Get The App

બરાકનું જેનિફર સાથે અફેર : રીયલ લવ સ્ટોરી કે પોલિટિકલ ડ્રામા?

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
બરાકનું જેનિફર સાથે અફેર : રીયલ લવ સ્ટોરી કે પોલિટિકલ ડ્રામા? 1 - image


- બરાક અને મિશેલ જાહેરમાં કેટલાક સમયથી દેખાયા નથી : ટ્રમ્પની શપથ વિધિમાં પણ મિશેલ હાજર નહોતા રહ્યા, મિશેલ- બરાક અલગ અલગ રહેતા હોવાનું મનાય છે

- અમેરિકામાં રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે, જેનિફર-બરાકની લવ સ્ટોરી કે બરાક-મિશેલના બ્રેક-અપની વાતો ઓબામા કપલના પબ્લિસિટી સ્ટંટનો ભાગ છે. મિશેલ 2028માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બનવા માગે છે. બરાક ઓબામા અમેરિકાના પહેલા આફ્રિકન-અમેરિકન પ્રેસિડેન્ટ હતા. મિશેલની ઈચ્છા અમેરિકામાં પહેલાં મહિલા પ્રમુખ બનીને ઈતિહાસ રચવાની છે. બરાક ઓબામાનો તેમાં પૂરો સાથ છે પણ એ વાત મહિલા મતદારો સુધી પહોંચે એ માટે કોઈ ડ્રામા જરૂરી છે. બ્રેક-અપની વાતોને નકારીને બંનેને એકબીજામાં વિશ્વાસ છે એવું બતાવીને બંને ડ્રામા કરી રહ્યાં છે.

અમેરિકામાં આદર્શ કપલ મનાતાં બરાક ઓબામા અને મિશેલ ડિવોર્સ લેવાનાં છે એવી સ્ટોરી દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે ત્યારે આ સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ એ આવ્યો છે કે, આ ડિવોર્સનું કારણ જેનિફર એનિસ્ટન છે. મતલબ કે, બરાક ઓબામા અને એક્ટ્રેસ જેનિફર એનિસ્ટન વચ્ચે અફેર હોવાથી મિશેલ ડિવોર્સ લેવા માગે છે. 

લગભગ ચાર મહિના પહેલાં 'ટચ વીકલી' મેગેઝિનમાં જેનિફર-બરાક ઓબામાનું અફેર હોવાની સ્ટોરી પહેલી વાર છપાઈ ત્યારથી ઘૂસૂસપ શરૂ થઈ ગયેલી. જેનિફર એનિસ્ટને એ વખતે એક પોડકાસ્ટમાં બરાક સાથેના અફેરની વાતો ખોટી હોવાની સ્પષ્ટતા કરીને કહેલું કે, મારી જીંદગીમાં હું બરાક ઓબામાને એક જ વાર મળી છું અને બરાક કરતાં તો મિશેલ સાથે મારે વધારે પરિચય છે. જેનિફરની સ્પષ્ટતા પછી અફેરની વાતો શમી ગયેલી પણ છેલ્લા એક મહિનામાં બે બહુ મોટા કાર્યક્રમમાં બરાક અને મિશેલ સાથે ના દેખાયાં પછી અમેરિકાનું મીડિયા મચી પડયું છે. 

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટર ગયા મહિને ગુજરી ગયા પછી તેમની અંતિમવિધીમાં મિશેલ હાજર નહોતાં રહ્યાં. એ પછી અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધીના કાર્યક્રમમાં પણ મિશેલ હાજર નહોતાં રહ્યાં. બંને કાર્યક્રમમાં બરાક ઓબામા એકલાં હાજર રહ્યાં તેમાં મિશેલ-બરાક અલગ થઈ રહ્યાં હોવાની વાતો ચાલુ થઈ ગઈ. 

