જર્મનીથી સ્વિટ્ઝર્લેન્ડ સુધી : યુરોપની યુવાપેઢી વિરોધના રસ્તે ચડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સારા મકાન, સારું શિક્ષણ, ગુણવત્તાસભર જીવનધોરણ અને યોગ્ય સરકારી નીતિઓ માટે યુવાનોએ યુરોપ ભડકે બાળ્યું
- જર્મનીમાં ૧,૦૦,૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો, અને તેમની માંગણીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, વધુ પરવડે તેવા આવાસ, જીવનનિર્વાહના નીચા ખર્ચ અને રાજકીય નિર્ણયોમાં યુવાનોના અવાજને વધુ મહત્વ આપવાનો સમાવેશ થાય છે. બર્લિન, હેમ્બર્ગ, કોલોન, ફ્રેન્કફર્ટ, મ્યુનિખ, સ્ટુટગાર્ટ, લિપઝિગ, ડ્રેસ્ડન, હેનોવર, બ્રેમેન, મેઇન્ઝ અને એર્ફર્ટ જેવા શહેરોમાં આ વિરોધ પ્રદર્શનો થયા હતા : સ્વિટ્ઝર્લેન્ડમાં તાજેતરમાં 'અમે સ્વિટ્ઝર્ર્લૅન્ડમાં પણ કંટાળી ગયા છીએ', જેવા બેનર હેઠળ સેંકડો લોકો ઝયુરિખ અને બેસલમાં એકઠા થયા હતા. શનિવારે ગત ઝયુરિખમાં ભીડ હેલ્વેટિયાપ્લાત્ઝ તરફ આગળ વધી ત્યારે ફટાકડા અને ફ્લેર્સ ફોડવામાં આવ્યા હતા, જ્યાં બસ શેલ્ટરને નુકસાન થયું હતું અને કચરાપેટીઓ તથા સાઇકલોના બેરિકેડને આગ ચાંપવામાં આવી હતી : હજી આ આંદોલનો અટક્યા નથી. જાણકારોના મતે યુવાનોએ લગભગ ત્રણ અઠવાડિયામાં ફરીથી રેલીઓ યોજવાની અને વિરોધ પ્રદર્શનો કરવાની યોજના બનાવી છે.
ફ્રાન્સથી શરૂ થયેલા જેન ઝી આંદોલનો અને વિરોધ પ્રદર્શનો દરમિયાન જર્મની અને સ્વિટ્ઝર્ર્લૅન્ડ સુધી પહોંચી ગયા છે. જર્મનીમાં જેની ઝી પેઢીએ તાજેતરમાં ૩૦થી વધુ શહેરોમાં લોકોને એકઠા કર્યા હતા. થોડા કલાકો પછી, ઝયુરિખ અને બેસલમાં આવા જ બેનર હેઠળ બિનસત્તાવાર પ્રદર્શનો હિંસક બન્યા હતા. આ સમગ્ર ઘટના બે ભાગમાં વહેંચાયેલી જોવા મળી. એક તરફ મોટાભાગે યુવાનોની વિશાળ ભીડે શિક્ષણ, હાઉસિંગ અને પર્યાવરણ માટે શાંતિપૂર્ણ કૂચ કરી. બીજી તરફ સાંજ થતાં જ મોઢા પર માસ્ક પહેરેલા જૂથોએ પોલીસ પર હુમલા કર્યા, આગ ચાંપી અને દુકાનોમાં લૂંટફાટ મચાવી.
ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શનોના આયોજકોએ જણાવ્યું હતું કે ૧,૦૦,૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો, અને તેમની માંગણીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, વધુ પરવડે તેવા આવાસ, જીવનનિર્વાહના નીચા ખર્ચ અને રાજકીય નિર્ણયોમાં યુવાનોના અવાજને વધુ મહત્વ આપવાનો સમાવેશ થાય છે. બર્લિન, હેમ્બર્ગ, કોલોન, ફ્રેન્કફર્ટ, મ્યુનિખ, સ્ટુટગાર્ટ, લિપઝિગ, ડ્રેસ્ડન, હેનોવર, બ્રેમેન, મેઇન્ઝ અને એર્ફર્ટ જેવા શહેરોમાં આ વિરોધ પ્રદર્શનો થયા હતા. સૌથી ખરાબ અશાંતિ ફ્રેન્કફર્ટમાં જોવા મળી હતી. મોટાભાગે શાંતિપૂર્ણ પ્રદર્શન પછી, શહેરના મધ્યભાગમાં ગંભીર રમખાણો ફાટી નીકળ્યા, દુકાનો લૂંટાઈ અને પોલીસે ઝીલ શોપિંગ સ્ટ્રીટને સીલ કરી દીધી. અગાઉ બપોરે લગભગ ૮,૦૦૦ લોકોએ શાંતિપૂર્ણ રીતે કૂચ કરી હતી. હેસે રાજ્યના ગૃહમંત્રી રોમન પોસેક ના જણાવ્યા મુજબ, ૧૭ દુકાનોને નુકસાન પહોંચ્યું હતું અને ૫ દુકાનો લૂંટાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ૫૪ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૦થી વધુ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન કોલોનમાં, પોલીસે ૨૩ અધિકારીઓ ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી. શહેરમાં ધરપકડ કરાયેલા ૫૬ વર્ષીય વ્યક્તિના બેગમાંથી મોલોટોવ કોકટેલ અને ધારદાર હથિયારો મળી આવ્યા હતા, તેમજ પોલીસની પાંચ ગાડીઓને નુકસાન થયું હતું. પોલીસ કમાન્ડર માર્ટિન લોટ્ઝે જણાવ્યું હતું કે મોઢા ઢાંકવાની પદ્ધતિ અને હથિયારો જોતાં આ કોઈ અચાનક ઊભી થયેલી હિંસા નહીં પણ પૂર્વયોજિત અભિગમ હોવાનું જણાય છે. પોલીસે એમ પણ કહ્યું કે રમખાણખોરોનો સત્તાવાર જેન ઝી કૂચ સાથે કોઈ સ્પષ્ટ સંબંધ નહોતો.
હવે આગળ વાત કરીએ તો સ્વિટ્ઝર્ર્લૅન્ડમાં તાજેતરમાં 'અમે સ્વિટ્ઝર્ર્લૅન્ડમાં પણ કંટાળી ગયા છીએ,' જેવા બેનર હેઠળ સેંકડો લોકો ઝયુરિખ અને બેસલમાં એકઠા થયા હતા. ઝયુરિખમાં, કેટલાક લોકો હેલોવીન માસ્ક પહેરીને રાત્રે આશરે ૧૦:૩૦ વાગ્યે લેંગસ્ટ્રાસ પર એકઠા થયા હતા. ભીડ હેલ્વેટિયાપ્લાત્ઝ તરફ આગળ વધી ત્યારે ફટાકડા અને ફ્લેર્સ ફોડવામાં આવ્યા હતા, જ્યાં બસ શેલ્ટરને નુકસાન થયું હતું અને કચરાપેટીઓ તથા સાઇકલોના બેરિકેડને આગ ચાંપવામાં આવી હતી. મ્યુનિસિપલ પોલીસે જણાવ્યું કે એક કાર સળગાવી દેવામાં આવી હતી અને દુકાનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. અધિકારીઓ પર વારંવાર ફટાકડા, બોટલો અને પથ્થરો ફેંકવામાં આવ્યા બાદ તેમણે વોટર કેનન, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો, અને આ અથડામણ લગભગ રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી ચાલી હતી. બીજી તરફ બેસલમાં, લગભગ ૧૫૦ લોકો રાત્રે ૯ વાગ્યાની આસપાસ શહેરના કેન્દ્રમાં એકઠા થયા હતા. થોડા ભાષણો પછી, કૂચ સેન્ટ જોહાન જિલ્લામાં પહોંચી, જ્યાં પ્રદર્શનકારીઓએ કચરાપેટીઓ અને ધાતુની વાડ વડે બનાવેલા બેરિકેડને આગ લગાવી દીધી. જાણકારોના મતે સ્વિસ ઘટનાઓ ખરેખર જર્મન આંદોલનનો ભાગ હતી કે કેમ તે અસ્પષ્ટ છે. અજાણ્યા લોકોએ તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર ‘GenZ regelt' ના સૂત્રોચ્ચાર સાથે સંદેશાઓ ફેલાવ્યા હતા. જોકે, જર્મન યુવા પ્રદર્શનો અને સ્વિટ્ઝર્ર્લૅન્ડની અશાંતિ વચ્ચે કોઈ સંગઠનાત્મક સંબંધ હોવાની પુષ્ટિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, વિરોધનો આ વંટોળ ફ્રાન્સથી શરૂ થયો હતો, જ્યાં ગયા મહિને શાળાની જર્જરીત ઇમારતો, શિક્ષકોની અછત અને વંચિત વિદ્યાર્થીઓ માટે અન્યાયી ગણાતી યુનિવર્સિટી પ્રવેશ પ્રણાલી સામે હાઇસ્કૂલના વિદ્યાર્થીઓમાં રેલીઓ શરૂ થઈ હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વથી નારાજ યુનિયનો અને અન્ય લોકો પણ તેમાં જોડાયા હતા. ફ્રાન્સના વિરોધ પ્રદર્શનો મોટા અને ક્યાંક ક્યાંક હિંસક પણ રહ્યા હતા. અન્ય દેશોની વાત કરીએ તો સ્પેનમાં ૮૭ વર્ષીય મેરીકાર્મેન અબસ્કલને તેમના ઘરેથી બેદખલ કરવામાં આવ્યા તે આ વિરોધ પ્રદર્શનનું કારણ બન્યું હતું, અને ટ્રેડ યુનિયનોએ ૧૧ નવેમ્બર માટે સામાન્ય હડતાળનું એલાન આપ્યું છે.
