વૈશ્વિક જળ સંઘર્ષ : ભવિષ્યના યુદ્ધ સ્વચ્છ પાણી માટે થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દુનિયાભરમાં પીવાના સ્વચ્છ પાણીના સ્રોત ઘટી રહ્યા છે અને કરોડો લોકો વલખાં મારે છે, દર વર્ષે ૧૪ લાખ લોકોનાં મોત સ્વચ્છ પાણીના અભાવમાં થાય છે
- વર્ષ ૨૦૦૦માં પાણી માટે દુનિયાભમાં સંઘર્ષ શરૂ થયા હતા. તે સમયે સામાન્ય ઘટનાઓ થતી હતી. ૨૦૨૨ની વાત કરીએ તો પાણી માટે ૨૩૧ જેટલા મોટા સંઘર્ષ નોંધાયા હતા. ૨૦૨૩માં આ આંકડો વધીને ૩૪૭ પહોંચી ગયો હતો. જાણકારોના મતે છેલ્લાં એક દાયકામાં જે જળ સંઘર્ષ થયા તેમાં ૧૪૭૭ ટકાનો ભયાનક વધારો નોંધાયો છે : દેશના જળાશયોમાં હાલમાં જે જળ ભંડાર છે તે ૭૧.૦૮૨ અબજ ઘન મીટર(બીસીએમ) છે જેમની કુલ ક્ષમતાના માત્ર ૩૮.૭૨ ટકા થાય છે. આ અહેવાલ એપ્રિલ મહિનાની ૩૦ તારીખે રજૂ થયો હતો. તેની પહેલાં ૯ એપ્રિલના અહેવાલમાં આ જ પ્રમાણ ૪૪.૭૧ ટકા જણાવાયું હતું. તેનો સીધો અર્થ એ હતો કે, માત્ર વીસ જ દિવસમાં આ ક્ષમતા ૬ ટકા ઘટી ગઈ હતી : યુએનના અહેવાલો સુચવે છે કે, ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ભારતમાં જે હત્યાના કેસ નોંધાયા તેમાંથી અંદાજે ૨૦ ટકા કેસ પાણીના સંઘર્ષ હતા. તેનો અર્થ એ થયો કે, દર પાંચમાંથી એક હત્યા પાણી માટે કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુતરસ ઘાલીએ લગભગ ત્રણ દાયકા પહેલાં જણાવ્યું હતું કે, દુનિયામાં જે રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પાણીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે કે, પછી જે રીતે સ્વચ્છ પાણીના સ્રોત ઘટી રહ્યા છે ભવિષ્યની સ્થિતિ અત્યંત ખરાબ આવશે. ભવિષ્યમાં જો ત્રીજું વિશ્વ યુદ્ધ થયું તો તે માત્ર પાણી માટે જ થશે. હાલમાં જોઈએ તો દુનિયાભરના વિચારકો, માનવાધિકાર જાણકારો, પર્યાવરણ બચાવવા મથતા લોકો અને વિવિધ દેશોની સરકારો દ્વારા પણ પાણી બચાવવા અને સ્વચ્છ પાણી મેળવવા માટે જ વાટાઘાટો અને પ્રયાસો કરાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાણીની સમસ્યા અને તેમાંય સ્વચ્છ અને પીવા તથા ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની અછત વિશ્વભરમાં વકરી રહી છે. દુનિયાભરના તમામ દેશો આ માટે નાની-મોટી સમસ્યાઓ ચાલી જ રહી છે. જે-તે સમયે જાણકારો દ્વારા પાણીની અછત વિશે ચેતવણી આપવામાં આવી હતી ત્યારે દુનિયા અંધાધૂંધ વિકાસના રસ્તે દોડી રહી હતી અને ત્યારે પાણીની કિંમત સમજાઈ નહોતી. હવે જે સ્થિતિ થઈ છે તેણે દુનિયાની ઉંઘ ઉડાડી દીધી છે. દુનિયાભરમાં પાણીની વ્યાપક અછત છે. તેના કારણે દર વર્ષે અંદાજે લાખો લોકો હિજરત કરે છે. તે ઉપરાંત ચોખ્ખા પાણીના અભાવમાં દર વર્ષે ૧૪ લાખ લોકોનાં મોત થાય છે. પીવાના ચોખ્ખા પાણીના અભાવમાં તેઓ ગમે તેવું પાણી પી જાય છે અથવા તો ઉપયોગમાં લે છે અને તેના કારણે જીવલેણ બીમારીઓનો ભોગ બનીને જીવ ગુમાવી દે છે.