અમેરિકામાં ભાગ્યે જ કોઈ મીડિયા એવું છે કે, જેમાં જેનિફર-ઓબામાના કહેવાતા અફેરની વાત ના આવી હોય. સોશિયલ મીડિયા પર તો જેનિફર-બરાક છવાયેલાં છે અને જાત જાતનાં મીમ્સ તથા એઆઈ જનરેટેડ ફોટો-વીડિયોનો મારો ચાલી રહ્યો છે.  અમેરિકામાં યુ ટયુબ પર પોડકાસ્ટ્સ પણ બહુ જોવાય છે તેથી પોડકાસ્ટ કરનારાંનો પણ રાફડો ફાટયો છે. મેગીન કેલ્લી શો અમેરિકાના સૌથી વધારે લોકપ્રિય પોડકાસ્ટ્સમાંથી એક છે. કેલ્લીએ આ મુદ્દાને ચગાવીને મિશેલ-બરાક અલગ અલગ રહેતાં હોવાનો દાવો કરી નાંખ્યો છે. અમેરિકામાં છેલ્લાં કેટલાંક વરસોથી બોડી લેંગ્વેજના નામે નવું તૂત શરૂ થયું છે. કહેવાતા બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સ કોઈ પણ વ્યક્તિના વર્તન પરથી તેના મનમાં શું ચાલી રહ્યું છે એ કહી બતાવે છે. અમેરિકામાં રૂપિયા રળવા માટે જાત જાતના ધંધા ચાલે છે તેમાંનો આ એક ધંધો જ છે પણ લોકોને તેમાં બહુ મજા પડે છે તેથી બોડી લેંગ્વેજ એક્સપર્ટ પણ ધંધે લાગેલા છે. હમણાં મિશેલનો બર્થ ડે હતો ત્યારે બરાકે મિશેલને માય લવ ગણાવીને વિશ કર્યું તેની સાથે જે ફોટો મૂક્યો તેનું પણ જોરદાર પિષ્ટપિંજણ ચાલી રહ્યું છે. આ બર્થ-ડેમાં મિશેલ અને બરાક ડાઈનિંગ ટેબલ પર સામસામે બેઠાં છે એ બંનેના સંબંધોમાં તણાવ દર્શાવે છે એવું તારણ કઢાઈ રહ્યું છે. 

બરાક ઓબામા આ મુદ્દે ચૂપ છે પણ જેનિફરે ઓબામા સાથેના પોતાના અફેરની વાતોને હમ્બગ ગણાવી છે. જેનિફરની સ્પષ્ટતાને મીડિયા ઝડપથી સ્વીકારે એવી શક્યતા નથી કેમ કે બરાક-જેનિફરની લવ સ્ટોરીના કારણે મીડીયાનો માલ ખપી રહ્યો છે. બરાક અને જેનિફર બંને મોટી સેલિબ્રિટી છે. ઓબામા તો ૮ વર્ષ અમેરિકાના પ્રમુખ રહ્યા છે જ્યારે જેનિફર અમેરિકાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં એક છે.

જેનિફરની ટેલિવિઝન સીરિયલ 'ફ્રેન્ડ્ઝ'એ ૧૯૯૦ના દાયકામાં અમેરિકનો જ નહીં પણ આખી દુનિયાનાં લોકોને પાગલ કરી મૂકેલા. 'ફ્રેન્ડ્ઝ'માં રાશેલ ગ્રીન બનેલી જેનિફર અમેરિકાની સ્વીટહાર્ટ બની ગયેલી.  'ફ્રેન્ડ્ઝ'ની ૧૯૯૪થી ૨૦૦૪ સુધી ૧૦ સીઝન આવી તેમાં ૧.૪૦ અબજ ડોલરની કમાણી એ જમાનામાં થયેલી. 'ફ્રેન્ડ્ઝ' ટીવીના ઈતિહાસની સૌથી વધારે લોકપ્રિય, સૌથી વધારે કમાણી કરનારી સીરિયલ છે.

જેનિફર એનિસ્ટને એ પછી ફિલ્મો કરી તેમાં પણ એ છવાઈ ગયેલી. રોમેન્ટિક કોમેડી ફિલ્મોની હીરોઈન તરીકે જેનિફર અમેરિકન યંગસ્ટર્સની ડાર્લિંગ છે. ભારતીય હઠ યોગ કરીને અદભૂત ફિગર જાળવનારી અને માનસિક શાંતિ સાથે જીવતી જેનિફર લાંબા સમયથી મનોરંજન જગતમાં હોવા છતાં લફરાંબાજી કે બીજા વિવાદોથી પર છે તેથી મીડિયાને તેના વિશે લખવાનો મોકો નહોતો મળતો. હવે મોકો મળ્યો છે તો તેનો બરાબર કસ કાઢી રહ્યું છે. 

