બ્રિક્સ : વૈશ્વિક જીડીપીમાં 40% અને વિશ્વની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગોલ્ડમૅન સાક્સના અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલે ૨૦૦૧માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન માટે 'બ્રિક' (Bric) શબ્દનો પ્રયોગ કર્યો હતો
- ૨૦૦૯માં રશિયાના યેકાટેરિનબર્ગમાં તેમની પ્રથમ નેતાઓની સમિટ યોજી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧માં આ જૂથમાં દક્ષિણ આફ્રિકા જોડાતાં તે 'બ્રિક'માંથી 'બ્રિક્સ' (Brics) બન્યું હતું. ત્યારબાદ જૂથમાં સૌથી મોટો વિસ્તાર થયો. ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને યુએઇ ૨૦૨૪માં જોડાયા, જ્યારે જાન્યુઆરી ૨૦૨૫માં ઇન્ડોનેશિયા ૧૧મું પૂર્ણ સભ્ય બન્યું ઃ આ ૧૧ સભ્યો વિશ્વની ૪૯.૫ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ વસ્તીમાં ચીન અને ભારતનો સૌથી મોટો હિસ્સો છે, જ્યારે ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇરાન પણ મોટા સ્થાનિક બજારો પ્રદાન કરે છે. વેપાર-ઉદ્યોગ માટે આ એક વિશાળ ગ્ર્રાહક આધાર સમાન છે.
બ્રિક્સ જૂથ હવે દિવસે ને દિવસે મોટું અને મજબૂત થઈ રહ્યું છે. આ વર્ષે બ્રિક્સ સંમેલનની યજમાની ભારતને આપવામાં આવી છે. આગામી અઠવાડિયે બ્રિક્સનું સંમેલન ભારત ખાતે યોજવાનું છે. ઉલ્લેખનીય છે કે, સદીની શરૂઆતમાં વૈશ્વિક અર્થતંત્રના પાંચમા ભાગથી થોડું વધારે પ્રતિનિધિત્વ કરતા ચાર દેશોના જૂથમાંથી વિકસીને બ્રિક્સ હવે ૧૧ સભ્યોનું એક એવું સંગઠન બની ગયું છે જે વૈશ્વિક જીડીપીના આશરે ૪૦ ટકા અને વિશ્વની ૪૯.૫ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી વેપાર, ઊર્જા, નાણાકીય બાબતો અને વ્યાપક આર્થિક વ્યવસ્થામાં તેની ભૂમિકા સતત વધી રહી છે. ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઇન્ડોનેશિયાનું આ જૂથ વૈશ્વિક વેપારમાં પણ આશરે ૨૬ ટકા હિસ્સો ધરાવે છે.
જાણકારોના મતે બ્રિક્સનું આર્થિક મહત્વ માત્ર જીડીપીના આંકડા પૂરતું સીમિત નથી. બ્રિક્સમાં વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો - ચીન અને ભારતનો સમાવેશ થાય છે; રશિયા, સાઉદી અરેબિયા, ઇરાન અને યુએઇ જેવા મુખ્ય ઉર્જા નિકાસકારો; તેમજ બ્રાઝિલ અને રશિયા જેવા મુખ્ય કોમોડિટી અને કૃષિ ઉત્પાદકોનો સમાવેશ થાય છે. આ સંગઠન હવે આ વિશાળ સ્તરને વ્યાપક આર્થિક સહયોગમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે સભ્ય દેશો વચ્ચે વેપાર વધારવો, મજબૂત સપ્લાય ચેઇન બનાવવી, સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવું અને સરહદ પાર ચૂકવણી માટે એવી વ્યવસ્થા વિકસાવવી કે જે ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડી શકે અને હાલના નાણાકીય માળખા પરની નિર્ભરતા ઓછી કરી શકે.
ગોલ્ડમૅન સાક્સના અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલે ૨૦૦૧માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન માટે 'બ્રિક' (Bric) શબ્દનો પ્રયોગ કર્યો હતો. બ્રિક પાછળથી એક આંતર-સરકારી જૂથ બન્યું. આ ચાર દેશોએ ૨૦૦૬માં ઔપચારિક રાજકીય સંકલન શરૂ કર્યું અને ૨૦૦૯માં રશિયાના યેકાટેરિનબર્ગમાં તેમની પ્રથમ નેતાઓની સમિટ યોજી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧માં આ જૂથમાં દક્ષિણ આફ્રિકા જોડાતાં તે 'બ્રિક'માંથી 'બ્રિક્સ' (Brics) બન્યું હતું. ત્યારબાદ જૂથમાં સૌથી મોટો વિસ્તાર થયો. ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને યુએઇ ૨૦૨૪માં જોડાયા, જ્યારે જાન્યુઆરી ૨૦૨૫માં ઇન્ડોનેશિયા ૧૧મું પૂર્ણ સભ્ય બન્યું. ખાસ વાત એ છે કે, ૨૦૨૫માં બ્રિક્સનું પ્રમુખપદ સંભાળનાર બ્રાઝિલે સત્તાવાર રીતે ઇન્ડોનેશિયાના પ્રવેશની જાહેરાત કરી હતી.
