Bharuch

ભરૂચમાં 66 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજમાં લોકાર્પણના 100 દિવસમાં જ મોટી તિરાડો પડી

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદને જોડતા 66 કરોડના ડોલીયા-દેણવા બ્રિજમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. લોકાર્પણના 100 દિવસમાં જ બ્રિજના RCC માર્ગમાં મોટી તિરાડો પડી છે, જેનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી નબળી ગુણવત્તાવાળું કામ થયાના આક્ષેપો થઈ રહ્યા છે. આ પહેલા પણ ભરૂચમાં અનેક વિકાસ કાર્યોમાં ગોબાચારી થઈ હોવાના કિસ્સા બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરૂચમાં 66 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજમાં લોકાર્પણના 100 દિવસમાં જ મોટી તિરાડો પડી
AI IMAGE

Bharuch Bridge Corruption News : ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા ડોલીયા-દેણવા બ્રિજના નિર્માણ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. રૂ. 66 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજના લોકાર્પણને માંડ 100 દિવસ જ પૂરા થયા છે, તેવામાં બ્રિજના RCC માર્ગમાં મોટી તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે અને તેના કારણે આ બાબત હાલ ભારે ચર્ચાનો વિષય બની છે.

કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ રૂ. 66 કરોડના ખર્ચે મહેસાણાની રાધે એસોસિએટ્સ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. નબળી ગુણવત્તાવાળા મટિરિયલના કારણે રોડ વચ્ચે મોટી તિરાડ પડી જતાં રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ થઈ રહ્યાં છે. 100 દિવસમાં જ બ્રિજનો રોડ તૂટી જતો હોય તો એક વર્ષમાં આ બ્રિજની શું હાલત થશે? એવા સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યાં છે.

અધિકારીઓ દ્વારા અપાયેલા ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો

રૂ. 66 કરોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કેવળ વેઠ જ ઉતારવામાં આવી છે. સ્થળ નિરીક્ષણ કર્યા વિના જ સીધું ફિટનેસ સર્ટિફિકેટ આપી દેનાર જવાબદાર અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. ભ્રષ્ટાચારના કારણે પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા હોવાનો લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ પણ આ અંગે ઉગ્ર વિરોધ કર્યો છે.

ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોબાચારીની હારમાળા

અગાઉ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ અને અંદાડા ગામે કરોડોના આરસીસી રોડમાં પણ ભ્રષ્ટાચારની બૂમો ઊઠી હતી, જેમાં જિલ્લા પંચાયતે રોડ તોડી નવો બનાવવા આદેશ આપવો પડ્યો હતો. આ ઉપરાંત પરીએજ ગામે ભૂખી ખાડીનું નાળું લોકાર્પણના એક જ મહિનામાં તૂટી ગયું હતું અને આમોદ નેશનલ હાઈવે-64 ચોમાસામાં જ ધોવાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર વેઠ ઉતારવામાં આવતી હોવાથી અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.