વસતી ગણતરી : માત્ર માણસો નહીં ક્લાઈમેટ ચેન્જનો પણ હિસાબ કરવો પડશે !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજે ભારત જે કટોકટીનો સામનો કરી રહ્યો છે તે માત્ર સામાજિક, રાજકીય કે આર્થિક સીમાઓ પૂરતી સીમિત નથી. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ હવે વર્તમાન સમયની કઠોર અને નિર્વિવાદ વાસ્તવિકતા છે. તેથી જ વસતી ગણતરીમાં માત્ર જનસંખ્યા નહીં, પરંતુ ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણનો હિસાબ પણ અનિવાર્ય બને છે : આવાસ પાકું હોવા છતાં જો તે વિસ્તાર અસહ્ય ગરમી કે પૂરના જોખમમાં હોય, ઘરમાં વીજળી હોવા છતાં જો સ્થાનિક જળસ્ત્રોત સંપૂર્ણપણે સુકાઈ ગયા હોય, તો કેવળ ભૌતિક સંપત્તિના આંકડા સાચા જીવનધોરણનું ચિત્ર રજૂ કરી શકતા નથી. ક્લાઈમેટ ચેન્જ ભારતના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં અલગ-અલગ આપત્તિઓ અને સામાજિક-આર્થિક સંકટો પેદા કરી રહ્યું છે
લોકશાહી રાષ્ટ્રમાં વસતી ગણતરીમાત્ર માથાં ગણવાની કે નાગરિકોની સંખ્યા નોંધવાની યાંત્રિક પ્રક્રિયા નથી. તે હકિકતે રાજ્યના પ્રશાસનિક દ્રષ્ટિકોણ, તેની નીતિવિષયક પ્રાથમિકતાઓ અને ભવિષ્યની સામાજિક-આર્થિક દિશાનું જીવંત દર્પણ છે. કોઈ પણ શાસન જે બાબતોને રાષ્ટ્રના અસ્તિત્વ અને વિકાસ માટે નિર્ણાયક ગણે છે, તે મુદ્દાઓ જ તેની વસતી ગણતરીની પ્રશ્નાવલીમાં સ્થાન પામે છે. તેથી, વસતી ગણતરીમાત્ર એ નથી દર્શાવતી કે દેશમાં કેટલા લોકો વસે છે; તે સ્પષ્ટ કરે છે કે શાસનતંત્ર પોતાના સમાજને કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે અને આવનારા દાયકાઓના પડકારો સામે કેવી સજ્જતા કેળવી રહ્યું છે. લાંબા અંતરાલ બાદ ભારત જ્યારે આગામી વસતી ગણતરીના ઉંબરે ઊભું છે. આ સમગ્ર રાજકીય અને આંકડાકીય કોલાહલ વચ્ચે એક પાયાનો અને નિર્ણાયક સવાલ લગભગ ગાયબ છે, શું ૨૧મી સદીના ત્રીજા દાયકાની આ વસતી ગણતરી અભૂતપૂર્વ વાસ્તવિકતાઓને નોંધવા તૈયાર છે, જેનો સામનો આજે ભારતના છેવાડાનો નાગરિક રોજિંદા જીવનમાં કરી રહ્યો છે?
આજે ભારત જે કટોકટીનો સામનો કરી રહ્યો છે તે માત્ર સામાજિક, રાજકીય કે આર્થિક સીમાઓ પૂરતી સીમિત નથી. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ હવે કોઈ ભવિષ્યની આપત્તી નથી, પરંતુ વર્તમાન સમયની કઠોર અને નિર્વિવાદ વાસ્તવિકતા છે. તેથી જ આગામી વસતી ગણતરીમાં માત્ર જનસંખ્યા નહીં, પરંતુ બદલાતી આબોહવા અને જૈવિક પરિસ્થિતિઓનો હિસાબ પણ અનિવાર્ય બને છે.