મહત્ત્વનું એ છે કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના જુલાઈ ૨૦૨૬માં પ્રકાશિત થયેલા લેટેસ્ટ 'વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક' અનુસાર, ૨૦૨૬માં વૈશ્વિક વૃદ્ધિ દર ૩.૩ ટકા રહેવાનો અંદાજ છે અને ભારત સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાં સામેલ છે, જ્યારે ચીનનો વિકાસ દર ૪.૬ ટકા રહેવાનો અંદાજ છે. ઇન્ડોનેશિયા ૫ ટકા, બ્રાઝિલ ૨.૪ ટકા, રશિયા ૧.૧ ટકા અને દક્ષિણ આફ્રિકા ૧.૧ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. ચીન વિશાળ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પૂરી પાડે છે અને જૂથનું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારત ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે વિશાળ સ્થાનિક બજાર ધરાવે છે. બ્રાઝિલ મુખ્ય કૃષિ અને કોમોડિટી નિકાસકાર છે, જ્યારે રશિયા અને ગલ્ફ દેશો ઉર્જા અને કાચા માલની મજબૂતી પૂરી પાડે છે.
ભારત સરકાર અનુસાર, આ ૧૧ સભ્યો વિશ્વની ૪૯.૫ ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ વસ્તીમાં ચીન અને ભારતનો સૌથી મોટો હિસ્સો છે, જ્યારે ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇરાન પણ મોટા સ્થાનિક બજારો પ્રદાન કરે છે. વેપાર-ઉદ્યોગ માટે આ એક વિશાળ ગ્રાહક આધાર સમાન છે. જોકે, માત્ર વસ્તીને ખરીદશક્તિ માની લેવી ભૂલભરેલું છે. બ્રિક્સના સભ્યો વચ્ચે આર્થિક અસમાનતા ઘણી મોટી છે. યુએઇ અને સાઉદી અરેબિયા પાસે ઊંચી માથાદીઠ આવક અને મોટા પાયે મૂડી ઉપલબ્ધ છે, જ્યારે ભારત, ઇજિપ્ત અને ઇથોપિયામાં માથાદીઠ આવક ઘણી ઓછી છે પરંતુ તેમની પાસે વિશાળ વસ્તી અને લાંબા ગાળાની વૃદ્ધિની શક્યતાઓ છે. આ મિશ્રણ બ્રિક્સને મોટું કદ આપે છે, પરંતુ સમાન આર્થિક તાકાત નહીં.
બ્રિક્સ જે ક્ષેત્રમાં પોતાના કદને વ્યવહારુ આર્થિક તાકાતમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે તેમાં વેપાર મોખરે છે.
ભારતીય વાણિજ્ય મંત્રાલયે મે મહિનામાં જણાવ્યું હતું કે ૨૦૨૪માં બ્રિક્સ દેશો વચ્ચેનો પરસ્પર વેપાર ૧.૧૭ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચ્યો હતો, જે ૨૦૦૩ના ૮૪ બિલિયન ડાલરથી લગભગ ૧૩ ગણો વધારે છે. આ વૃદ્ધિ સમાન સમયગાળા દરમિયાન વૈશ્વિક વેપારના વિસ્તરણ કરતાં વધુ ઝડપી રહી છે. તેમ છતાં, વૈશ્વિક જીડીપીના ૪૦ ટકા હિસ્સો ધરાવતા જૂથ માટે સભ્ય દેશો વચ્ચેનો પરસ્પર વેપાર હજુ પણ પ્રમાણમાં ઓછો છે. આ અંતરને કારણે જ આર્થિક સંકલન પ્રાથમિકતા બન્યું છે. ઓગસ્ટ ૨૦૨૬માં જયપુરમાં યોજાયેલી ૧૬મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠકે આ એજન્ડાને આગળ ધપાવ્યો હતો.
