E20 પેટ્રોલ અને ઘટતી માઇલેજ : સરકારી ગતકડાંથી પ્રજા પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડના વિકલ્પના તૂતમાં ઈથેનોલ બ્લેન્ડેડ ગુલાબી રંગના આ ફ્યૂઅલના કારણે લોકોના વાહનોનું લાઈફ સ્પાન ઘટી રહ્યું છે અને ખર્ચા વધી રહ્યા છે
લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ વીડિયો શેર કરી રહ્યા છે. એક વીડિયોમાં એક વ્યક્તિએ પેટ્રોલ પંપ પર બોટલમાં E20 પેટ્રોલ લીધું, તે પેટ્રોલનો કલર ગુલાબી હતો. જેને જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈથેનોલ મિક્સ કરવાને કારણે પેટ્રોલનો કલર બદલાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે : ૨૦૨૩માં ૧૧ રાજ્યોમાં એકસાથે E20 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ૨૦૨૬માં સમગ્ર દેશમાં E20 પેટ્રોલ ફરજિયાત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સરકારી આંકડા જ જોઈએ તો ૨૦૨૨માં દેશભમાં ટૂવ્હીલરની સંખ્યા ૨૧ કરોડથી વધારે હતી. બીજી તરફ ફોર વ્હીલરની સંખ્યા પણ ૭ કરોડની આસપાસ હતી. આ તમામ વાહનોની શું હાલત થશે અથવા થઈ રહી છે તેના વિશે કોઈ કશું જ બોલતું નથી : અભ્યાસમાં જોડાયેલા ૨૩ ટકા લોકોએ કહ્યું કે તેમના વાહનની માઇલેજ ૨૦ ટકાથી વધુ ઘટી ગઈ છે.
સરકાર દ્વારા E20 પેટ્રોલની જે રીતે ભલામણ કરાઈ રહી છે અને ક્રૂડના વિક્લપ તરીકે તેની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે તે વાસ્તવિકત સ્તરે એટલી સાચી નથી. વિકાસના વાયદા જેવું આ E20 પેટ્રોલ પણ વર્ચ્યુઅલ જગતમાં જ ખૂબ જ ઉપયોગી અને સ્વચ્છ તથા સસ્તું અને ટકાઉ દેખાઈ રહ્યું છે, વાસ્તવિક દુનિયામાં લોકો તેનાથી પરેશાન છે. ઉલ્લેખનીય છે કે, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલ મુદ્દે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સરકારની દલીલ છે કે E20 વાળા પેટ્રોલથી વાહનોને કોઈ સમસ્યા થઈ રહી નથી. બીજી તરફ સામાન્ય જનતા હજુ પણ ખૂબ જ મૂંઝવણમાં છે. લોકોની ચિંતાઓ દિનપ્રતિદિન વધી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો સતત પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. લોકો તેમની ચિંતા અને પરેશાની જણાવે છે કે તેમના વાહનોને E20 પેટ્રોલ દ્વારા વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. સરકાર તો ગુલાબ પેટ્રોલને પણ ફુલગુલાબી વિકાસની જેમ રજૂ કરીને જશ ખાટવા મથી રહી છે.
હાલમાં સોશિયલ મીડિયા ઉપર સ્થિતિ એવી છે કે, કોઈ ગુલાબી રંગના પેટ્રોલનો વીડિયો શેર કરી રહ્યું છે, તો કોઈ પીળા રંગના પેટ્રોલની તસવીરો બતાવી રહ્યું છે. કેટલાક લોકો તો ઈથેનોલ મિક્સ પેટ્રોલને 'રૂહ અફઝા' જેવું ગણાવી રહ્યા છે. જો બધું બરાબર જ હોય, તો આ વીડિયો પર સરકાર કે પ્રશાસને તેની નોંધ લેવી જ જોઈએ. જનતા વચ્ચે ફેલાયેલી ભારે મૂંઝવણને વહેલી તકે દૂર કરવી જોઈએ. સરકાર કોઈ મુંઝવણ દૂર કરવાના મૂડમાં જ નથી અથવા તો સરકારને તેમાં જરાય રસ જ નથી.
આશ્ચર્યની વાત એ છે કે, ઈથેનોલ મિક્સ પેટ્રોેલ પર સૌથી વધુ ચર્ચા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની થઈ રહી છે. નિતિન ગડકરીએ પોતે કહ્યું હતું કે બધું બરાબર છે, લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. E20 પેટ્રોલને લઈને જે ભ્રમ ફેલાયો છે તેના પર ગડકરીએ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક લોબી તેમની પાછળ પડી ગઈ છે, જેના હિતો ઈથેનોલ મિક્સ પેટ્રોલ આવવાથી પ્રભાવિત થઈ રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ જ છે કે આ લોબી આખરે કઈ છે? સરકારે તે લોબીને રોકવા માટે શું પગલાં લીધાં છે? તેના વિશે સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નથી. આ વાતને માત્ર રાજકીય સ્ટંટ બતાવાઈ રહી છે પણ પ્રજા જે કહેવા માગે છે તેના તરફ કોઈની નજર નથી.