જાણકારો માને છે કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રણ દાયકા પહેલાં જે ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી તેના ઉપર હવે તાકીદે વિચાર કરવાનો, આકરો અમલ કરવાનો સમય પાકી ગયો છે. જો ભાવિ પેઢીનું ભવિષ્ય ખરેખર સુરક્ષિત રાખવું હશે તો અત્યારથી જળ સંસાધનોના સંરક્ષણ મુદ્દે કામ કરવું પડશે. તે ઉપરાંત દુનિયાભરના લોકો સુધી સ્વચ્છ પાણીનો પુરવઠો પહોંચી શકે તેવી દરેક દેશમાં વ્યવસ્થા કરવી પડશે. પાણીની જાળવણી અને વહેંચણી યોગ્ય રીતે નહીં થાય તો નાગરિકોને નુકસાન થવાની સાથે સાથે દુનિયાભરના અર્થતંત્રોને પણ વ્યાપક નુકસાન થશે.
વાસ્તવિકતા એવી છે કે, હાલમાં મોટા દેશોમાં, મોટા શહેરોમાં પાણીનો બેફામ સપ્લાય થાય છે, વ્યય પણ થાય છે. દરરોજ કરોડો લિટર પાણી માત્ર બેદરકારીના લીધે ગટરમાં જતું રહે છે જે લાખો લોકોની તરસ છીપાવી શકે છે. સૌથી પહેલાં તો પાણીના સપ્લાય અને તેના ઉપયોગની જવાબદારી નક્કી કરવી પડશે. પાણીની જાળવણી નહીં કરનાર સામે આકરા પગલાં લેવા પડશે. દેશોએ સામાન્ય લોકો સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડશે. તેના દ્વારા જ માનવ સંસાધનની સુરક્ષા થશે. લોકો સ્વસ્થ હશે તો બિમારીઓ પાછળ તેમનો ખર્ચ ઘટશે અને ઉત્પાદકતા વધશે. જો માત્ર ખર્ચ જ વધ્યા કરશે તો અર્થતંત્ર ઉપર ભાર વધશે. તેને અટકાવવું પડશે.
જાણકારોના મતે દુનિયાભરના મોટા દેશો, જાગૃત દેશોએ પાણીના સંરક્ષણ માટે આગળ આવવું પડશે અને આકરા પગલા લેવા પડશે. થોડા સમય પહેલાં વર્લ્ડ બેન્કે પણ પોતાના એક અભ્યાસમાં પાણીના વેડફાટ અને સંરક્ષણમાં છીંડા અંગે ચેતવણી ઉચ્ચારી હતી. વર્લ્ડ બેન્કના અભ્યાસે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે છેલ્લાં કેટલાક વર્ષોથી વરસાદની સ્થિતિ પલટાઈ ગઈ છે. દુકાળ અને ઓછા વરસાદના કારણે પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી મળતું નથી અને તેનો સંગ્રહ પણ થતો નથી. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે, દુકાળ અને પાણીના વેડફાટ તથા વરસાદની અનિશ્ચિતતાઓના કારણે ૨૦૩૦ સુધીમાં દુનિયાભરના અંદાજે ૭ કરોડથી વધારે લોકો વિસ્થાપિત થઈ જશે. તે સિવાય દુનિયાભરન જળાશયોમાં પાણી સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે અને અન્ય વ્યવસ્થાઓ પણ ખસ્તાહાલ છે. તે સંજોગોમાં ભવિષ્ય માટે પણ યોગ્ય પાણીનો સંગ્રહ થઈ શકવાનો નથી જેનો માર પણ સહન કરવાનો આવશે.
