ચીનનો 3.41 ટ્રિલિયન ડોલર વિદેશી હુંડિયામણ સાથે વિશ્વમાં દબદબો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક આર્થિક શક્તિનું નવું સંતુલન સધાઈ રહ્યાના સંકેત, દુનિયામાં વિદેશી ચલણ રીઝર્વ રાખવામાં એશિયાના દેશોનો ડંકો
જાપાન ૧.૨૬ ટ્રિલિયન ડોલર સાથે બીજા અને ભારત ૫૪૧ અબજ ડોલર સાથે પાંચમા ક્રમે છે. દુનિયામાં સૌથી મોટું રીઝર્વ ધરાવતા ટોચના ૧૦ દેશોમાંથી ૭ દેશો માત્ર એશિયા ખંડના છે. આ દાયકાઓથી ચાલી રહેલી નિકાસ આધારિત આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. આજનું આ વિશાળ વિદેશી ચલણનું રીઝર્વ આશરે ત્રણ દાયકા પહેલાં ૧૯૯૭માં આવેલા એક મોટા આર્થિક સંકટનું પરિણામ છે : ખાસ કરીને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોએ પોતાના અર્થતંત્રને સ્થાનિક વપરાશ કરતાં વૈશ્વિક નિકાસ પર વધુ કેન્દ્રિત કર્યું છે. તેમણે નિકાસ આધારિત વિકાસને પ્રાધાન્ય આપ્યું અને તેનો તેમને મોટો લાભ થયો છે. ટ્રેડ સરપ્લસનો તેમને ફાયદો થાય છે. તેમની તિજોરી વિદેશી હુંડિયામણથી છલકાતી રહે છે : આ યાદીમાં અમેરિકા ૧૩મા ક્રમાંકે છે. હકિકતે અમેરિકન ડોલરનું વૈશ્વિક આધિપત્ય જ આ માટે કારણભૂત છે. વિશ્વમાં હાલમાં તેનો વિદેશી ભંડોળમાં એકાધિકાર છે. દુનિયાના તમામ દેશો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે અમેરિકી ડોલરનો જ ઉપયોગ કરે છે. તેમાંય ક્રૂડ, ગેસ, સોનું વગેરેના ખરીદ વેચાણમાં ડોલર થકી જ પેમેન્ટ કરવામાં આવે છે
દુનિયાભરમાં જે વિવિધ યુદ્ધ અને વિખવાદો ચાલી રહ્યા છે તેના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું છે. તેમાંય વિકાસશિલ દેશોની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. તેમની પાસે પહેલેથી જ ડામાડોળ અર્થતંત્ર છે તેમાં મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ ખર્ચાઈ જવાની સ્થિતિ આવે ત્યારે તેમની હાલત વધારે કફોડી થાય છે. આજના સમયમાં કોઈપણ દેશની આર્થિક સ્થિરતા તેના વિદેશી હૂંડિયામણ પર ખૂબ નિર્ભર કરતી થઈ ગઈ છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ભંડોળ દેશની મધ્યસ્થ બેંક પાસે કટોકટીના સમય માટે રાખવામાં આવેલું ઇમરજન્સી ફંડ પણ કહેવાય છે. હાલમાં જે દેશ પાસે તે વધારે તેનો વૈશ્વિક વેપાર મોટો અને ખરીદ શક્તિ વધારે. તેના આધારે જ હાલની ભૂરાજકિય સ્થિતિમાં ટકી શકાય તેમ છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા વૈશ્વિક સ્તરે સૌથી વધારે વિદેશી હુંડિયામણ ધરાવતા દેશઓની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં પણ ચીનનો દબદબો રહ્યો છે.
આઈએમએફની યાદીમાં જણાવાયું હતું કે, ચીન પાસે દુનિયાનું સૌથી વધુ વિદેશી હુંડિયામણ છે. આ યાદીમાં કુલ વિદેશી હુંડિયામણનો જ સમાવેશ કર્યો હતો તેમાં સોનાની કોઈ ગણતરી કરવામાં આવી નહોતી. આ રીતે જોવા જઈએ તો પણ ચીનનો વિશ્વમાં ડંકો વાગે છે. ચીન પાસે અંદાજે ૩.૪૧ ટ્રિલિયન ડોલર કરતા વધારેનું વિદેશી હુંડિયામણ છે. વૈશ્વિક ધોરણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું હબ ગણાતા અને દુનિયાભરમાં અનેક વસ્તુઓ અને સેવાઓની નિકાસ કરનારા ચીનનો મુખ્ય આર્થિક સ્ત્રોત જ નિકાસ છે તેથી તેને વ્યાપક પ્રમાણમાં વિદેશી હુંડિયામણ મળે છે. ત્યારબાદ આ યાદીમાં જાપાનનું નામ આવે છે. જાપાન પાસે પણ ૧.૨૬ ટ્રિલિયન ડોલર કરતા વધારે વિદેશી હુંડિયામણ છે. કાર, ઈલેક્ટ્રોનિક્સની મોટાપાયે નિકાસ કરનારા જાપાન પાસે પણ વિદેશી આવક વધારે છે.
