ફ્લાય દુબઈ દુર્ઘટના : રાજકીય-ધાર્મિક અસંતોષનું પરિણામ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલના ઈસ્લામિક દેશો અને લોકો સામેના વલણે જે આક્રોશના જ્વાળામુખીનું સર્જન કર્યું છે તે હવે ફાટી રહ્યો છે
- ઈઝરાયેલ દ્વારા ઇસ્લામિક દેશોના નેતાઓ, પ્રાદેશિક સંગઠનો અને વિરોધી જૂથો સામે જે પ્રકારની કડક મનોવૃત્તિ અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે છે, તેનાથી પશ્ચિમ એશિયાના બહુમતી મુસ્લિમ સમાજમાં એક એવી છાપ ઊભી થઈ છે કે ઈઝરાયેલ તેમની અસ્મિતા અને સાર્વભૌમત્વને કચડી રહ્યું છે : એવિએશન રેગ્યુલેટર્સ પાઈલટ્સ અને ક્રૂ સભ્યોનું નિયમિત અને ઊંડાણપૂર્વકનું સાયકોલોજિકલ સ્ક્રીનિંગ, તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓ, તેમની વિચારધારાત્મક દિશા અને ધાર્મિક કે રાજકીય કટ્ટરતાની આકરી ગુપ્તચર ચકાસણી કરે તે પણ જરૂરી છે. ધાર્મિક કટ્ટરતા, બ્રેઈનવોશિંગ અને ભૌગોલિક તણાવના મૂળિયાં પર વૈશ્વિક સ્તરે પ્રહાર કરવામાં નહીં આવે, ત્યાં સુધી આકાશમાં ઉડતું વિમાન છૂપા આંતરિક જોખમો સામે અસુરક્ષિત રહેશે
દુબઈથી તેલ અવીવ તરફ જઈ રહેલા ફ્લાયદુબઈના બોઇંગ વિમાનમાં હજારો ફૂટની ઊંચાઈએ બનેલી લોહિયાળ ઘટનાએ વૈશ્વિક સ્તરે સિવિલ એવિયેશન સેક્ટર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમીકરણોને હચમચાવી દીધા છે. કોકપિટમાં ફરજ બજાવતા ઓમાની મૂળના ફર્સ્ટ ઓફિસર (કો-પાઈલટ) દ્વારા પોતાના સાથી મુખ્ય કમાન્ડર કેપ્ટન સ્મિત મચ્છર ઉપર અચાનક જીવલેણ હુમલો કરી વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈને તેને ક્રેશ કરવાનો જે આત્મઘાતી પ્રયાસ કરવામાં આવ્યો, તેણે સમગ્ર વિશ્વને અમેરિકામાં થયેલા ૨૦૦૧ના કુખ્યાત ૯/૧૧ હુમલાની કાળી યાદો તાજી કરાવી દીધી છે. આ વિમાનમાં સવાર ૧૭૦થી વધુ મુસાફરો, જેમાં નોંધપાત્ર સંખ્યામાં ઈઝરાયેલી નાગરિકો અને વિવિધ દેશોના પ્રવાસીઓ સામેલ હતા, તેમના જીવ હવામાં અધ્ધર થઈ ગયા હતા. જો કેપ્ટન સ્મિત મચ્છરે ગંભીર ઈજાઓ છતાં અદભુત સાહસ અને સમયસૂચકતા ન દાખવી હોત અને ક્રૂ સભ્યો તથા મુસાફરોની સમયસર મદદ ન મળી હોત, તો આ વિમાન એક મહાવિનાશક હોનારતમાં ફેરવાઈ ગયું હોત. સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર કરાયેલું ઇમરજન્સી લેન્ડિંગ સેંકડો પરિવારો માટે જીવનદાન સાબિત થયું, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા કરેલા પ્રશ્નો ખૂબ ગંભીર અને દૂરગામી છે. આ ઘટના કોઈ સામાન્ય વિમાન હાઇજેકિંગનો કિસ્સો નથી, પરંતુ તે એક એવી ખતરનાક માનસિકતાનું પ્રતીક છે જ્યાં આધુનિક ટેક્નોલોજી, પ્રોફેશનલ જવાબદારી અને ધાર્મિક કટ્ટરતા વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ રૂપ ધારણ કરી લે છે. એક પાઈલટ, જેણે વર્ષો સુધી કડક તાલીમ લીધી હોય, આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાનું