યુરોપમાં બે દાયકામાં ગરમી 200 ગણી વધી ગઈ !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના દોષનો ટોપલો ગરીબ દેશો ઉપર નાખનારા યુરોપને હવે ગરમી સહન થતી નથી
યુરોપના લોકોના ડીએનએમાં જ ગરમી સહન કરવાની ક્ષમતા નથી, તેઓ સદીઓથી ઠંડીમાં રહેવા ટેવાયેલા છે જ્યારે ભારતીયો સદીઓથી ગરમીમાં રહેવા ટેવાયેલા છે તેથી તેમને ઠંડા પ્રદેશોમાં તકલીફ પડે છે. યુરોપીયોનોને એકાએક વધેલી ગરમી હવે નડી રહી છે : છેલ્લા આ ૧૨ દિવસમાં યુરોપમાં જે ગરમી વધી છે તે અકલ્પનીય છે. બ્રિટન સહિત યુરોપના ૩૦ દેશોના ૮૫૦ શહેરોમાંથી ૪૫ ટકા શહેરોમાં ગરમીનો પારો રેકોર્ડ સ્તરે વધી ગયો. હીટ સ્ટ્રેસમાં ગરમી વધી ગઈ અને બફારો પણ વધી ગયો. તેના કારણે લોકોના મોત પણ થવા લાગ્યા : જાણકારોના મતે તાપમાનનો પારો ભલે ગમે તેટલો ઉપર જાય પણ ગરમીનો અનુભવ અને અન્ય કારકો તેની અસર ઉપર પ્રભાવ પાડતા હોય છે. ખાસ કરીને ભૌગોલિક સ્થિતિ, સૂર્યના કિરણોનો કોણ, હવાની ગુણવત્તા, જે તે સ્થળનું માળખું, મકાનોનું નિર્માણ અને મકાનોની બનાવવાની શૈલી વગેરે પણ વ્યાપક રીતે અસર કરતા હોય છે
યુરોપમાં હાલમાં ભયાનક ગરમી પડી રહી છે. અહીંયા દિવસ અને રાત્રી બંને દરમિયાન અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન દિવસ અને રાતનું એટલું વધી ગયું છે કે, લોકો માટે રહેવું અને જીવવું અસહ્ય થઈ રહ્યું છે. અત્યંત ઠંડક માટે જાણીતા આ યુરોપના દેશોમાં ૪૩ ડિગ્રી સુધી ગરમીનો પારો જતો રહ્યો છે. જે દેશોમાં હીટર ચાલુ રહેતા હતા ત્યાં લોકો એસી અને પંખા લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અહીંયા રસ્તા ઓગળી રહ્યા છે, રેલવે ટ્રેક વાંકા થઈ ગયા છે, વાહનોના પૈડા ઓગળી રહ્યા છે અને લોકોનાં મોત થઈ રહ્યા છે. ફ્રાન્સમાં ૪૧ ડિગ્રી તાપમાન પહોંચ્યું ત્યાં તો ૧૫૦૦થી વધુનાં મોત થઈ ગયા. યુરોપ અત્યારે અગનભઠ્ઠી બનેલું છે જે સતત લોકોનો ભોગ લઈ રહ્યું છે.
તાજેતરમાં જ વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન એટલે કે ડબ્લ્યૂડબલ્યૂએ નામની સંસ્થાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વગર આવી ગરમી વધવી શક્ય જ નથી.
જાણકારોના મતે અત્યાર સુધી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જનો દોષનો ટોપલો ગરીબ દેશો અને એશિયાના દેશો ઉપર નાખનારા પશ્ચિમી દેશોને તેમના કર્મોનું ફળ મળ્યું છે. અહીંયા પણ ક્લાઈમેટ ચેન્જને કારણે જ ગરમીમાં ભયાનક વધારો થયો છે. આજથી પાંચ દાયકા પહેલાં એટલે કે ૧૯૭૬માં જે ગરમીની કલ્પના પણ થઈ શકતી નહોતી તે છેલ્લાં બે દાયકામાં ધીમે ધીમે વધી છે. જાણકારોના અહેવાલ પ્રમાણે યુરોપના દેશોમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ગરમીમાં ૨૦૦ ગણો વધારો થયો છે. ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, બ્રિટન સહિતના દેશોમાં ગરમી ૪૦ ડિગ્રીને વટાવી ગઈ છે. અહીંયા રાતનું તાપમાન પણ ૨૫ થી ૩૦ ડિગ્રીની આસપાસ રહેવા લાગ્યું છે. અહીંયા લોકોને આવો તાપ સહન કરવાની આદત જ નથી તેથી તેમના માટે આ સ્થિતિ અસહ્ય થઈ રહી છે.