અમેરિકામાં રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે, જેનિફર-બરાકની લવ સ્ટોરી કે બરાક-મિશેલના બ્રેક-અપની વાતો ઓબામા કપલના પબ્લિસિટી સ્ટંટનો ભાગ છે. મિશેલ ઓબામા ૨૦૨૮માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બનવા માગે છે. મિશેલને આ વખતે જ જો બિડેનને સ્થાને ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખપદનાં ઉમેદવાર બનાવવા તૈયાર હતી પણ સમય ઓછો હતો તેથી મિશેલ સોનાની જાળ પાણીમાં નાંખવા તૈયાર નહોતાં. હવે એ પૂરી તૈયારી સાથે ઝંપલવવા માગે છે. 

બરાક ઓબામા અમેરિકાના પહેલા આફ્રિકન-અમેરિકન પ્રેસિડેન્ટ હતા. મિશેલની ઈચ્છા અમેરિકામાં પહેલાં મહિલા પ્રમુખ બનીને ઈતિહાસ રચવાની છે. બરાક ઓબામાનો તેમાં પૂરો સાથ છે પણ એ વાત મહિલા મતદારો સુધી પહોંચે એ માટે કોઈ ડ્રામા જરૂરી છે. 

બરાક અને મિશેલ ૧૯૯૧માં પરણેલાં એ જોતાં ૨૦૨૮માં તેમનાં લગ્નજીવનને ૩૭ વર્ષ થઈ જશે. આ વરસો દરમિયાન બંને એકબીજાને વફાદાર રહ્યાં છે. બરાક ને મિશેલ બંનેના કોઈ અફેરની વાતો કદી બહાર આવી નથી ને અચાનક જેનિફર-બરાકના અફેરની વાતો શરૂ થઈ એ યોગાનુયોગ નથી. 

મિશેલ અને બરાક પોતે ફેમિલી વેલ્યુમાં માને છે અને દામ્પત્ય જીવનમાં આવેલા ઝંઝાવાતોનો સામનો કરીને પણ એક રહ્યાં છે એ સાબિત કરીને મહિલા મતદારોને પ્રભાવિત કરવા માગે છે તેથી આ ડ્રામા કરી રહ્યાં હોવાનું કહેવાય છે. બરાકને પ્રમુખ બનાવવા મિશેલે પૂરી તાકાત લગાવી દીધેલી. એ વખતે મિશેલે બરાક ઓબામા કેવા ફેમિલીમેન છે તેની વાતોનો જોરશોરથી પ્રચાર કરેલો. હવે બરાક એ ભૂમિકા ભજવી રહ્યા હોય એ શક્ય છે. રાજકારણીઓ કંઈ પણ કરી શકે એ જોતાં આ વાત પણ સાચી હોઈ શકે.

પુરાણાં પ્રેમીનું પુનર્મિલન ? જેનિફર-બરાકની લવ સ્ટોરી 2008માં શરૂ થઈ ગયેલી ? 

અમેરિકામાં એક વર્ગ ઓબામા અને એનિસ્ટનની લવ સ્ટોરીને પુરાણાં પ્રેમીનું પુનર્મિલન માને છે. તેમનો દાવો છે કે, ઓબામા અને એનિસ્ટનની લવ સ્ટોરી ૨૦૦૮માં ઓબામા પહેલી વાર અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેલા ત્યારે જ શરૂ થઈ ગયેલી. બ્રાડ પિટ સાથેના ડિવોર્સના કારણે એનિસ્ટન એકલી હતી ત્યારે ઓબામા સાથે પરિચય થયા અને બંનેની લવ સ્ટોરી શરૂ થઈ ગયેલી. એનિસ્ટાન રાજકારણથી અલિપ્ત રહે છે પણ ૨૦૦૮માં ઓબામાના કેમ્પેઈન માટે દાન પણ કરેલું.

ઓબામા જીતીને ૨૦૦૯માં પ્રમુખ બન્યા પછી લાંબો સમય બંનેનું અફેર ચાલેલું. એનિસ્ટન ઓબામાને પરણવા માગતી હતી પણ ઓબામા બીજી વાર પ્રમુખ બનવા માગતા હોવાથી મિશેલને ડિવોર્સ આપીને પોતાની ઈમેજ બગાડવા નહોતા માગતા તેથી છેવટે બ્રેક-અપ થઈ ગયેલું અને એનિસ્ટન લેખક-ડિરેક્ટર જસ્ટિન થેરોક્સની નજીક આવીને છેવટે ૨૦૧૫માં તેને પરણી ગઈ.  