ભારતની જ વાત કરીએ તો ભારતમાં તો સ્થિતિ અત્યંત કફોડી છે. ભારતના મોટાભાગના તમામ મોટા જળાશયોમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા ખોટકાયેલી છે. સરકારની ઉદાસિનતાને પગલે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. દેશના જળ મંત્રાલયના જ આંકડા જણાવે છે કે, દેશના તમામ ૧૬૬ જળાશયોની પાણી સંગ્રહની ક્ષમતા ૪૦ ટકાથી ઓછી થઈ ગઈ છે. બીજી તરફ દેશની તમામ ૨૦ નદીઓના બેસીનમાં પણ પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. અસમ, ગોવા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, તમિલાનાડુ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જળાશયોનું જળ સ્તર ગત વર્ષની સરખામણીએ ઘણું ઓછું થઈ ગયું છે. તાજેતરના વર્ષે જ એપ્રિલમાં જ જળસ્તર ઘટવાની આકરી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. જો કે, તેના સુધારા અંગે કોઈ કામ કરવામાં આવતા નથી.
જાણકારોના મતે ભારત જ નહીં દુનિયાભરના દેશોમાં પાણીની અછત છે. તેના કારણે ભયાનક જળ સંઘર્ષ થઈ રહ્યા છે. પાણી માટે યુદ્ધ થાય નહીં પણ જે દિવસે યુદ્ધ શરૂ થશે તે દિવસે ભારતમાં પણ ગૃહયુદ્ધ અને બાહ્ય યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો નવાઈ પામવા જેવું નથી. વૈશ્વિક સ્તરે પાણીના સંઘર્ષોના આંકડા ઘણા મોટા અને ભયાનક છે. પેસિફિક ઈન્સ્ટિટયૂટના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૦૦માં પાણી માટે દુનિયાભમાં સંઘર્ષ શરૂ થયા હતા. તે સમયે સામાન્ય ઘટનાઓ થતી હતી. ૨૦૨૨ની વાત કરીએ તો પાણી માટે ૨૩૧ જેટલા મોટા સંઘર્ષ નોંધાયા હતા. ૨૦૨૩માં આ આંકડો વધીને ૩૪૭ પહોંચી ગયો હતો. ૨૦૨૩માં આ સંઘર્ષમાં નાટકિય રીતે મોટો ઉછાળો આવ્યો હતો. જાણકારોના મતે તેની પહેલાના દાયકા કરતા આ આંકડો ઘણો મોટો હતો. છેલ્લાં એક દાયકામાં જે જળ સંઘર્ષ થયા તેમાં ૧૪૭૭ ટકાનો ભયાનક વધારો નોંધાયો છે.
અહેવાલો જણાવે છે કે, હાલના દાયકાના પહેલા ચાર વર્ષમાં જ પાણી માટે ૭૮૫ જેટલા સંઘર્ષો નોંધાયા છે. આ સંઘર્ષો પણ તેની આગળના દાયકાની સરખામણીએ ઘણા વધારે છે. પાણી મુદ્દે ૨૦૨૪માં જ વૈશ્વિક સ્તરે ૪૨૦ ઘટનાઓ બની હતી. આ તમામ ઘટનાઓ મિડલ ઈસ્ટ, યુક્રેન, ભારત, ઈરાન અને મેક્સિકોમાં થઈ હતી. સૌથી આંચકા જનક બાબત એ હતી કે, યુએનના અહેવાલો સુચવે છે કે, ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ભારતમાં જે હત્યાના કેસ નોંધાયા તેમાંથી અંદાજે ૨૦ ટકા કેસ પાણીના સંઘર્ષ હતા. તેનો અર્થ એ થયો કે, દર પાંચમાંથી એક હત્યા પાણી માટે કરવામાં આવી હતી. આ ખરેખર ભારત માટે અત્યંત ગંભીર સ્થિતિ છે. તાજેતરમાં દેહરાદૂનમાં એક ગામમાં પાણી મુદ્દે જ બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં એકનું મોત થયું અને ઘણા લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાના વૈશ્વિક સ્તરે પડઘા પડયા હતા.