યુરોપના વાતાવરણના ભૂતકાળ ઉપર નજર કરીએ તો તેમાં ઘણો ફેરફાર આવ્યા છે પણ તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી નથી. સંશોધકોએ જણાવ્યું કે, ૧૯૭૬થી ૨૦૦૩ની વચ્ચે તાપમાનમાં ઘણો ફેરફાર થયો છે. ૧૯૭૬માં દિવસનું તાપમાન સરેરાશ કરતા ૩.૫ ડિગ્રી ઓછું રહેતું હતું. રાતનું તાપમાન સરેરાશ કરતા ૨.૫ ડિગ્રી ઓછું થઈ જતું હતું. ૨૦૦૩ સુધી તેમાં દિવસ અને રાતના તાપમાનમાં અનુક્રમે ૨ અને ૧.૩ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ જે પરિવર્તન આવવાનું શરૂ થયું તેણે યુરોપની હાલત ખરાબ કરી નાખી. ગ્લોબલ વોર્મિંગની અસરે ધીમે ધીમે યુરોપને ગરમીના સકંજામાં જકડી લીધું હતું.
ચિંતાજનક બાબત એ છે કે, ડબ્લ્યૂડબ્લ્યૂએ દ્વારા ૧૮ જૂનથી ૩૦ જૂન સુધીની ગરમીનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. આ ૧૨ દિવસમાં યુરોપમાં જે ગરમી વધી છે તે અકલ્પનીય છે. બ્રિટન સહિત યુરોપના ૩૦ દેશોના ૮૫૦ શહેરોમાંથી ૪૫ ટકા શહેરોમાં ગરમીનો પારો રેકોર્ડ સ્તરે વધી ગયો. હીટ સ્ટ્રસમાં ગરમી વધી ગઈ અને બફારો પણ વધી ગયો. તેના કારણે લોકોનું શરીર દબાણ અનુભવવા લાગ્યું અને શરીરને ઠંડક મળવાની ઓછી થઈ ગઈ. તેના કારણે લોકોની હાલત ખરાબ થવા લાગી. સંશોધકોના મતે આ વખતે ગરમી અને ખાસ કરીને બફારો ધરાવતી ગરમીનું પ્રમાણ વધી ગયું જે લોકો માટે અસહ્ય છે. સામાન્ય રીતે યુરોપમાં જુલાઈ અને ઓગસ્ટમાં ગરમી પડતી હોય છે પણ આ વખતે મે મહિનાથી જ લોકો માટે અસહ્ય ગરમી પડી રહી છે. તેમાંય જૂનમાં તો ગરમીએ તમામ રેકોર્ડ તોડી કાઢયા.
ચિંતાજનક બાબત એવી પણ છે કે, સંશોધકોએ યુરોપને વધુ ગરમી સહન કરવાનું શીખવાની ચેતવણી આપી દીધી છે. યુરોપમાં જે ગરમી પડી રહી છે તેની વાસ્તવિકત સ્થિતિ અને અસર વધારે ગંભીર છે. યુરોપમાં હવે આવી ગરમીની લહેર વારંવાર આવશે. સંશોધકોના મતે ધીમે ધીમે યુરોપમાં આવી ગરમીની અવધી વધુ લાંબી થશે અને તેની અસર પણ વધુ ઘાતક થતી જશે. યુરોપની આ ગરમી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના અસરની સૌથી મોટી ચેતવણી છે.
આ સ્થિતિ સમગ્ર દુનિયાને અનુભવ કરાવી રહી છે ક્લાઈમેટ ચેન્જની શું અસર થઈ છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે. યુરોપ જેવા વિકસિત કોન્ટિનેન્ટનું સ્વાસ્થ્ય તંત્ર અને અર્થતંત્ર બધું જ હાંફી ગયું છે.