ઓબામા સળંગ બે ટર્મ માટે એટલે કે ૨૦૦૯થી ૨૦૧૭ સુધી અમેરિકાના પ્રમુખપદે રહ્યા. અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બે ટર્મથી વધારે પ્રમુખપદે રહી ના શકે એવી બંધારણીય જોગવાઈ છે. પ્રમુખપદે રહેલી વ્યક્તિ બીજો કોઈ હોદ્દો સ્વીકારે તેમાં ગૌરવ ના કહેવાય તેથી ઓબામાની રાજકીય કારકિર્દી ૨૦૧૭માં પતી ગયેલી તેથી ઓબામા મુક્ત હતા. ઓબામાએ ફરી એનિસ્ટનો સંપર્ક કર્યો અને ૨૦૧૭માં જ બંનેની લવ સ્ટોરી પાછી શરૂ થઈ ગયેલી એવું કહેવાય છે. એનિસ્ટન ૨૦૧૭માં જસ્ટિન થેરોક્સને ડિવોર્સ આપીને અલગ થઈ ગયેલી એ યોગાનુયોગ નહોતો એવું કહેવાય છે. 

બ્રાડ પિટ જેનિફરનો પહેલો પતિ, પિટે ચિટિંગ કરીને એન્જેલિના સાથે અફેર કરતાં ડિવોર્સ થયેલા 

જેનિફર એનિસ્ટનની અંગત જીંદગી બીજી હોલીવુડ એક્ટ્રેસની સરખામણીમાં સરળ છે. એનિસ્ટને પહેલા લગ્ન ૧૯૯૮માં બ્રેડ પિટ સાથે કરેલાં અને ૨૦૦૫માં ડિવોર્સ લીધેલા. બીજાં લગ્ન જસ્ટિન થેરોક્સ સાથે ૨૦૧૫માં કરેલાં અને ૨૦૧૭માં ડિવોર્સ લીધા. બંને લગ્નથી એનિસ્ટનને કોઈ સંતાન નથી. 

જેનિફરના બ્રાડ પિટ સાથેના અફેરની શરૂઆત ૧૯૯૮માં થયેલી અને બે વર્ષ પછી બંને પરણી ગયાં. ૨૦૦૦માં કેલિફોર્નિયાના માલિબુમાં જેનિફર અને બ્રાડ પિટે લગ્ન કર્યાં ત્યારે આખું હોલીવુડ ઉમટયું હતું. જેનિફર-બ્રાડનાં લગ્ન એ વખતે આદર્શ મનાતાં પણ જેનિફરને પરણેલો હતો ત્યારે જ બ્રાડ પિટનું એન્જેલિના જોલી સાથે અફેર ચાલુ થઈ જતાં બંનેના ડિવોર્સ થઈ ગયા. જેનિફર સંતાન પેદા કરવા નહોતી માગતી તેથી ડિવોર્સ થયા એવી વાતો એ વખતે ચાલેલી પણ અમેરિકન પ્રજાની સહાનુભૂતિ જેનિફર તરફ હતી. યંગસ્ટર્સ ટીમ એનિસ્ટનનાં ટી-શર્ટ પહેરીને જેનિફરને સપોર્ટ કરતાં. સામે જોલીના સમર્થકો ટીમ જોલીનાં ટી-શર્ટ પહેરીને નિકળતા તેથી ઘણાં ઠેકાણે ઘર્ષણ પણ થયેલાં.

ડિવોર્સ પછી જેનિફર પોતાની માતા નેન્સી સાથે રહેવા જતી રહેલી અને થેરાપિસ્ટની મદદથી ડીપ્રેશનમાંથી બહાર આવેલી. એ પછી એક્ટર-ડિરેક્ટર-સ્ક્રીનરાઈટર જસ્ટિન થેરોક્સના પ્રેમમાં પડી. જસ્ટિન જેનિફરથી અઢી વર્ષ નાનો હતો. જસ્ટિન હોલીવુડની ઘણી સફળ ફિલ્મોનો સ્ક્રીન રાઈટર છે અને ઘણા એવોર્ડ જીતી ચૂકેલો એક્ટર છે. જેનિફર-જસ્ટિનના સંબંધોની શરૂઆત ૨૦૧૧માં થઈ અને ૨૦૧૫માં બંને પરણી ગયાં પણ બે વર્ષ પછી બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. જેનિફર ત્યારથી સિંગલ છે અને બરાક ઓબામા સિવાય કોઈની સાથે તેના અફેરની ચર્ચા પણ નથી ચાલી.

News-Focus

Google NewsGoogle News