Get The App

હિન્દુકુશમાં બરફનું પ્રમાણ ઘટયું, 200 કરોડ લોકો પર જોખમ

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
હિન્દુકુશમાં બરફનું પ્રમાણ ઘટયું, 200 કરોડ લોકો પર જોખમ 1 - image

- હિમાલયમાં ઘટી રહેલા બરફથી ગંગા, સિંધુ, બ્રહ્મુપુત્રા, મેકાંગ નદીઓ પ્રભાવિત, આ સ્થિતિ એશિયામાં જળસંકટ લાવી શકે

- અહેવાલ જણાવે છે કે, હિંદુકુશમાં બરફ રહેવાનો સમય સામાન્ય કરતા 27.8 ટકા જેટલો ઘટી ગયો છે. છેલ્લાં 20 વર્ષોમાં આ સ્તર સૌથી નીચે આવી ગયું છે. ચિંતાજનક વાત એવી પણ છે કે, હિમાલયમાં સતત ચોથા વર્ષે ઓછો બરફ પડવાનું અને ત્યારબાદ ઓછા સમય માટે આ બરફ ટકવાનું નોંધવામાં આવ્યું છે : હિમાલયમાં બરફ ઓછો પડતો હોવાના કારણે અને ઓછો ટકતો હોવાના કારણે તેમાંથી નીકળતી 12 મુખ્ય નદીઓમાંથી 10 નદીઓના ખીણમાં પણ ઓછો બરફ જોવા મળી રહ્યો છે. મેકાંગ બેસિનમાં સૌથી વધારે 59.5 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ તિબેટ પઠારમાં પણ 47.4 ટકાનો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે : ઉત્તરાખંડના ગંગોત્રી ગ્લેશિયરમાં ગંગા નદીનો મુખ્ય સ્ત્રોત આવેલો છે. તેના ઓગળવાનો દર બે દાયકામાં બમણો થઈ ગયો છે. 1920થી 2025 સુધીમાં તેમાં 1700 મીટરનો ઘટાડો જોવા મળ્યો છે. તે દર વર્ષે 28 થી 30 મીટરની સરેરાશે ઓગળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે તાપમાનનો આંકડો 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નહીં રાખવામાં આવે તો આ સદીના અંત સુદીમાં હિમાલયના 80 ટકા ગ્લેશિયર્સ ઓગળી જાય તેવી શક્યતાઓ છે

હિમાલય પર્વતમાળા અને હિંદુકુશ પર્વતમાળા કે જેને આપણે બરફાચ્છાદિત શિખરો દ્વારા ઓળખીયે છીએ તે હવે પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. તાજેતરમાં આવેલા એક વૈજ્ઞાાનિક અહેવાલે લાલબત્તી સમાન વિગતો રજૂ કરી છે. સંશોધકો જણાવે છે કે, ગંગા અને સિંધુ જેવી નદીઓ જેને આપણે લોકમાતાઓ કહીએ છીએ તેની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ નદીઓમાં પાણી સુકાઈ રહ્યું છે. હિમાલય ઉપર બરફનો દુકાળ પડી રહ્યો હોય તેવી સ્થિતિ છે. અહીંયા સતત બરફનું સ્તર ઘટી રહ્યું છે અને તેના કારણે એશિયા ઉપર પાણી પુરવઠાનું સૌથી મોટું જોખમ સર્જાયું છે. 