બીજી તરફ પોર્ટુગલના લિસ્બનમાં પ્રદર્શનકારીઓએ ભાડા વધારા પર મર્યાદા મૂકવાની અને ભાડૂતોને કાઢી મૂકવાનું સરળ બનાવતા કાયદાને રદ કરવાની માંગ કરી છે. તેવી જ રીતે ઇટાલીના મિલાનમાં ગત અઠવાડિયે ૨,૦૦૦થી વધુ યુવાનો રસ્તા પર ઉતર્યા હતા, જેમાં ૨૭૦ થી વધુ ધરપકડ થઈ હતી અને ૧૫૦ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ સિવાય અલ્બેનિયામાં પ્રદર્શનકારીઓ એવા બિલને પાછંી ખેંચવાની માંગ કરી રહ્યા છે જે ભાડૂતોની બેદખલીને સરળ બનાવશે અને નવા કરારો માટેના ભાડા નિયંત્રણો દૂર કરશે.
ફ્રાંસની જેમ જો જર્મનીની વાત કરીએ તો ત્યાં ફેડરલ ગૃહમંત્રી એલેક્ઝાન્ડર ડોબ્રિન્ડટે જણાવ્યું હતું કે હિંસક ડાબેરી જૂથો અને અસામાજિક તત્વોએ શાંતિપૂર્ણ પ્રદર્શનોને ડોહળી કાઢયા હતા.
જેનઝીના વિરોધ પાછળ જવાબદાર કોણ તેનો કોઈ જવાબ મળતો નથી
જાણકારોના મતે દુનિયાભરમાં ચાલી રહેલા જેન ઝી આંદોલનો માત્ર યુવાનોનો અવાજ કે તેમની નારાજગી રહ્યા નથી. આ આંદોલનોએ ઘણા દેશોમાં સત્તા પરિવર્તન કરાવીને નવા રાજકારણને જન્મ આપ્યો છે તો ક્યાંક બાંગ્લાદેશ જેવા દેશમાં બેફામ હિંસા અને હત્યાઓ કરી છે. એશિયા અને યુરોપમાં ફેલાઈ રહેલા આ આંદોલનો પાછળ અથવા તો એમ કહીએ કે જેનઝીને ઉશ્કેરવા પાછળ કોણ જવાબદાર છે તો તેનો કોઈ જવાબ મળ્યો નથી. જર્મનીની સ્થાનિક ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હતી કે કેટલાક ડાબેરી ઉગ્રવાદીઓ આવા પ્રદર્શનોમાં ઘૂસણખોરી કરીને યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બર્લિનના ઇન્સ્ટિટયૂટ ફોર પ્રોટેસ્ટ એન્ડ મૂવમેન્ટ રિસર્ચના નીના-કેથરિન વિએનકૂપે જણાવ્યું હતું કે અશાંતિની માત્ર આગોતરી આશંકાના આધારે પોલીસ આયોજન ન થવું જોઈએ. જર્મન પોલીસે ફ્રેન્કફર્ટની હિંસાને કૂચના આયોજકોનું કામ ગણાવ્યું નહોતું, અને ફ્રેન્કફર્ટમાં કોણે પ્રદર્શનની નોંધણી અને આયોજન કર્યું હતું તે પણ થોડા સમય માટે અસ્પષ્ટ રહ્યું હતું. તે દિવસે ફ્રેન્કફર્ટમાં બે અલગ-અલગ કૂચ પણ યોજાઈ હતી. સ્ટુટગાર્ટર ઝીટુંગના એક વિવેચકે દલીલ કરી હતી કે વિરોધ પ્રદર્શન પહેલાંનો ડર વાસ્તવિક પ્રદર્શનો કરતાં વધુ ખરાબ હતો, અને નોંધ્યું હતું કે અન્ય દેશોની તુલનામાં આ અશાંતિ મર્યાદિત હતી.