ઉલ્લેખનીય છે કે, સ્વતંત્ર ભારતની વસતી ગણતરી સ્થિર કે જડ રહી નથી; તે સમયના સામાજિક અને વિકાસલક્ષી બદલાવો સાથે સતત વિસ્તરતી રહી છે. સ્વતંત્રતા પછીની શરૂઆતની વસતી ગણતરીઓનું મુખ્ય ધ્યાન દેશની વસતીનું ચોક્કસ કદ, સ્ત્રી-પુરુષ પ્રમાણ, સાક્ષરતા દર, ધાર્મિક જૂથો અને પાયાના વ્યવસાયિક વર્ગીકરણ સુધી મર્યાદિત હતું. તે સમયે નવજાત રાષ્ટ્રનું આયોજન પાયાની ભૂખમરો અને શિક્ષણની સમસ્યાઓ ઉકેલવા પર કેન્દ્રિત હતું. ત્યારબાદના તબક્કામાં દેશનો વિકાસ આગળ વધતાં પ્રશ્નાવલીમાં આવાસના પ્રકાર, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની ઉપલબ્ધતા, વીજળીનું જોડાણ, રાંધણ ગેસ અને બેંકિંગ સેવાઓ જેવી બાબતો ઉત્તરોત્તર ઉમેરાતી ગઈ. ત્યારબાદ ૨૦૧૧ પછીના સમયમાં ટેલિફોન, મોબાઈલ ફોન, કમ્પ્યુટર અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધીની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો.
આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. આવાસ પાકું હોવા છતાં જો તે વિસ્તાર અસહ્ય ગરમી કે પૂરના જોખમમાં હોય, ઘરમાં વીજળી હોવા છતાં જો સ્થાનિક જળસ્ત્રોત સંપૂર્ણપણે સુકાઈ ગયા હોય, તો કેવળ ભૌતિક સંપત્તિના આંકડા સાચા જીવનધોરણનું ચિત્ર રજૂ કરી શકતા નથી. ક્લાઈમેટ ચેન્જ ભારતના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં અલગ-અલગ આપત્તિઓ અને સામાજિક-આર્થિક સંકટો પેદા કરી રહ્યું છે. દેશનો કોઈ પણ ખૂણો હવે તેની અસરોથી મુક્ત રહ્યો નથી. દેશના વિવિધ ભાગમાં આવી રહેલી આપત્તીઓ અને થઈ રહેલા ફેરફારો સીધી રીતે કૃષિ ઉત્પાદન, ગ્રામીણ રોજગારી, જાહેર આરોગ્ય અને દેશના સમગ્ર જીડીપીને અસર કરી રહ્યા છે. જળવાયુ પરિવર્તનના આ ગંભીર યુગમાં મૂળ સમસ્યા આંકડાઓની ઉપલબ્ધતાની નથી; સમસ્યા એ છે કે આપણી પાસે માનવજીવન અને કુદરતી પર્યાવરણને એકસાથે મૂકીને મૂલ્યાંકન કરતી સંકલિત રાષ્ટ્રીય માહિતી પ્રણાલી નથી. તેના કારણે યોગ્ય માહિતી મળતી નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વહીવટી ઇતિહાસમાં માનવ વસતી અને પર્યાવરણને એક સિક્કાની બે બાજુ તરીકે જોવાની સર્વગ્રાહી પરંપરા સદીઓ જૂની છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં તત્કાલીન જોધપુર (મારવાડ) રાજ્યમાં વસતી ગણતરી અને ગ્રામીણ સર્વેક્ષણ માટે ૫૬ પ્રશ્નો ધરાવતી અત્યંત વિસ્તૃત પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રશ્નાવલી કેવળ માણસોની ગણતરી કે મહેસૂલ નક્કી કરવા પૂરતી સીમિત નહોતી. તેમાં મુખ્ય વિગતો ઊંડાણપૂર્વક નોંધવામાં આવતી હતી. ગામમાં કૂવા અને તળાવોની ચોક્કસ સંખ્યા, પાણી મીઠું છે કે ખારું, અને ભૂગર્ભજળની ઊંડાઈ. તે ઉપરાંત જમીન અને માટીના પ્રકારો, સ્થાનિક ગૌચરો (ઓરણ અને બીડ)ની સ્થિતિ. આ સિવાય વૃક્ષોની સ્થાનિક પ્રજાતિઓ (જેમ કે ખીજડો, રોહિડો) અને ઔષધીય વનસ્પતિઓનું પ્રમાણ. તેની સાથે સાથે પશુધનનું બંધારણ (ગાય, બળદ, ઊંટ, ઘેટાં-બંકાં) અને સ્થાનિક પાકની જાતો. સૌથી મહત્ત્વનું કુટીર ઉદ્યોગો, ભૂતકાળમાં આવેલા દુષ્કાળ અને રોગચાળાની અસરો, તેમજ પલાયનની સ્થિતિ. આ પ્રશ્નાવલી સાબિત કરે છે કે તે સમયના પ્રશાસકો ગામને માત્ર ઘરો કે વ્યક્તિઓના સમૂહ તરીકે નહીં, પરંતુ માનવ, કુદરત, પશુધન અને સામાજિક સંસ્થાઓથી બનેલું એક જીવંત અને આત્મનિર્ભર ઇકોસિસ્ટમ માનતા હતા.