ત્યારબાદ આ યાદીમાં સ્વિટ્ઝર્લેન્ડનું નામ આવે છે. ટેક્સ હેવન તરીકે ઓળખાતા આ દેશમાં પણ અંદાજે ૯૩૨ અબજ ડોલર કરતા વધારેનું વિદેશી હુંડિયામણ છે.
અહીંયા પૈસા સુરક્ષિત હોવાનું મનાય છે અને તેના કારણે વૈશ્વિક ધોરણે ઉદ્યોગપતિઓ અને મોટી મોટી કંપનીઓ, નેતાઓ અને કહેવાય છે કે, ગુનેગારો પણ તેમના પૈસા અહીંયા સાચવવા માટે સ્વિટ્ઝર્લેન્ડની બેન્કોમાં જ રાખે છે. ત્યારબાદ ચોથા ક્રમે તાઈવાનનું નામ આવે છે. તાઈવાન પાસે પણ ૬૦૨ અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ છે. સેમિકન્ડક્ટર અને એડવાન્સ ટેકનોલોજીના ઉપકરણો બનાવવાને પગલે તેની પાસે પણ પૂરતા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ છે. ભારત ૫૪૧ અબજ ડોલર સાથે આ સેક્ટરમાં પાંચમા ક્રમે આવે છે. સર્વિસ સેક્ટર અને વિદેશી રોકાણના કારણે ભારત પાસે પણ આ ભંડોળ વધારે છે. આ આંકડો પાંચ મહિના પહેલાં ઘણો વધારે હતો પણ વૈશ્વિક યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ મોંઘુ થતાં તેમાં ઘણું ધોવાણ થયું છે.
આ યાદીની ખાસિયત એ પણ જોવા મળી હતી કે, તેમાં એશિયાના દેશોની સ્થિતિ ઘણી સારી હતી. ટોચના દસ દેશોની યાદીમાં સાત એશિયાના દેશોનો સમાવેશ થતો હતો. જાણકારોના મતે આપણે વૈશ્વિક ચલણ અનામતના નકશા પર નજર કરીએ, તો એક સ્પષ્ટ પેટર્ન ઉભરી આવે છે અને તે છે એશિયાનું વર્ચસ્વ. દુનિયાના ટોચના ૧૦ સૌથી મોટા અનામત ધારકોમાંથી ૭ દેશો એશિયાઈ વિસ્તારમાં આવેલા છે. આ તમામ દેશો મળીને વૈશ્વિક વિદેશી હૂંડિયામણના લગભગ બે-તૃતીયાંશ ભાગ પર કબજો ધરાવે છે. આ કોઈ અકસ્માત નથી પરંતુ સુનિયોજિત આર્થિક નીતિઓનું પરિણામ છે.
ખાસ કરીને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા દેશોએ પોતાના અર્થતંત્રને સ્થાનિક વપરાશ કરતાં વૈશ્વિક નિકાસ પર વધુ કેન્દ્રિત કર્યું છે. દુનિયાભરમાં સામાન વેચીને તેઓ સતત વિદેશી કમાય છે. તેમણે નિકાસ આધારિત વિકાસને પ્રાધાન્ય આપ્યું અને તેનો તેમને મોટો લાભ થયો છે.
આ ઉપરાંત આ દેશો દ્વારા વિદેશોમાંથી જેટલી આયાત કરવામાં આવે છે તેના કરતા નિકાસનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે. તેના કારણે ટ્રેડ સરપ્લસનો તેમને ફાયદો થાય છે. તેમની તિજોરી વિદેશી હુંડિયામણથી છલકાતી રહે છે. એશિયાના દેશોની વાત કરીએ તો ખાસ કરીને ચીન, જાપાન અને તાઈવાનને તેનો મોટો ફાયદો થયો છે. આજે એશિયાઈ દેશો પાસે જે ટ્રિલિયન ડોલરનું ભંડોળ દેખાય છે, તેનો પાયો ૨૯ વર્ષ પહેલાં એટલે કે ૧૯૯૭માં નાખવામાં આવ્યો હતો. ૧૯૯૭માં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા વગેરે ભયંકર આર્થિક સંકટમાં સપડાયા હતા. તે સમયે આ દેશો વિદેશી મૂડી પર વધુ પડતા નિર્ભર હતા અને તેમની પાસે પૂરતું વિદેશી હૂંડિયામણ પણ નહોતું. જ્યારે વૈશ્વિક રોકાણકારોએ એકસાથે પોતાના નાણાં પાછા ખેંચ્યા, ત્યારે આ દેશોના સ્થાનિક ચલણ પત્તાના મહેલની જેમ તૂટી પડયા. આ આઘાતમાંથી પાઠ ભણીને, તમામ એશિયાઈ દેશોએ નક્કી કર્યું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય કોઈની સામે હાથ નહીં ફેલાવે અને ઇકોનોમિક સેલ્ફ-ઇન્સ્યોરન્સ તરીકે વિદેશી હૂંડિયામણનો વિશાળ ભંડાર ઊભો કરવાનું શરૂ કર્યું. બીજી તરફ એક બાબત એવી પણ આંખો ઉડીને વળગે છે કે, આ યાદીમાં અમેરિકા ૧૩મા ક્રમાંકે છે. વિદેશી હુંડિયામણ ધરાવવા બાબતે દુનિયાની સૌથી મજબૂત જીડીપી ધારવતો દેશ અમેરિકા પાછળ રહી ગયાની ચર્ચા છે.
