સસ્તા ભાવે ભારતીય મંડીઓમાં ઉપલબ્ધ બનશે, તો ખુલ્લા બજારના ભાવો વધુ તળિયે બેસી જશે, જેનાથી ખેડૂતોની ખેતી-ખર્ચ પણ વસૂલ નહીં થઈ શકે. અમેરિકા મોટા પાયે 'જિનેટિકલી મોડિફાઇડ' (ય્સ્) પાકોનું ઉત્પાદન કરે છે. તે ભારતમાં દાખલ થયા તો સ્થાનિક બિયારણ પર વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓનું પ્રભુત્વ વધી જવાનું જોખમ રહેશે.
સૌથી મોટી અસર તો રોજીરોટીને થશે. ગામડાના સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોનું વેચાણ ઘટશે. ખેતમજૂરોની રોજીરોટી છીનવાઈ જશે. ટ્રાન્સપોર્ટ અને પ્રોસેસિંગ સાથે જોડાયેલા નાના એકમો બંધ થઈ જશે. પરિણામે, ગ્રામીણ ભાગોમાંથી શહેરો તરફ અસહ્ય પલાયન શરૂ થશે.