બીજી તરફ આફ્રિકન દેશ ચાડમાં પણ એપ્રિલ ૨૦૨૬માં પાણી માટે મોટો ખૂની સંઘર્ષ થયો હતો. અહેવાલો પ્રમાણે ચાડમાં એક સ્થળના જળ સ્ત્રોત ઉપર કબજો કરવા માટે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ૪૨ લોકોનાં મોત થયા હતા. જ્યાં સુધી વ્યક્તિ પોતે, સમાજ પોતે, શહેર, રાજ્યો કે દેશ દ્વારા જળ સંચય, જળ સંગ્રહ અને જળ સંરક્ષણ અંગે પોતાની જવાબદારી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સ્થિતિનો ઉકેલ આવશે નહીં. પાણીનો સદુપયોગ કરવો અને બિનજરૂરી વપરાશ ન કરવો કે તેનો વેડફાટ ન કરવો તેની નૈતિકતા માણસોમાં વિકસે અને સરકારો પણ જળ સંગ્રહ અને સંચય માટે પૂરતા પ્રયાસ કરે તે ખૂબ જ જરૂરી છે બાકી તો પાણી માટે થઈને દુનિયા ભડકે બળશે તે દિવસો હવે દૂર નથી.
ભારતના જળાશયોમાં કુલ ક્ષમતાની સરખામણીએ માત્ર ૨૮ ટકા પાણી વધ્યું
જળમંત્રાલયના અહેવાલોએ જણાવ્યું હતું કે, આ જળાશયોમાં હાલમાં જે જળ ભંડાર છે તે ૭૧.૦૮૨ અબજ ઘન મીટર(બીસીએમ) છે જેમની કુલ ક્ષમતાના માત્ર ૩૮.૭૨ ટકા થાય છે. આ અહેવાલ એપ્રિલ મહિનાની ૩૦ તારીખે રજૂ થયો હતો. તેની પહેલાં ૯ એપ્રિલના અહેવાલમાં આ જ પ્રમાણ ૪૪.૭૧ ટકા જણાવાયું હતું. તેનો સીધો અર્થ એ હતો કે, માત્ર વીસ જ દિવસમાં આ ક્ષમતા ૬ ટકા ઘટી ગઈ હતી. હવે જો જુલાઈમાં તેની તપાસ કરવામાં આવે તો તેમાં તોતિંગ ઘટાડો નોંધાશે. ચિંતાજનક બાબત એ છે કે, ૧૧ જૂનના રોજ જળ આયોગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા તે પણ આંચકા આપે તેવા છે. આ અહેવાલમાં જણાવાયું કે, દેશના ૧૬૬ જળાશયોમાં માત્ર ૫૧.૯૨ બીસીએમ પાણી વધેલું છે. દેશના તમામ જળાશયોની કુલ સક્રિય જળ સંચય ક્ષમતા ૧૮૩.૫૬ બીસીએમ છે. આ ક્ષમતા દેશની અંદાજિત કુલ ક્ષમતા ૨૫૭.૮૧ બીસીએમના ૭૧.૨૦ ટકા જેટલી થાય છે. વાસ્તવિકતા એવી છે કે, દેશના જળાશયોમાં હાલમાં જે પાણી છે તેના કુલ સંચય ક્ષમતાનું માત્ર ૨૮ ટકા જ પાણી છે. પાણીનું આ સ્તર ખરેખર કટોકટીના સંકેત આપે છે. દેશમાં હજી વરસાદી સિસ્ટમ જોઈએ તે રીતે સક્રિય થઈ નથી. ઘણા રાજ્યોમાં હજી વરસાદ પડયો નથી. જૂન આખો કોરો ગયો છે. અલ નિનોની અસરને પગલે આગામી સમયમાં વરસાદની સ્થિતિ વધુ ખરાબ થાય તેવા વરતારા છે તે સંજોગોમાં આ જળાશયો ભરાશે નહીં તો પાણીની આકરી તંગી ઊભી થાય તેમ છે.