હકિકતે અમેરિકન ડોલરનું વૈશ્વિક આધિપત્ય જ આ માટે કારણભૂત છે. વિશ્વમાં હાલમાં તેનો વિદેશી ભંડોળમાં એકાધિકાર છે. દુનિયાના તમામ દેશો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે અમેરિકી ડોલરનો જ ઉપયોગ કરે છે. તેમાંય ક્રૂડ, ગેસ, સોનું વગેરેના ખરીદ વેચાણમાં ડોલર થકી જ પેમેન્ટ કરવામાં આવે છે. અમેરિકા પોતાના દેવા ચુકવવા માટે પોતે જ છાપેલા ડોલર આપી દે છે. તેને બીજી કરન્સી ઉપર આધાર રાખવાની કોઈ જરૂર નથી. અમેરિકા બજારના જોખમોના આધારે પોતાના ડોલરના મૂલ્યને ફ્લોટિંગ રાખે છે તેથી તેને વધારે ફાયદો થાય છે.
હાલમાં બજારની જે સ્થિતિ છે તેના કારણે ઘણા અર્થઘટનો થઈ રહ્યા છે. ઘણા દેશો તેને એશિયાના દેશો માટે સારી સ્થિતિ જણાવે છે તો ઘણા દેશો તેને અમેરિકાની પડતીની નિશાની ગણાવે છે તો ઘણા તેને ડીડોલરાઈઝેન તરફ વિશ્વ આગળ વધી રહ્યું હોવાના સંકેત માને છે. હકિકતે ટોચના દેશોનું આ વિદેશી અનામત દર્શાવે છે કે વૈશ્વિક નાણાકીય પ્રભાવ હવે માત્ર અમેરિકા કે યુરોપ પૂરતો સીમિત નથી રહ્યો. ભલે અમેરિકન ડોલર આજે પણ દુનિયાનું સર્વોચ્ચ વેપારી ચલણ હોય, પરંતુ એશિયાના વિશાળ અનામત ભંડારો એ સાબિત કરે છે કે વૈશ્વિક ઉત્પાદન, સપ્લાય ચેઈન અને રોકડ પ્રવાહનું અસલી કેન્દ્ર હવે પૂર્વ તરફ ખસી ગયું છે.
આયાત મોંઘી થતાં ગત છ મહિનામાં ભારતના હુંડિયામણમાં વ્યાપક ધોવાણ
ભારતની વાત કરીએ તો તેની પાસે પણ પૂરતા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પડયું હોવાના દાવા કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા જૂન ૨૦૨૬ ના નવા ડેટા અનુસાર, ભારતનું કુલ વિદેશી હૂંડિયામણ અનામત ૬૬૬.૯૩ અબજ ડોલર છે. તાજેતરમાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની વધઘટને કારણે રૂપિયાને સ્થિર રાખવા માટે આરબીઆઈએ બજારમાં ડોલર વેચવા પડયા હતા, જેના લીધે અનામતમાં વ્યાપક ઘટાડો જોવા મળ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, ૨૭ ફેબુ્રઆરી ૨૦૨૬ ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ ૭૨૮.૪૯ અબજ ડોલરની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું હતું. ત્યારબાદ તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવિકતા એવી છે કે, નબળી આર્થિક નીતિઓ અને અપૂરતી તૈયારીઓના પગલે મિડલ ઈસ્ટના યુદ્ધમાં ભારતને ક્રૂડ ખરીદવાનું ખૂબ જ મોંઘુ પડયું છે. આ સમયગાળામાં નિકાસ ઘટી ગઈ અને આયાતમાં સતત વધારે ભાવ ચુકવવાનો આવતા સતત ડોલરમાં ચુકવણી કરવી પડી. બીજી તરફ ડોલર સામે રૂપિયો સતત ઘસાતો રહ્યો અને તેના કારણે પણ અર્થતંત્રમાં ડામાડોળની સ્થિતિ ઊભી થઈ હતી. રૂપિયાને સ્થિર કરવા મજબૂત વેપારી નીતિઓ ન હોવાના કારણે મોટી સંખ્યામાં ડોલર વેચવાનો વારો આવ્યો હતો. ૪૪ જેટલા દેશો સુધી હાથ ફેલાવીને ક્રૂડ અને ગેસ લેવા પડયા જેમાં પણ વ્યાપક પ્રમાણમાં ડોલરનો ખર્ચ થયો છે. જાણકારોના મતે સરકારી દાવામાં ખાસ દમ નથી. ભારત પાસે વિદેશી હુંડિયામણમાં ડોલર જ વધારે છે અને તેમાં જ મોટો ખર્ચ કરવો પડયો હોવાથી હુંડિયામણ ઘટવાની સાથે સાથે રૂપિયામાં પણ મોટો ઘસારો સહન કરવો પડયો છે.