તાજેતરમાં ડબ્લ્યૂડબ્લ્યૂએના સંશોધકોએ જણાવ્યું કે હવે આપણે આ ગરમીની આદત પાડવી પડશે. જ્યાં સુધી કાર્બન ઉત્સર્જન ઉપર કામ કરવામાં નહીં આવે, જ્યાં સુધી ક્લાઈમેટ ચેન્જને કન્ટ્રોલ નહીં કરવામાં આવે, જ્યાં સુધી અવિચારી અને આંધળુકિયા વિકાસને અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી લોકોની હાલત ખરાબ જ રહેશે. લોકોને આરામ મળશે નહીં, સ્વાસ્થ્ય સુવિધાઓ હાંફી જશે. હવે સૌથી પહેલાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના મૂળ કારણોને દૂર કરવા જરૂરી છે. કોલસા, ક્રૂડ, ગેસ વગેરેનો ઉપયોગ ઘટાડવો પડશે અને પૂન:પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતનો વપરાશ વધારવો પડશે. સોલાર, વિન્ડ અને ન્યૂક્લિયર એનર્જીના વિકલ્પો તરફ વધારે ભાર મુકવો પડશે.
યુરોપની ગરમીની સાથે સાથે ભારતની ગરમીની પણ ચર્ચા ચારેકોર થઈ રહી છે. તાજેતરમાં યુરોપની વધી રહેલી ગરમી વચ્ચે ભારતમાં પણ આવી જ ગરમી પડે છે છતાં લોકોનાં મોત કેમ થતા નથી તેવી ચર્ચાએ વેગ પકડયો છે. સામાન્ય રીતે જોવાયું છે કે, ભારતમાં ૪૮ ડિગ્રી સુધી તાપમાન જતું રહેતું હોય છે. રાજસ્થાનના કેટલાક ભાગમાં ૫૦ ડિગ્રી સુધી તાપમાન ગયું છે પણ ગરમીના કારણે લોકોનાં મોત થતા નથી. બીજી તરફ યુરોપમાં ૪૦ ડિગ્રી તાપમાન જતું રહ્યું ત્યાં ૧૫૦૦ લોકાનાં મોત થઈ ગયા. જાણકારોના મતે તાપમાનનો પારો ભલે ગમે તેટલો ઉપર જાય પણ ગરમીનો અનુભવ અને અન્ય કારકો તેની અસર ઉપર પ્રભાવ પાડતા હોય છે. ખાસ કરીને ભૌગોલિક સ્થિતિ, સૂર્યના કિરણોનો કોણ, હવાની ગુણવત્તા, જે તે સ્થળનું માળખું, મકાનોનું નિર્માણ અને મકાનોની બનાવવાની શૈલી વગેરે પણ વ્યાપક રીતે અસર કરતા હોય છે.
જાણકારોના મતે જો વૈશ્વિક સ્તરે ભૌગોલિક તફાવતો જોઈએ તો ભારત કરતા યુરોપ વધારે ઉત્તર અક્ષાંશ તરફ છે. તે ઉત્તર તરફ વધારે છે તેથી અહીંયા ઉનાળા દરમિયાન દિવસ મોટા થઈ જાય છે.
અહીંયા ર્ૂસૂર્યના કિરણો પણ અલગ ખુણેથી અને લાંબા સમય સુધી આવતા હોય છે. તેના કારણે ઈમારતો અને રસ્તા આખો દિવસ તાપ પડવાથી તપવા લાગે છે. ભારતમાં સૂર્ય વધારે ઉપર જ છે અને આકરો છે છતાં તેનો ખૂણો અને તેના સમયમાં ઘણો તફાવત છે અને તેથી જ તેનો અનુભવ પણ જુદો થાય છે.
બીજી વાત એવી છે કે, યુરોપના દેશો સદીઓથી ઠંડા રહ્યા છે. અહીંયા ગરમીનો અસહ્ય પ્રકોપ આવી શકે તેની કોઈ કલ્પના પણ કરતું નહોતું.
