News Focus

ગ્લોબલ વોર્મિંગથી હિમાલયની ઈકોસિસ્ટમ બદલાઈ રહી છે

By GS Team
27 Aug 20267 mins read
TukuTouch Logo
નેપાળમાં ભોટેકોશી નદીમાં તિબેટ તરફથી આવેલા ભીષણ પૂરનું કારણ ગ્લેશિયલ સરોવર ફાટવું છે. બરફ અને કાટમાળ આવતાં નદીનું જળસ્તર 8 થી 10 મીટર વધ્યું હતું. 2013માં કેદારનાથમાં ગ્લેશિયર ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિમાલયમાં 42 જોખમી ગ્લેશિયલ સરોવરો છે, જે હવે રક્ષક નહીં, ભક્ષક બની રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્લોબલ વોર્મિંગથી હિમાલયની ઈકોસિસ્ટમ બદલાઈ રહી છે
  • ગ્લેશિયર ફાટવાના કારણે હિમાલયમાં છેલ્લાં પંદર વર્ષમાં પાંચ મહાવિનાશક ઘટનાઓ બની
  • નેપાળમાં તિબેટ તરફથી અચાનક આવેલા ભીષણ પૂરનું કારણ ગ્લેશિયર સરોવરનું ફાટવું માનવામાં આવી રહ્યું છે. નેપાળની જે ભોટેકોશી નદીમાં ભીષણ પૂર આવ્યું છે, તેમાં બરફ અને કાટમાળ પણ વહીને આવ્યા છે, જેના કારણે ગણતરીની મિનિટોમાં જ નદીનું જળસ્તર ૮ થી ૧૦ મીટર સુધી વધી ગયું અને રક્ષક મનાતો હિમાલય હવે કાળ બની રહ્યો છે : નેપાળના નીચલા બરુણ વિસ્તારના તાલોપોખરી ગ્લેશિયલ સરોવરને અત્યંત સંવેદનશીલ માનવામાં આવ્યું છે. આ સરોવર આશરે ત્રણ કિલોમીટર લાંબુ છે અને તેની ઊંડાઈ લગભગ ૨૦૬ મીટર હોવાનું જણાવાયું છે. જો આવા કોઈ સરોવરનો કુદરતી બંધ તૂટે છે, તો મોટાપાયે જાનમાલનું નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે : ઉત્તરાખંડના કેદારનાથમાં ૨૦૧૩માં અહીંયા ગ્લેશિયર ફાટવાથી હિમાલય ક્ષેત્રમાં ઇતિહાસની સૌથી મોટી કુદરતી આપત્તિ આવી હતી. આમાં ચોરાબારી ગ્લેશિયર સરોવરનો બંધ તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ગ્લેશિયર પીગળવાને કારણે આવું બન્યું હતું.

નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે અચાનક આવેલા ભીષણ પૂરે બધું વેરવિખેર કરી નાખ્યું. આ પૂરમાં એક હજારથી વધુ લોકો તણાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સ્થાનિક તંત્ર તરફથી હજુ સુધી કોઈ ખરાઈ કરવામાં આવી નથી. પૂર એટલું ભયાનક હતું કે મિનિટોમાં જ તે અહીં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ, પુલ અને પાવરપ્લાન્ટને પોતાની સાથે વહાવી ગયું. અધિકારીઓએ ભોટેકોશી નદીના કિનારે રહેતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારોમાં જવાની ચેતવણી આપી હતી.
મહત્ત્વની વાત એ છે કે, નેપાળમાં તિબેટ તરફથી અચાનક આવેલા ભીષણ પૂરનું કારણ ગ્લેશિયલ સરોવરનું ફાટવું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે ગ્લેશિયર ઝડપથી પીગળે છે, ત્યારે સરોવર પર દબાણ વધે છે અને તે તૂટી જાય છે. તેને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ કહેવાય છે. નેપાળની જે ભોટેકોશી નદીમાં ભીષણ પૂર આવ્યું છે, તેમાં બરફ અને કાટમાળ પણ વહીને આવ્યા છે, જેના કારણે ગણતરીની મિનિટોમાં જ નદીનું જળસ્તર ૮થી ૧૦ મીટર સુધી વધી ગયું. રક્ષક મનાતો હિમાલય હવે કાળ બની રહ્યો છે. આ પહેલાં પણ હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર ફાટવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેમાં સૌથી ભયાનક પૂર ૨૦૧૩માં કેદારનાથમાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાણકારોના મતે હિમાલય પર્વત હવે રક્ષક નહીં ભક્ષક બનવા લાગ્યો છે. તેમાં કુદરતી રીતે અનેક ગ્લેશિયર બનવા લાગ્યા છે. આ ગ્લેશિયર બનવાની અને તે તૂટીને નવા ગ્લેશિયર બનવાની ઘટનાઓમાં સતત વધારો થવા લાગ્યો છે જે હિમાલયને અસ્થિર બનાવી રહી છે.