આ સિવાય વિપક્ષો પોતાની રીતે રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત થઈ ગયા છે. પ્રજાના વાહનો ચાલે કે ન ચાલે પણ રાજકારણીઓનો ધંધો આ E20 પેટ્રોલના નામે બરાબર ચાલે છે. આ મુદ્દે હવે રાજકારણ ખૂબ ગરમાયું છે. વિપક્ષ તરફથી સરકાર પાસે E20 પેટ્રોલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. હાલ દેશમાં સ્થિતિ ઘણી ગૂંચવાયેલી છે. E20 પેટ્રોલ પર જનતા ખૂબ જ કન્ફ્યુઝ છે. દેશમાં વાહન બગડવાના અને એન્જિન સીઝ થવાના અસંખ્ય દાવા કરવામાં આવી રહ્યા છે. આ તમામ દાવાઓનું સત્ય પણ લોકોની સામે તો આવવું જ જોઈએ. સરકારને કોઈ ખુલાસા કે તપાસમાં રસ જ નથી. પ્રજા બીજી તરફ હેરાનગતીના દેકારા કરી રહી છે અને ચારેતરફ મુંઝવણ, આક્રોશ અને ક્યાંક તંત્ર તરફથી અવગણનાનું વાતાવરણ ઊભું થયેલું છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા વખતથી નિતિન ગડકરી સતત કહી રહ્યા છે કે E20 પેટ્રોલથી એન્જિન પર કોઈ ફરક પડતો નથી. જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર ઘણા બધા વાયરલ વીડિયો ઉપલબ્ધ છે જેમાં એન્જિનમાં સમસ્યા આવવાની વાતો કહેવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર જનતાનો ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેનો સીધો અર્થ છે કે, જનતા સાથે કંઈક તો ખોટું થઈ જ રહ્યું હશે. ઈથેનોલ પર સરકાર જે કહી રહી છે તે પોતાની જગ્યાએ સાચું હોઈ શકે છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે જનતાની પોતાની ચિંતાઓ છે. જનતાની ચિંતા ઘટવાને બદલે સતત વધી રહી છે. સરકાર વારંવાર કહી રહી છે કે બધું બરાબર છે. જો બધું બરાબર જ હોય તો પછી એ એન્જિન ખરાબ થવાના, ગાડીને કાટ લાગવાના કે ગાડીના આંતરિક સ્પેરપાર્ટ્સ ખરાબ થવાના દાવા કરવામાં આવે છે તેમાં કેટલું સત્ય છે તેની ખરાઈ કરવી જોઈએ.
લોકોની કઠણાઈ પણ એવી છે કે, થોડા સમય પહેલાં સરકારે કહ્યું હતું કે E20 પેટ્રોલથી વાહનો બગડવાના કોઈ પુરાવા મળ્યા નથી. સરકાર માને છે કે આનાથી માઇલેજ ચોક્કસપણે ઓછી થાય છે, પરંતુ આની કોઈ નકારાત્મક અસર વાહનના એન્જિન પર થતી નથી. લોકોને વાહનોની માઈલેજ ઓછી થવાની ફરિયાદો જરાય ખોટી નથી. બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ વીડિયો શેર કરી રહ્યા છે. એક વીડિયોમાં એક વ્યક્તિએ પેટ્રોલ પંપ પર બોટલમાં E20 પેટ્રોલ લીધું, તે પેટ્રોલનો કલર ગુલાબી હતો. જેને જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈથેનોલ મિક્સ કરવાને કારણે પેટ્રોલનો કલર બદલાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાસ્તવિકતા ઉપર નજર નાખીએ તો સરકારી દાવા પ્રમાણે E20 પેટ્રોલને અનુકુળ વાહનોમાં આ પેટ્રોલ નાખવાથી કોઈ વાંધો આવવાનો નથી. સરકારનો દાવો છે કે ૨૦૨૩ પછી E20 પેટ્રોલને અનુકુળ હોય તેવા જ વાહનો બનાવવામાં આવી રહ્યા છે. સરકારની માહિતી પ્રમાણે કદાચ આ દાવા સાચા હશે પણ ૨૦૨૩ પહેલાં બનેલા વાહનોનું શું થશે તેના વિશે સરકારનું ભેદી મૌન છે. હકીકતેે ૨૦૨૩ પહેલાં વાહનો ખરીદનારા લોકો જ સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે. તેમના વાહનોનો વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને સરકાર વિકાસની ઉડાઉ વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. દેશમાં ૨૦૦૩માં પહેલી વખત ઈ૫ પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે માત્ર પાંચ ટકા ઈથેનોલ બ્લેન્ડ થતું હતું. ત્યારબાદ ૨૦૦૮માં ઈ૧૦ પેટ્રોલની શરૂઆત કરવામાં આવી. લગભગ પંદર વર્ષ સુધી તેમાં ખાસ ફેરફાર ન આવ્યો અને ત્રણ વર્ષ પહેલાં ૨૦૨૩માં ૧૧ રાજ્યોમાં એક સાથે E20 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ૨૦૨૬માં સમગ્ર દેશમાં E20 પેટ્રોલ ફરજિયાત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સરકારી આંકડા જ જોઈએ તો ૨૦૨૨માં દેશભરમાં ટૂવ્હીલરની સંખ્યા ૨૧ કરોડથી વધારે હતી. બીજી તરફ ફોર વ્હીલરની સંખ્યા પણ ૭ કરોડની આસપાસ હતી. આ તમામ વાહનોની શું હાલત થશે અથવા થઈ રહી છે તેના વિશે કોઈ કશું જ બોલતું નથી. લોકો બોલે છે પણ તંત્ર દ્વારા તેમને દબાવી દેવાય છે.