હવે સ્થિતિ એવી છે કે, હજી આ આંદોલનો અટક્યા નથી. યુવાનો હજી પણ રસ્તે ઉતરેલા જ છે. જાણકારોના મતે યુવાનોએ લગભગ ત્રણ અઠવાડિયામાં ફરીથી રેલીઓ યોજવાની અને વિરોધ પ્રદર્શનો કરવાની યોજના બનાવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ ૨૦ નવેમ્બરે યુરોપ-વ્યાપી વિરોધ પ્રદર્શનોમાં જોડાવાનો ઇરાદો ધરાવે છે. શિક્ષણના વધતા ખર્ચ સામે બ્રિટન અને ઇટાલીના વિદ્યાર્થી સંગઠનો પણ ૨૦ નવેમ્બરે વિરોધ દિવસનું આયોજન કરી રહ્યા છે. ઇટાલીના CGIL લેબર કન્ફેડરેશને તે તારીખે સામાન્ય હડતાળની જાહેરાત કરી છે. ફ્રાન્સ અને સ્પેનના મુખ્ય યુનિયનોએ અનુક્રમે ૫ નવેમ્બર અને ૧૧ નવેમ્બરના રોજ સામાન્ય હડતાળનું એલાન આપ્યું છે.
દરેક દેશની સમસ્યા અલગ છે છતાં તેમાં સામ્યતા ઘણી રહેલી છે
જાણકારોના મતે યુરોપના વિવિધ દેશઓમાં જે સમસ્યા સર્જાઈ છે તેમાં એક ફેક્ટર કોમન છે અને તે છે જેન ઝી પણ બીજી તરફ દરેક દેશની સમસ્યાઓ અને ત્યાંના લોકોની ફરિયાદો અલગ અલગ છે. ચોક્કસ કારણો અલગ હોવા છતાં, પ્રદર્શનકારીઓ મોટાભાગે ગુણવત્તાસભર શિક્ષણ, પોસાય તેવા આવાસ અને જીવનનિર્વાહના નીચા ખર્ચની માંગ કરી રહ્યા છે. જર્મનીમાં, આ આંદોલનની માંગણીઓમાં શાળાઓ માટે વધુ ભંડોળ, વ્યસનમુક્તિ સહાય અને મનોચિકિત્સા, આવાસ જેવા વધતા ખર્ચ સામે પગલાં, સામાજિક ન્યાય અને પર્યાવરણનું મજબૂત સંરક્ષણ સામેલ છે. તેવી જ રીતે બર્લિન કૂચમાં, એક હાઇસ્કૂલની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તેની શાળાની છત પાણીના લીકેજથી તૂટી રહી છે, શિક્ષકોની અછત છે અને શૌચાલયો તૂટેલા છે. આ ઉપરાંત લગભગ દરેક દેશના વિરોધ પ્રદર્શનોમાં હાઉસિંગનો મુદ્દો સામાન્ય છે. અસહ્ય મોંઘા ઘરોના કારણે સ્પેન અને પોર્ટુગલમાં તંબુ બાંધીને છાવણીઓ શરૂ કરવામાં આવી છે. રોમમાં એક વિરોધ શિબિરમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પોસાય તેવા આવાસ અને સારા શિક્ષણને અલગ કરી શકાય નહીં. લિસ્બનમાં નાના બાળકો ધરાવતા પરિવારો સહિત હજારો લોકોએ પોર્ટુગલના આવાસ સંકટ સામે શાંતિપૂર્ણ કૂચ કરી હતી. જર્મનીમાં, આ આંદોલન ફરજિયાત લશ્કરી સેવાની વાપસી અને સરકારી દેખરેખ વધારવાનો પણ વિરોધ કરે છે. આ મુદ્દે અગાઉ પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. જ્યારે સંસદે નવી સ્વૈચ્છિક લશ્કરી સેવા અંગેના બિલને સમર્થન આપ્યું ત્યારે હજારો શાળાના બાળકોએ સૈન્ય ભરતી સામે શાળા હડતાળ માટે વર્ગો છોડી દીધા હતા. તે કાયદા હેઠળ યુવાનોએ તબીબી તપાસ અને નોંધણીનો સામનો કરવો પડે છે, અને જો સ્વૈચ્છિક ભરતીના લક્ષ્યો ચૂકી જવાય તો સંસદ જરૂરિયાત મુજબ ફરજિયાત લશ્કરી ભરતીનો નિર્ણય લઈ શકે છે.