સંશોધકો માને છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર હવે માત્ર તાપમાન સુધી જ સિમિત રહી છે તેવું નથી, ધીમે ધીમે તેના કારણે પાણીના સ્ત્રોત ઉપર વ્યાપક અસર પડવા લાગી છે. હિમાલય કે જેને વોટર ટાવર ઓફ એશિયા કહેવામાં આવે છે તે હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જના કારણે સર્જાયેલી આ માત્ર એક કુદરતી સમસ્યા નથી પણ તેની અસર સામાજિક અને આર્થિક સ્તરે પણ જોવા મળશે. હિમાલય અને હિંદુકુશમાં બરફનું સ્તર સતત ઘટી રહ્યું છે. જાણકારો માને છે કે, જો આ રીતે જ બરફનું પ્રમાણ ઘટતું રહેશે તો આવનારા સમયમાં કરોડો લોકો સામે પાણીની સમસ્યા ઊભી થશે. આ ઉપરાંત લોકોને ખેતી માટે, વપરાશ માટે પાણી નહીં મળે અને વીજળીનું પણ મોટું સંકટ સર્જાશે.

ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા ૨૦૨૬ના અહેવાલમાં આ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. આ અહેવાલ જણાવે છે કે, હિંદુકુશમાં બરફ રહેવાનો સમય સામાન્ય કરતા ૨૭.૮ ટકા જેટલો ઘટી ગયો છે. છેલ્લાં ૨૦ વર્ષોમાં આ સ્તર સૌથી નીચે આવી ગયું છે. ચિંતાજનક વાત એવી પણ છે કે, હિમાલયમાં સતત ચોથા વર્ષે ઓછો બરફ પડવાનું અને ત્યારબાદ ઓછા સમય માટે આ બરફ ટકવાનું નોંધવામાં આવ્યું છે. બરફનું સ્તર ઘટવાની સીધી અસર ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા અને મેકાંગ જેવી નદીઓ ઉપર પડી રહી છે. 

આઈસીઆઈએમઓડીના અહેવાલ અનુસાર હિમાલયમાં બરફ ઓછો પડતો હોવાના કારણે અને ઓછો ટકતો હોવાના કારણે તેમાંથી નીકળતી ૧૨ મુખ્ય નદીઓમાંથી ૧૦ નદીઓના ખીણમાં પણ ઓછો બરફ જોવા મળી રહ્યો છે. મેકાંગ બેસિનમાં સૌથી વધારે ૫૯.૫ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ તિબેટ પઠારમાં પણ ૪૭.૪ ટકાનો મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ આંકડા સ્પષ્ટ રીતે જણાવે છે કે, નદીઓના બેસીનમાં બરફનું સ્તર ઘટી રહ્યું છે અને તેના કારણે આ નદીઓમાં પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. તેના કારણે માત્ર ભારત નહીં પણ હિમાલય સાથે જોડાયેલા એશિયાના તમામ દેશોને અસર થાય તેમ છે. જો ખરેખર તેવું થશે તો ૨૦૦ કરોડ કરતા વધારે લોકો આ અસર હેઠળ આવી જશે.

હિમાલયના પર્વતો ઉપર શિયાળા દરમિયાન જે બરફ પડે છે તે ઉનાળો આવતા ઓગળવા લાગે છે. તેના કારણે હિમાલય ક્ષેત્રની નદીઓમાં પાણીમાં ઉમેરો થાય છે. અહીંયાની મોટાભાગની નદીઓ ઉનાળામાં બરફ ઓગળતા આવતા પાણી ઉપર જ આધાર રાખે છે. છેલ્લાં કેટલાક વખતથી આ વિસ્તારમાં બરફ ઓછો પડી રહ્યો છે. આ ઉપરાંત જે બરફ જમા થવો જોઈએ તે પણ થઈ રહ્યો નથી. તેના કારણે તેની સાથે જોડાયેલી નદીઓમાં પાણી ઓછું આવી રહ્યું છે. તેના પ્રવાહને પણ અસર પડી છે. સિંધુ અને હેલમંદ જેવી નદીઓમાં અંદાજે ૧૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ રીતે આગામી સમયમાં ભયાનક જળસંકટ તરફ ઈશારા કરી રહ્યા છે.