ત્યારબાદ ૧૯મી અને ૨૦મી સદીના પ્રારંભિક દાયકાઓમાં તૈયાર થયેલા ગેઝેટિયર્સમાં પણ વસતીના આંકડાઓની સાથે નદીઓ, જંગલો, જમીનની ફળદ્રુપતા, સિંચાઈના પરંપરાગત સાધનો અને કુદરતી આપત્તિઓનો વિગતવાર દસ્તાવેજ તૈયાર થતો હતો. જોકે તેમનો મૂળ હેતુ સંસ્થાનવાદી મહેસૂલ ઉઘરાવવાનો અને દુષ્કાળ વ્યવસ્થાપનનો હતો, તેમ છતાં તેમણે એવું સામાજિક-પર્યાવરણીય ચિત્ર સુરક્ષિત રાખ્યું જે આજે ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ માટે અમૂલ્ય સ્ત્રોત બની ગયું છે. વિશ્વભરના વિકસિત અને વિકાસશીલ દેશોમાં હવે સત્તાવાર આંકડાશાસ્ત્રને ક્લાઈમેટ ચેન્જની વાસ્તવિકતાઓ સાથે જોડવા માટે ગંભીર મનોમંથન ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સભ્ય દેશોને તેમના ડેમોગ્રાફિક ડેટાને પર્યાવરણીય આંકડાઓ સાથે સંકલિત કરવા માટે વૈશ્વિક માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી રહી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે રાષ્ટ્રીય વસતી ગણતરીને સૌથી સચોટ માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી રહ્યું છે.
ભારત પાસે વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (આધાર, યુપીઆઈ, કોવીન), અત્યાધુનિક સેટેલાઈટ મેપિંગ સિસ્ટમ (ઈસરો-ભુવન) અને પંચાયતી રાજનું સંગઠિત માળખું છે. ભારત આ ક્ષેત્રમાં માત્ર ભાગીદાર બનવાને બદલે વૈશ્વિક સ્તરે માર્ગદર્શક બની શકે તેવી ક્ષમતા ધરાવે છે. વસતી ગણતરીમાં મૂળભૂત ગણતરીની પ્રક્રિયાને બોજારૂપ કે અતિશય જટિલ બનાવ્યા વિના માત્ર મહત્ત્વની બાબતોને ધ્યાને રાખીને નક્કર રીતે કામ કરવું પડશે. તેના માટે સૌથી પહેલાં તો સચોટ સવાલ કરવા પડશે જેથી નક્કર જવાબ અને પરિણામ મળી શકે. સૌથી પહેલાં તો ગામ કે વોર્ડમાં ઐતિહાસિક તળાવો, કૂવા, વાવ, બોરીબંધ કે ચેકડેમ પૈકી કેટલા કાર્યરત છે અને કેટલા અતિક્રમણ કે પ્રદૂષણને લીધે નષ્ટ થયા છે તે જાણવું પડશે. ત્યારબાદ પીવાના પાણી માટે ટેન્કર કે દૂરના સ્ત્રોતો પર નિર્ભર પરિવારોનું પ્રમાણ કેટલું છે તેની માહિલી લેવી પડશે. છેલ્લા પાંચ-દસ વર્ષમાં ગામ કે વિસ્તારમાં અતિવૃષ્ટિ, પૂર, અનાવૃષ્ટિ કે ગંભીર હીટવેવની કેટલી ઘટનાઓ નોંધાઈ છે તે ચકાસવી પડશે. આ આપત્તિઓને લીધે સ્થાનિક રોજગાર કે પાક નિષ્ફળતાનું સ્તર કેટલું રહ્યું તે જાણવું પડશે.
તે ઉપરાંત પાણીની તંગી અથવા અનિયમિત તાપમાનને લીધે ખેડૂતોએ પરંપરાગત ખાદ્ય પાકો છોડીને રોકડિયા પાકો કે ઓછા પાણીવાળા પાકો તરફ વળવું પડયું છે કે નહીં તેની સમજ મેળવવી પડશે. છેલ્લા એક દાયકામાં ખરાબાની કે પડતર બનેલી ખેતીલાયક જમીનનું પ્રમાણ કેટલું છે તેની નોંધ કરવી પડશે.