નેપાળમાં ગ્લેશિયલ સરોવરોનું જોખમ માત્ર કોઈ એક ઘટના પૂરતું સીમિત નથી. નિષ્ણાતોએ દેશમાં આવા ૪૨ સરોવરોની ઓળખ કરી છે જેને અત્યંત જોખમી માનવામાં આવ્યા છે. હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ તમામ વિસ્તારો કોશી પ્રાંતમાં આવેલા છે. સંખુવાસભા જિલ્લામાં પણ આવા ચાર સરોવરો છે જેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આમાં નીચલા બરુણ વિસ્તારના તાલોપોખરી ગ્લેશિયલ સરોવરને અત્યંત સંવેદનશીલ માનવામાં આવ્યું છે. આ સરોવર આશરે ત્રણ કિલોમીટર લાંબુ છે અને તેની ઊંડાઈ લગભગ ૨૦૬ મીટર હોવાનું જણાવાયું છે. જો આવા કોઈ સરોવરનો કુદરતી બંધ તૂટે છે, તો માત્ર આસપાસનો વિસ્તાર જ પ્રભાવિત નહીં થાય, પરંતુ આ પાણી નીચેની ખીણોમાં વસેલા ગામડાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચીને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગ્લેશિયર ફાટવું અને ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ છેલ્લા કેટલાક વર્ષોમાં વારંવાર બનતી ઘટનાઓ છે. આ એવી સ્થિતિને કહેવામાં આવે છે જ્યારે ગ્લેશિયર પીગળવાથી બનેલા સરોવરનો કુદરતી બંધ અચાનક તૂટી જાય છે. આવી સ્થિતિમાં પાણીનો પ્રવાહ, બરફ અને કાટમાળ ઝડપથી ખીણ તરફ વહેવા લાગે છે. વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો, જ્યારે ગ્લેશિયર આગળ વધે છે ત્યારે તેઓ પોતાની સાથે રેતી, કાંકરી અને ખડકોના કાટમાળનો ઢગલો છોડતા જાય છે, જે એક મોટો ટેકરો બની જાય છે. તેને મોરેન કહેવામાં આવે છે. ગ્લેશિયરનું પાણી આની અંદર જ જમા થાય છે, જેનાથી એક સરોવર બને છે. જ્યારે આ સરોવરમાં પાણી વધુ ભરાઈ જાય છે અથવા કોઈ મોટો પહાડ તૂટીને તેમાં પડે છે, ત્યારે આ કુદરતી બંધ તૂટી જાય છે અને ગણતરીની મિનિટોમાં જ પાણી વિનાશ વેરતું ખીણો તરફ વહેવા લાગે છે. હિમાલય દુનિયાના એવા વિસ્તારોમાં સામેલ છે જ્યાં ક્લાઈમેટ ચેન્જની અસર ખૂબ જ ઝડપથી જોવા મળી રહી છે. તાપમાન વધવાને કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. એક તરફ ગ્લેશિયરનો બરફવાળો ભાગ ઘટી રહ્યો છે, તો બીજી તરફ પીગળેલું પાણી નવા સરોવરો બનાવી રહ્યું છે.
હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર ફાટવાની કેટલીક મોટી ઘટનાઓ ઉપર નજર મારીએ તો જીવલેણ કુદરતી આપત્તીઓ આવી હતી. સૌથી મોટી હોનારત કેદારનાથ ખાતે થઈ હતી. ઉત્તરાખંડના કેદારનાથમાં ૨૦૧૩માં આવેલું પૂર અને તેના તાંડવે હજારો જિંદગી હોમી દીધી હતી અને લાખો લોકો અસરગ્રસ્ત થયા હતા. અહીંયા ગ્લેશિયર ફાટવાથી હિમાલય ક્ષેત્રમાં આવેલી ઇતિહાસની સૌથી મોટી કુદરતી આપત્તિ છે. આમાં ચોરાબારી ગ્લેશિયર સરોવરનો બંધ તૂટી ગયો હતો. ભારે વરસાદ અને ગ્લેશિયર પીગળવાને કારણે આવું બન્યું હતું. આનાથી આવેલા પૂરે મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક મોટો વધારો કરી દીધો હતો, જેના કારણે કેદારનાથ ખીણ અને નીચેના વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. ઉત્તરાખંડના સરકારી આંકડાઓમાં ૫૭૦૦થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જે પાછળથી વધારીને ૬૦૫૪ કરવામાં આવી હતી. મૃતકોમાં મોટાભાગના કેદારનાથ દર્શન કરવા ગયેલા યાત્રાળુઓ હતા. આ પૂરમાં પુલ, રસ્તાઓ તણાઈ ગયા હતા અને કેદારનાથ મંદિર સુધી જતો ૧૪ કિલોમીટર લાંબો પગપાળા માર્ગ પણ નષ્ટ થઈ ગયો હતો. બીજી તરફ તેના દસ વર્ષ બાદ સિક્કિમમાં પણ મોતનું તાંડવ સર્જાયું હતું. ૩ અને ૪ ઓક્ટોબરે સિક્કિમમાં સાઉથ લ્હોનક ગ્લેશિયલ સરોવર ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. સરોવરને રોકી રાખતા કુદરતી બંધનો મોટો હિસ્સો સરોવરમાં પડતાં લગભગ ૨૦ મીટર ઊંચા સુનામી જેવા મોજાં ઉછળ્યા હતા અને તીસ્તા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ કુદરતી આપત્તિમાં ૭૦થી વધુ લોકોના મોત નોંધાયા હતા અને ૧૦૦થી ૧૨૦ લોકો લાપતા થયા હતા. તેનાથી અંદાજે ૬૦ હજાર લોકો પ્રભાવિત થયા હતા, ૧૩ પુલ તણાઈ ગયા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૦ને મોટું નુકસાન પહોંચ્યું હતું.
પાંચ વર્ષ પહેલા ચમોલી ખાતે ગ્લેશિયર ફાટવાથી ભયાનક પૂર આવ્યું હતું. ચમોલી જિલ્લામાં ૭ ફેબ્રુઆરીએ બરફના શિલાખંડનો મોટો ટુકડો તૂટીને સરોવરમાં પડતાં રૌંતી, ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં ભીષણ પૂર આવ્યું હતું. સરકારી આંકડા મુજબ આ હોનારતમાં ૨૦૦થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના નજીકના જળવિદ્યુત પ્રોજેક્ટમાં કામ કરતા મજૂરો હતા. પૂરમાં ૧૩.૨ મેગાવોટનો ઋષિગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો અને ઘણા પુલ તૂટી ગયા હતા. તેવી જ રીતે ૨૦૨૧માં નેપાળના મેલમચી પૂરની પણ ભયાનક વાત લોકો ભુલ્યા નથી. સતત વરસાદ અને ગ્લેશિયર પીગળવાને કારણે પેમધુમ ત્સો સરોવર ઓવરફ્લો થઈ ગયું હતું. આ આપત્તિમાં નેપાળ પ્રશાસન તરફથી ૫ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે વર્લ્ડ બેંકના ડેટામાં ૧૭ મોત નોંધાયા હતા. પૂરમાં સેંકડો ઘરો તણાઈ ગયા હતા અને મેલમચી બજારમાં ૧૦ મીટર ઊંચો કાટમાળ જમા થઈ ગયો હતો.