ચિંતાજનક બાબત એવી છે કે, હિમાલયમાં સ્નો પર્સિસ્ટન્સમાં ઘટાડો થયો છે. પર્વતો ઉપર જે બરફ પડે છે તે ટકી રહેવાના સમયમાં મોટો ઘટાડો આવ્યો છે. સ્નો પર્સિસ્ટન્સ જ હિમાલયની નદીઓના જળચક્રનો મુખ્ય સ્ત્રોત અને ભાગ છે. હિમાલયના શીખરો અને મેદાની બેસિનમાં જે બરફ જમા થાય છે તે ધીમે ધીમે ઓગળે છે અને નદીઓમાં જળસ્તરમાં ઉમેરો થાય છે. હવે આ જગ્યાએ જો બરફ ઓછો જમા થાય કે પછી વહેલો ઓગળી જાય તો સમગ્ર જળચક્ર ખોરવાય છે. તેના કારણે અચાનક પૂર અને લાંબા સમયે દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. 

ગંગા અને સિંધુ જેવી નદીઓ કરોડો લોકો માટે જીવનરેખા છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોની મોટી વસતી આ નદીઓના પાણી ઉપર આધારિત છે. આ નદીઓના બેસીનમાં બરફ ઘટી રહ્યો છે અને તેના કારણે તેના જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત ઘટી રહેલા બરફને કારણે આ નદીઓમાં પાણી ઘટે એટલે પીવા માટે પાણીની અછત, ખેતી માટે પાણીની અછત અને વીજળી ઉત્પાદન માટે પણ સમસ્યા થાય તેમ છે. જાણકારો માને છે કે, જો યોગ્ય રીતે જળ વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે તો સમસ્યા વધુ વકરશે. સરકારે લાંબાગાળાની યોજના બનાવીને તાકીદે તેનો અમલ કરવો પડશે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે હિમાલય પર્વતમાળાના શિખરો હવે સુકાવા લાગ્યા છે. અહીંયા યોગ્ય પ્રમાણમાં બરફ પડતો નથી. આ ઉપરાંત મેદાની વિસ્તારમાં પણ યોગ્ય બરફ પડતો નથી અને ટકતો પણ નથી. આ વર્ષે હિંદુકુશ હિમલાય વિસ્તારમાં જે બરફનું સ્તર છે તે છેલ્લાં બે દાયકામાં સૌથી નીચલા સ્તરે છે. ઉત્તરાખંડના ગંગોત્રી ગ્લેશિયરમાં ગંગા નદીનો મુખ્ય સ્ત્રોત આવેલો છે. તેના ઓગળવાનો દર બે દાયકામાં બમણો થઈ ગયો છે. ૧૯૨૦થી ૨૦૨૫ સુધીમાં તેમાં ૧૭૦૦ મીટરનો ઘટાડો જોવા મળ્યો છે. તે દર વર્ષે ૨૮થી ૩૦ મીટરની સરેરાશે ઓગળી રહ્યું છે. વૈજ્ઞાાનિકોએ ચેતવણી પણ ઉચ્ચારી છે કે, કોઈપણ રીતે વૈશ્વિક સ્તરે તાપમાનનો આંકડો ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે નહીં રાખવામાં આવે તો આ સદીના અંત સુધીમાં હિમાલયના ૮૦ ટકા ગ્લેશિયર્સ ઓગળી જાય તેવી શક્યતાઓ છે. ખરેખર જો આ ગ્લેશિયર્સ ઓગળી ગયા તો માત્ર માણસોને જ નહીં પણ સમગ્ર ઈકોસિસ્ટમને અસર પડશે. નેપાળ ઉપર ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની વ્યાપક રીતે ખરાબ અસરો જોવા મળી રહી છે. અહીંયા વારંવાર પૂર, ભૂસ્ખલન, ભૂકંપ અને અનિયમિત વરસાદ જેવી કુદરતી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. આગામી સમયમાં તેમાં વ્યાપક વધારો થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 