સ્થાનિક ગૌચર, સામુદાયિક વન વિસ્તાર અને જૈવવિવિધતાની વર્તમાન સ્થિતિ શું છે તેની વિગતો પણ ભેગી કરવી પડશે. પશુપાલકો માટે ઘાસચારાની અછતને લીધે પશુઓની સંખ્યામાં ઘટાડો થયો છે કે નહીં તે જાણવું પડશે. ત્યારબાદ ગામમાંથી કાયમી કે ચોક્કસ ઋતુ પૂરતું સ્થળાંતર કરતા પરિવારોની સંખ્યા કેટલી છે તેની ગંભીર નોંધ લેવી પડશે. સ્થળાંતરનું મુખ્ય કારણ પાણીની અછત, જમીનની ઘટતી ફળદ્રુપતા કે ખેતીમાં સતત નુકસાન છે કે નહીં તે જાણવું પડશે.
- નવા ભારત માટે એઆઈ અને પુરાવા-આધારિત નીતિનિર્માણની જરૂર
ભારત સરકાર જ્યારે 'ડિજિટલ ઈન્ડિયા' અને ડેટા-ડ્રિવન ગવર્નન્સ પર ભાર મૂકી રહી છે, ત્યારે ક્લાઈમેટ ચેન્જની માહિતી પણ નીતિનિર્માણમાં ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે તે સમજવું પડશે અને તેના આધારે નિર્ણય લેવા પડશે.
જે જિલ્લાઓ કે તાલુકાઓ પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ જાહેર થાય, ત્યાં આપત્તિ વ્યવસ્થાપન બજેટ અને ક્લાઈમેટ રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અગાઉથી નાણાં ફાળવી શકાય. આ સિવાય ગ્રામ પંચાયત સ્તરે 'ક્લાઈમેટ એક્શન પ્લાન' તૈયાર કરી શકાય, જેથી મનરેગા જેવી યોજનાઓ હેઠળ માત્ર રસ્તા બનાવવાને બદલે જળ સંરક્ષણ, વનીકરણ અને તળાવોના પુનર્જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. તેની સાથે સાથે અતિશય ગરમી કે પાણીજન્ય રોગચાળાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અગાઉથી જરૂરી દવાઓ, સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફથી સજ્જ કરી શકાય જેથી રોગચાળો ફેલાતા પહેલાં જ ડામી દેવાય.
એક સદી પહેલાં ગ્રામીણ સમાજને સમજવા માટે માત્ર લોકોની સંખ્યા ગણવી પૂરતી માનવામાં આવતી નહોતી; તેમના કુદરતી જળસ્ત્રોત, જંગલ, ખેતર, માટી અને પશુધનની સ્થિતિ પણ એટલી જ મહત્વપૂર્ણ ગણાતી હતી. આજે ૨૧મી સદીના જળવાયુ સંકટના યુગમાં વિકાસની ગતિ જાળવી રાખવા માટે આપણે ફરીથી તે જ મૂળભૂત વળાંક પર આવીને ઊભા છીએ.
આગામી વસતી ગણતરીને કેવળ માથાં ગણવાના નિયમિત સરકારી કાર્યક્રમ તરીકે ન જોતાં, બદલાતા સમાજ અને બદલાતી કુદરત વચ્ચેના પરસ્પર સંબંધોને વૈજ્ઞાનિક ઢબે સમજવાની ઐતિહાસિક તક તરીકે જોવી જોઈએ.
ભવિષ્યમાં સૌથી સફળ અને પ્રભાવશાળી પ્રશાસન એ જ સાબિત થશે, જે માત્ર એ નહીં જાણે કે દેશમાં કેટલા નાગરિકો વસે છે, પરંતુ એ વાસ્તવિકતાને પણ ઊંડાણપૂર્વક સમજશે કે તે નાગરિકો કેવા પર્યાવરણમાં, કેવા સંસાધનો સાથે અને કેવા કુદરતી પડકારો વચ્ચે પોતાનું જીવન જીવી રહ્યા છે. આ દ્રષ્ટિકોણ જ સાચા અર્થમાં 'વિકસિત ભારત' અને ટકાઉ ભવિષ્યનો મજબૂત પાયો બની શકે છે.