ઈતિહાસ જણાવે છે કે, ભોટેકોશી નદીમાં પહેલાં પણ ગ્લેશિયર તૂટવાથી પૂર આવ્યું હતું. ૨૦૧૬માં આ ભયાનક ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, ૫ જુલાઈ ૨૦૧૬ના રોજ ૪૬૧૦ મીટરની ઊંચાઈ પર આવેલા ગોંગબાતોંગશા ગ્લેશિયલ સરોવરનો કુદરતી બંધ તૂટતાં ભોટેકોશી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. આ પૂરમાં સેંકડો લોકો તણાયા હતા અને ભોટેકોશી હાઇડ્રોપાવર પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ઈતિહાસમાં સૌથી ભયાનક અને જીવલેણ ઘટના પેરુમાં બની હતી. પેરુમાં ગ્લેશિયર ફાટવાથી ૧૮ હજારથી વધુના મોત થયા હતા ઇતિહાસમાં ગ્લેશિયર ફાટવાની સૌથી મોટી આપત્તિ ૧૯૭૦માં પેરુમાં આવી હતી, જેમાં ૧૮ હજારથી વધુ લોકોના મોત થયા હતા.
એક શક્તિશાળી ભૂકંપ પછી હુઆસ્કારન પર્વત તૂટી પડયો હતો, જેના કારણે કરોડો ઘનમીટર બરફ, પાણી અને કાટમાળ નીચે ધસી આવ્યા હતા અને યુંગાય શહેર સંપૂર્ણપણે તબાહ થઈ ગયું હતું.

હિમાલયમાં જેટલા વધારે ગ્લેશિયર સર્જાશે તેટલા જ તેના જોખમો વધશે
ઈસરોના એક રિપોર્ટ અનુસાર, ૧૯૮૪ થી ૨૦૨૩ વચ્ચે હિમાલય ક્ષેત્રના ૨૪૩૧ મોટા ગ્લેશિયલ સરોવરોમાંથી ૬૭૬ સરોવરોનું કદ વધ્યું છે. આમાંથી ૧૩૦ સરોવરો ભારતના સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનમાં છે.
આ જ કારણ છે કે હિમાલયમાં ગ્લેશિયર ફાટવાની ઘટનાઓ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, નેપાળ હિમાલયમાં ગ્લેશિયલ સરોવરોની સંખ્યામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં મોટો ફેરફાર થયો છે. અભ્યાસો મુજબ, ૧૯૭૭માં અહીં આશરે ૬૦૬ ગ્લેશિયલ સરોવરો નોંધાયા હતા, જે વધીને ૨૦૧૭ સુધીમાં આશરે ૧,૫૪૧ થઈ ગયા.
આનો અર્થ એ નથી કે દરેક સરોવર ગમે ત્યારે ફાટી જશે, પરંતુ જેટલા વધુ સરોવરો બનશે, તેટલા જ વધુ એવા સ્થળો ઊભા થશે જ્યાં ભવિષ્યમાં જોખમ પેદા થઈ શકે છે. આ જ કારણ છે કે વૈજ્ઞાાનિકો ગ્લોબલ વોર્મિંગ અને ગ્લેશિયલ સરોવરોના વધતા જોખમ વચ્ચે સીધો સંબંધ હોવાનું માને છે.
બીજી તરફ સ્થિતિ એવી છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર મેદાની વિસ્તારોમાં વધતા તાપમાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ તાપમાન અને બરફવર્ષાની પદ્ધતિમાં બદલાવ આવી રહ્યો છે. હિમાલયના ઊંચા વિસ્તારોમાં તાપમાન વધવાથી બરફ વહેલો પીગળે છે. ઘણી જગ્યાએ ગ્લેશિયરનું સંતુલન બગડે છે, ગ્લેશિયરની જાડાઈ ઘટે છે અને ત્યાં ખાલી જગ્યા બની જાય છે, જેમાં પછી પાણી જમા થવા લાગે છે. આ જ પાણી જ્યારે કુદરતી બંધ પાછળ મોટી માત્રામાં જમા થઈ જાય છે ત્યારે જોખમ વધી જાય છે. વૈજ્ઞાાનિકોના મતે હિમાલયમાં વધતું તાપમાન ગ્લેશિયરોના ઝડપથી પીગળવાના મુખ્ય કારણોમાંનું એક છે. જો કે, માત્ર તાપમાન જ દરેક ઘટના માટે જવાબદાર નથી હોતું, પર્વતોની ભૌગોલિક રચના, ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમસ્ખલન પણ કોઈપણ સરોવરને અચાનક તોડી શકે છે.