વૈજ્ઞાાનિકો અને જાણકારો માને છે કે, આ સમસ્યાનો નક્કર ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા મજબૂત અને નક્કર પ્રયાસ કરવામાં આવે તો જ પરિણામ મળે તેમ છે. સૌથી પહેલાં તો દુકાળ અને જળ સંકટ માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ એક્ટિવ અને મજબૂત કરવી પડશે. તે ઉપરાંત વરસાદ દરમિયાન કે ચોમાસા દરમિયાન પાણી વરસે છે તેનો સંગ્રહ કરવાની ક્ષમતાને વધરાવી પડશે. તે સિવાય સાઉથ અને સેન્ટ્રલ એશિયાના દેશો વચ્ચે સમન્વય વધારીને એકબીજાને મદદ કરવા માટે હકારાત્મક બનાવવા પડશે. જો અત્યારથી જ તેના માટે પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્ય વધારે જોખમી બની જશે.

2003થી અત્યાર સુધીમાં 14 જેટલા શિયાળામાં બરફનું સ્તર ઘટી ગયું છે

બીજી મહત્ત્વની વાત એ છે કે, વરસાદ અને બરફવર્ષમાં વ્યાપક ઘટાડો અને અનિશ્ચિતતા જોવા મળી રહ્યા છે. હિંદુકુશમાં કેટલાક વિસ્તારો અને ગ્લેશિયર એવા છે જ્યાં તેની વધારે અસર જોવા મળી છે. સૌથી પહેલાં તો તિબેટથી શરૂ કરીને ચીન થઈને થાઈલેન્ડ અને કમ્બોડિયા જતી મેકાંગ નદીના બેસીનમાં મોટી અસર જોવા મળે છે. અહીંયા સ્નો પર્સિસ્ટન્સમાં અંદાજે ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે સિંધુ, બ્રહ્મપુત્રા, યાંગત્સે જેવી મોટી નદીઓના ઉદગમ સ્થાન ગણાતા તિબેટ પઠારમાં પણ અંદાજે સ્નો પર્સિસ્ટન્સમાં ૪૮ ટકાનો ઘટાડો આવ્યો છે જેની અસર લદાખથી માંડીને તિબેટ અને ચીન સુધી જોવા મળી રહી છે. 

ચીનમાં ૫૫૦૦ કિલોમીટરના વિસ્તારને કવર કરનારી હુવાંગ હે એટલે કે યલો રિવલના બેસિનમાં પણ બરફના સ્તરમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. તેવી જ રીતે તાજિકિસ્તાનના પામીર પર્વતથી નીકળીને ૨૪૦૦ કિલોમીટર પ્રવાસ કરીને અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન જતી અમુ દરિયા નદીની હાલત પણ કંઈક આવી જ છે. અહીંયા પણ બરફનું સ્તર મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. તેના કારણે અત્યારથી પાણીની તંગી અનુભવાઈ રહી છે. ભારત માટે આ વખતે થોડી રાહત જોવા મળી છે. આ વર્ષે ભારતમાં ગંગા નદીના બેસિનમાં બરફનું સ્તર સામાન્ય કરતા ૧૬.૩ ટકા વધારે જોવા મળ્યું છે. તેના કારણે આ વખતે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે નહીં. જો અત્યારથી જ તેના સંરક્ષણ માટે નક્કર ઉપાય નહીં કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે તેમ છે. જાણકારો માને છે કે, આ પહેલા વર્ષની ઘટના નથી. 

સતત ચોથા શિયાળામાં સ્નો પર્સિસ્ટન્સમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ લાંબાગાળાની અસર જોઈએ તો ૨૦૦૩થી અત્યાર સુધીમાં ૧૪ જેટલા શિયાળામાં બરફની માત્રામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં આવેલા તમામ ગ્લેશિયર્સ વર્ષ ૨૦૦૦ની પહેલાની સરખામણીએ અત્યારે બમણી ગતિથી ઓગળી રહ્યા છે. તેના કારણે જ ભવિષ્યમાં અતિશય ગરમી અને દુકાળ પડવાની શક્યતાઓ વધી ગઈ છે.