શીખ્યું હોય અને જેને સેંકડો નિર્દોષ મુસાફરોની સુરક્ષા સોંપવામાં આવી હોય, તે વ્યક્તિ અચાનક પોતાના સાથી પાયલટનું ગળું કાપવા કે તેના પર ઘાતક હથિયારથી હુમલો કરવા પ્રવૃત્ત બને તે બાબત સાબિત કરે છે કે કટ્ટરપંથી ઝેર જ્યારે મગજમાં પ્રવેશે છે ત્યારે પ્રોફેશનલ નીતિમત્તાનો સદંતર લોપ થઈ જાય છે. આ કૃત્ય માત્ર એક વિમાન તોડી પાડવાનો પ્રયાસ નહોતો, પરંતુ ચોક્કસ સમુદાય અને રાષ્ટ્રના નાગરિકોને નિશાન બનાવીને વૈશ્વિક સ્તરે આતંક અને અરાજકતા ફેલાવવાનો એક સુનિયોજિત પ્રયાસ હતો.
ઉલેખનીય છે કે, હુમલાખોર ઓમાની પાઈલટની માનસિકતાની પ્રારંભિક તપાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તે કોઈ અચાનક ઉદભવેલા માનસિક ડિપ્રેશનનો શિકાર નહોતો, પરંતુ લાંબા સમયથી સંગઠિત વૈચારિક રેડિકલાઇઝેશન અને ધાર્મિક ઉગ્રવાદના પ્રભાવ હેઠળ જીવી રહ્યો હતો. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ગુપ્ત કટ્ટરવાદી નેટવર્ક્સ દ્વારા જે રીતે મગજ ધોઈ નાખવામાં આવે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. એક એવો વિચાર કે જેમાં માનવતા કરતાં ધર્મ કે સંપ્રદાયનું વેર મોટું બની જાય છે, અને જ્યાં નિર્દોષ સ્ત્રીઓ, બાળકો અને પુરુષોની સામૂહિક હત્યાને 'પવિત્ર બદલો' કે 'શહાદત' તરીકે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તે વિચાર આ ઘટનાના મૂળમાં રહેલો છે. જ્યારે ધાર્મિક કટ્ટરતા આટલી હદે વ્યક્તિના અસ્તિત્વ પર કબજો કરી લે છે ત્યારે વિમાન જેવું અતિસંવેદનશીલ વાહન એક વિનાશક હથિયારમાં ફેરવાઈ જાય છે.
આ ઘટનાને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના સળગતા ભૌગોલિક-રાજકીય માહોલ અને ઈઝરાયેલની આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓથી અલગ કરીને જોઈ શકાય નહીં. પશ્ચિમ એશિયા છેલ્લા સાત દાયકા કરતાં વધુ સમયથી એક વિસ્ફોટક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ માત્ર બે ભૂમિભાગો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે સમગ્ર ઇસ્લામિક જગત અને યહૂદી સમુદાય વચ્ચેના વૈચારિક અને ભાવનાત્મક યુદ્ધમાં ફેરવાઈ ચૂક્યો છે. તાજેતરના સમયમાં ગાઝા પટ્ટી, વેસ્ટ બેન્ક, લેબનોન અને આસપાસના વિસ્તારોમાં ઈઝરાયેલી સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા વ્યાપક લશ્કરી ઓપરેશન્સ, હવાઈ હુમલા અને તેના પરિણામે સર્જાયેલી માનવતાવાદી કટોકટીએ સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ભારે આક્રોશ અને અસંતોષની જવાળા ભડકાવી છે. ઈઝરાયેલ દ્વારા ઇસ્લામિક દેશોના નેતાઓ, પ્રાદેશિક સંગઠનો અને વિરોધી જૂથો સામે જે પ્રકારની કડક મનોવૃત્તિ અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવે છે, તેનાથી પશ્ચિમ એશિયાના બહુમતી મુસ્લિમ સમાજમાં એક એવી છાપ ઊભી થઈ છે કે ઈઝરાયેલ તેમની અસ્મિતા અને સાર્વભૌમત્વને કચડી રહ્યું છે.