યુરોપના લોકો જન્મજાત ઠંડી માટે ટેવાયેલા છે. તેમનાથી ગરમી સહન થાય તેમ જ નથી. તેઓ ઠંડા પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી શકે પણ ગરમીમાં ટકી ન શકે. અહીંયા મોટાભાગના જૂના મકાનોમાં આજે પણ પંખા અને એસી નથી. આ ઉપરાંત શહેરોમાં પણ બહારના એલિવેશન ખરાબ ન થાય તે માટે તેમાં પણ એસી લગાવાયા નથી. તેના કારણે લોકો માટે હવે એકાએક આવેલી ગરમી અસહ્ય થઈ રહી છે. ભારતની વાત કરીએ તો ભારતના લોકો જન્મજાત ગરમી માટે ટેવાયેલા છે.
ભારતીયો જ જ્યારે એવરેસ્ટ ઉપર કે કેદારનાથ જેવી જગ્યાઓએ જાય છે ત્યારે તેમની તબિયત ખરાબ થાય છે, ઘણા લોકોનાં મોત થાય છે કારણ કે આપણે ઠંડા વાતાવરણ માટે ટેવાયેલા જ નથી. ત્યાં રહેતા સ્થાનિકો સિવાય ત્યાં કોઈ ટકી શકતું નથી. આપણે ગરમી સહન કરી શકીએ પણ ઠંડી નહીં.
ભારતમાં પ્રદુષણ વધુ હોવાથી તાપ ઓછો આકરો લાગે છે : અહેવાલ
ભારત અને યુરોપની ગરમીની સરખામણી દરમિયાન સંશોધકોને એક વિચિત્ર અને આશ્ચર્યજનક પાસુ પણ જોવા મળ્યું હતું. સંશોધકોએ જણાવ્યું કે, ભારતના ઘણા શહેરોમાં ભયાનક પ્રદુષણ રહેતું હોય છે. તેના કારણે પણ અહીંયા ગરમી ઓછી પડે છે, સૂર્યના કિરણો સીધા નીચે સુધી પહોંચી શકતા નથી. તેમના મતે આ પ્રદુષિત શહેરોમાં હવામાં ધૂળના કણો ખૂબ જ વધારે હોય છે. ધૂળના આ કણો સૂર્યના કિરણોને વિખેરી કાઢે છે. તેના કારણે તેની તિવ્રતા ઓછી થઈ જાય છે. બીજી તરફ યુરોપમાં વાતાવરણ સાફ છે, પ્રદુષણ ઓછું અને આકાશ ચોખ્ખું હોય છે તેથી અહીંયા તાપ વધારે આકરો લાગે છે. સૂર્યના કિરણો સીધા જ જમીન સુધી આવે છે અને ચામડી દઝાડે છે. તેનો અર્થ એવો નથી કે પ્રદુષણ લાભદાયક છે પણ આ એક મુદ્દે પ્રદુષણ ગરમીની તિવ્રતા ઘટાડી દેતી હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત અહીંયા હીટવેવની બીજી નકારાત્મક બાબત એ છે કે, અહીંયા ગરમી દરમિયાન હવા લગભગ બંધ થઈ ગઈ છે. ઝાડના પાંદડા પણ હાલે તેટલો પવન આવતો નથી. તેના કારણે ગરમી સખત વધી ગઈ. ગરમી દરમિયાન પરસેવો થાય તેને ઠંડો કરતો પવન આવતો નથી તેથી ગરમીની અસર વધારે આકરી થઈ ગઈ. આ સિવાય યુરોપના મકાનોની બનાવટ પણ મોટી અસર કરે છે. અહીંયાના મકાનો શિયાળા અને આકરી ઠંડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. શિયાળામાં અહીંયા જાડી દીવાલો, મજબૂત ઈન્સ્યુલેશન, લાકડાના ભોંયતળિયા, લાકડાની છત વગેરે ગરમી ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. હવે ગરમી વધવાથી આ જ મકાનોમાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. ગરમી અને બફારો મકાનમાંથી બહાર જતા જ નથી. અહીંયા વેન્ટિલેશની જોઈએ તેવી સુવિધા થતી જ નથી તેથી લોકો હવે ઈમારતોમાં અસહ્ય ગરમીમાં બફાવા લાગ્યા છે.