E20 કમ્પેટિબલ ન હોવા છતાં કરોડો વાહનો આજે E20 પેટ્રોલથી જ ચાલી રહ્યા છે, અને શક્ય છે કે આ જૂના વાહનોમાં જ સૌથી વધુ સમસ્યા આવી રહી હોય. આ વાહનો અને તેમના માલિકોના ભારે તણાવ વિશે પણ સરકારે વિચારવું પડશે. એટલે કે જે વાહનો E20 કમ્પેટિબલ નથી તેમાં રોજ નવી સમસ્યાઓ આવી રહી છે. ખુદ સરકારે પણ આ વાત કેટલીય વાર કહી છે. ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સરકારે એક મહત્વની માહિતી આપી હતી. સરકારે સ્વીકાર્યું હતું કે E20ના કારણે કેટલાક જૂના વાહનોમાં રબર પાર્ટ્સ અને ગાસ્કેટ રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે. આ પહેલા જૂન ૨૦૨૧ના નીતિ આયોગના રિપોર્ટમાં પણ આ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, વાહનના પ્લાસ્ટિકની મજબૂતાઈ E20ના કારણે ઓછી થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગથી મેટલ (ધાતુ)ના ભાગોમાં કાટ લાગી શકે છે.
વારંવાર બ્રાઝિલનો દાખલો આપવામાં આવે છે પણ બ્ર્રાઝિલે ઘણા વર્ષોથી ટ્રાયલ અને એરર દ્વારા આ પાઠ શીખ્યો છે. બ્રિઝલમાં હાલમાં ઈ-૨૦થી માંડીને ઈ૧૦૦ સુધીના ફ્યૂઅલનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમાં વાહનોનો એન્જિન એડવાન્સ લેવલે તૈયાર કરાય છે. અહીંયા એન્જિનમાં કોઈ સમસ્યા આવે તેવી સ્થિતિઓને પહેલેથી જ જાણીને તેનો નિકાલ કરાયો હતો. તેમાં સ્પેશિયલ રબર કાસ્કેટ, સ્ટીલની આયોનાઈઝ્ડ કરેલી એનલ્યુમિનિયમની વસ્તુઓ હોય છે જેને નુકસાન થતું નથી.
૬૬ ટકા લોકોએ માન્યું કે, વાહનોની માઈલેજમાં ઘટાડો થયો
E20 પેટ્રોલના ઉપયોગથી જનતાને સૌથી વધુ ચિંતા પોતાના વાહનની માઇલેજની છે, કારણ કે ભારતમાં લોકો ફ્યુઅલ ઇકોનોમીને ખૂબ જ મહત્વ આપે છે. લોકોને એવું વાહન જોઈએ છે જે ઓછા ફ્યુઅલમાં વધુ કિલોમીટર ચાલે. આવામાં E20 પેટ્રોલથી વાહનોની માઇલેજ ઓછી થવાની વાતથી લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. વાહનોની માઇલેજને લઈને જૂન ૨૦૨૬માં એક મોટો સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં ૨૦૨૩ પહેલા ખરીદેલા વાહનોના માલિકો સાથે વિગતવાર વાત કરવામાં આવી હતી. આ સર્વેના પરિણામો ચોંકાવનારા સામે આવ્યા છે. સર્વેમાં જોડાયેલા લોકોમાંથી ૬૬ ટકા લોકોએ કહ્યું કે ૨૦૨૫ પછી વાહનની માઇલેજ ૧૦ ટકા સુધી ઘટી ગઈ છે. બીજી તરફ આ અભ્યાસમાં જોડાયેલા ૨૩ ટકા લોકોએ કહ્યું કે તેમના વાહનની માઇલેજ ૨૦ ટકાથી વધુ ઘટી ગઈ છે. આ સિવાય ઘણા લોકો વધારે પરેશાન અને હેરાન થયેલા હતા. અંદાજે ૫૫ ટકા લોકોએ એન્જિન, ફ્યુઅલ ટેન્કમાં સમસ્યા અને ભારે રિપેરિંગની વાત કહી. આમ જોવા જઈએ તો પ્રજા નવા ફ્યૂઅલથી વધારે ખુશ નથી.