આ ભૂરાજકીય વાસ્તવિકતા અને સૈન્ય આક્રમકતાને કટ્ટરવાદી તત્ત્વો અને આતંકવાદી સંગઠનો પોતાના ફાયદા માટે વાપરે છે. તેઓ સામાન્ય અસંતોષને ધર્માંધ હિંસામાં બદલવા માટે ઈઝરાયેલની કાર્યવાહીઓને મુખ્ય સાધન બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, એક બાબત સ્પષ્ટપણે સ્વીકારવી પડે કે કોઈપણ રાષ્ટ્રની નીતિઓ ગમે તેટલી વિવાદાસ્પદ હોય કે કોઈપણ સરકારની કાર્યવાહી ગમે તેટલી આક્રમક હોય, તે ક્યારેય એક નાગરિક પેસેન્જર વિમાનને ક્રેશ કરીને નિર્દોષ લોકોની સામૂહિક હત્યા કરવાના પ્રયાસને વાજબી ઠેરવી શકે નહીં. યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચેનો સદીઓ જૂનો ઐતિહાસિક અને ધાર્મિક તણાવ જ્યારે વ્યક્તિગત બદલાની હિંસામાં પરિણમે છે, ત્યારે તે રાજદ્વારી કે સૈન્ય સંઘર્ષ રહેતો નથી પરંતુ શુદ્ધ આતંકવાદ બની જાય છે. પેસેન્જર વિમાનમાં બેઠેલા મુસાફરો કે પાઈલટ સ્મિત મચ્છર કોઈ સૈન્ય લડાઈનો ભાગ નહોતા, તેઓ માત્ર સામાન્ય નાગરિકો અને ફરજ પર રહેલા પ્રોફેશનલ્સ હતા. તેમના પર કરવામાં આવેલો આ હુમલો એ વાતની સાબિતી છે કે કટ્ટરવાદ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે ન્યાય અને અન્યાય વચ્ચેનો ભેદ ભૂલીને કેવળ લોહીનો તરસ્યો બની જાય છે.
ખાસ વાત એ છે કે, આ ઘટનાએ ફરી એર વખત આંતરરાષ્ટ્રીય એવિએશન સેક્ટરની સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલ્સ સામે સૌથી ગંભીર ચેતવણી મૂકી છે. વર્ષ ૨૦૦૧ના ૯/૧૧ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં વિમાન મુસાફરીના નિયમો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. એરપોર્ટ પર કડક બોડી સ્કેનિંગ, લગેજ ચેકિંગ, કોકપિટના દરવાજાને બહારથી ખોલી ન શકાય તેવા બુલેટપ્રૂફ બનાવવા અને ફ્લાઇટ દરમિયાન કોકપિટને અભેદ્ય કિલ્લા જેવી રાખવાના નિયમો અમલમાં આવ્યા હતા. આ તમામ વ્યવસ્થાઓ એ ધારણા પર આધારિત હતી કે ખતરો હંમેશા બહારથી એટલે કે પેસેન્જર કેબિનમાંથી આવે છે. પરંતુ ૨૦૧૫માં થયેલા જર્મનવિંગ્સ ફ્લાઇટ ૯૫૨૫ના કિસ્સાની જેમ, જ્યારે ખુદ કોકપિટની અંદર બેઠેલો કમાન્ડર કે કો-પાઈલટ જ આત્મઘાતી બની જાય, ત્યારે બહારના તમામ દરવાજા અને સુરક્ષા કવચ નિરર્થક સાબિત થયા હતા. આ કિસ્સામાં કેપ્ટન સ્મિત મચ્છરની હિંમત સૌથી મોટો વળાંક સાબિત થઈ. આ આંતરરાષ્ટ્રીય કટોકટીએ વિશ્વભરની એરલાઇન્સ માટે 'ઇનસાઇડર થ્રેટ' (અંદર રહેલા આંતરિક ખતરા) સામે લાલબત્તી ધરી દીધી છે. હવે સમય આવી ગયો છે કે એવિએશન રેગ્યુલેટર્સ માત્ર પાઈલટ્સની ફ્લાઇંગ સ્કિલ કે વાર્ષિક શારીરિક ફિટનેસ ચકાસીને સંતોષ ન માને. પાઈલટ્સ અને ક્રૂ સભ્યોનું નિયમિત અને ઊંડાણપૂર્વકનું સાયકોલોજિકલ સ્ક્રીનિંગ (માનસિક મૂલ્યાંકન), તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓ, તેમની વિચારધારાત્મક દિશા અને ધાર્મિક કે રાજકીય કટ્ટરતા તરફના ઝુકાવની આકરી ગુપ્તચર ચકાસણી અનિવાર્ય બની ગઈ છે.
જ્યારે કોઈ પાઈલટ ઉગ્રવાદી વિચારોથી પ્રભાવિત થવા લાગે ત્યારે તેને તાત્કાલિક ફ્લાઇંગ ડયુટી પરથી હટાવવા માટેનું પારદર્શક તંત્ર વિકસાવવું પડશે, કારણ કે કોકપિટમાં બેઠેલો એક કટ્ટરવાદી વ્યક્તિ હજારો નિર્દોષ જીવોને હોમી દેવાની શક્તિ ધરાવે છે.
હુમલાખોરની માનસિકતા : ઈઝરાયેલ સાથે મુસ્લિમ દેશો મિત્રતા કરી ન શકે
આ આખા વિવાદનું બીજું પાસું અબ્રાહમ કરાર પછી બદલાયેલું પશ્ચિમ એશિયાનું રાજકીય ચિત્ર છે.
સંયુક્ત આરબ અમીરાત, બહેરીન જેવા દેશોએ ઈઝરાયેલ સાથે રાજદ્વારી અને વ્યાપારી સંબંધો સામાન્ય બનાવવાની જે ઐતિહાસિક પહેલ કરી હતી, તેણે બંને પક્ષો વચ્ચે સીધી વિમાની સેવાઓ અને નાગરિક અવરજવરના નવા દ્વાર ખોલ્યા હતા. ફ્લાયદુબઈ જેવી એરલાઇન્સ દ્વારા તેલ અવીવની નિયમિત ફ્લાઇટ્સ એ પ્રાદેશિક સહઅસ્તિત્વ અને શાંતિનું પ્રતીક માનવામાં આવતી હતી. પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો માટે આ સંબંધો અસહ્ય સાબિત થઈ રહ્યા હતા. આવા ઉગ્રવાદી તત્ત્વો એવું માને છે કે ઈઝરાયેલ સાથેના કોઈપણ પ્રકારના શાંતિપૂર્ણ સંબંધો એ પેલેસ્ટાઈન મુદ્દા સાથે વિશ્વાસઘાત છે. ફ્લાયદુબઈની આ લોહિયાળ ઘટના વૈશ્વિક સમુદાય માટે એક આંખ ઉઘાડનારો પ્રસંગ છે. તે સાબિત કરે છે કે પશ્ચિમ એશિયાનો ભૂરાજકીય સંઘર્ષ, ઈઝરાયેલ-આરબ દેશો વચ્ચેનો રાજકીય તણાવ અને સદીઓ જૂની યહૂદી-મુસ્લિમ દુશ્મનાવટ હવે યુદ્ધના મેદાનો કે સરહદો પૂરતી સીમિત રહી નથી. આ સંઘર્ષનું ઝેર હવે આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશનની કોકપિટ સુધી ઘૂસી ચૂક્યું છે. કેપ્ટન સ્મિત મચ્છરની વીરતાથી એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ તે સમગ્ર માનવજાત માટે રાહતરૂપ છે, પરંતુ જ્યાં સુધી ધાર્મિક કટ્ટરતા, બ્રેઈનવોશિંગ અને ભૌગોલિક તણાવના મૂળિયાં પર વૈશ્વિક સ્તરે પ્રહાર કરવામાં નહીં આવે, ત્યાં સુધી આકાશમાં ઉડતું પ્રત્યેક વિમાન આવા છૂપા આંતરિક જોખમો સામે અસુરક્ષિત રહેશે.