મંત્રીઓએ 'સ્ટ્રેટેજી ફોર બ્રિક્સ ઇકોનોમિક પાર્ટનરશિપ ૨૦૩૦' પર કામ આગળ વધાર્યું, જેમાં સેવાઓનો વેપાર, ડિજિટલ અર્થતંત્ર, ઉદ્યોગ, ઇનોવેશન અને ટેકનોલોજી, રોકાણ, નાણાકીય સહયોગ અને ટકાઉ વિકાસ આવરી લેવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, બ્રિક્સના ડી-ડૉલરાઇઝેશન (ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા) ની ચર્ચાઓએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે, પરંતુ વાસ્તવિકતા રાજકીય નિવેદનો કરતાં વધુ સીમિત છે. બ્રિક્સ સભ્યો હાલમાં કોઈ સામાન્ય 'બ્રિક્સ ચલણ' અંગે વાટાઘાટો કરી રહ્યા નથી. તેના બદલે, તેમનું ધ્યાન વેપાર અને રોકાણ માટે રાષ્ટ્રીય ચલણોનો ઉપયોગ વધારવા, પેમેન્ટ કનેક્ટિવિટી સુધારવા અને સરહદ પારના વ્યવહારો ઝડપી અને સસ્તા બનાવવા માટેના વિકલ્પો શોધવા પર છે. તેમાંય ૨૦૨૪ના કઝાન ઘોષણાપત્રમાં સ્થાનિક ચલણો, પેમેન્ટ પ્લેટફોર્મ્સ અને 'બ્રિક્સ ક્લિયર' તરીકે ઓળખાતા ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ ચાલુ રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જાણકારો માને છે કે, વેપારમાં ડૉલરની ભૂમિકા ઘટાડવી એ માત્ર રાજકીય નિર્ણય નથી.
વૈશ્વિક નાણાકીય બજારો, આંતરરાષ્ટ્રીય દેવા અને કોમોડિટીના ભાવ નિર્ધારણમાં ડૉલર ઊંડે સુધી જોડાયેલો છે. દ્વિપક્ષીય વેપાર માટે સ્થાનિક ચલણનો ઉપયોગ નવા જોખમો ઊભા કરી શકે છે. નિકાસકારો અને આયાતકારોને લિક્વિડિટી, હેજિંગ સાધનો અને ચલણ રૂપાંતરણની વિશ્વસનીયતાની જરૂર પડે છે. આ જ કારણ છે કે બ્રિક્સ કરન્સીના અચાનક આગમન કરતાં સ્થાનિક ચલણમાં ધીમે-ધીમે શિફ્ટ થવું વધુ વ્યવહારુ છે.
કરન્સી કે વેપાર કરતા પણ હાલમાં જોવાઈ રહ્યું છે કે, ઉર્જા બ્રિક્સની સૌથી મોટી તાકાત છે. વિસ્તૃત બ્રિક્સમાં ચાર મોટા તેલ ઉત્પાદક દેશો - રશિયા, સાઉદી અરેબિયા, ઇરાન અને યુએઇ - તેમજ વિશ્વના બે સૌથી મોટા ઊર્જા ઉપભોક્તા દેશો, ચીન અને ભારત સામેલ છે. સત્તાવાર ડેટા અનુસાર, બ્રિક્સ સભ્યો વૈશ્વિક ક્ડ ઓઇલ ઉત્પાદનમાં ૪૩.૬ ટકા અને કુદરતી ગેસ ઉત્પાદનમાં ૩૬ ટકા હિસ્સો ધરાવે છે. તેમજ વૈશ્વિક કોલસા ઉત્પાદનમાં જૂથનો હિસ્સો ૭૮.૨ ટકા જેટલો છે. બ્રિક્સ કોઈ સિંગલ એનર્જી કાર્ટેલ તરીકે કામ કરતું નથી, પરંતુ વિશ્વના મુખ્ય ઊર્જા ઉત્પાદકો અને ગ્રાહકો એક જ મંચ પર હોવાથી રોકાણ, ઊર્જા સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગની મોટી તકો ઊભી થાય છે. બ્રિક્સ દેશો પાસે વિશ્વના લગભગ ૭૨ ટકા રેર-અર્થ (દુર્લભ ખનિજો) ભંડાર છે. ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને સંરક્ષણ ટેકનોલોજી માટે આ સંસાધનો અનિવાર્ય છે. જોકે, માત્ર ખનિજ ભંડાર હોવો પૂરતો નથી; તેનું પ્રોસેસિંગ અને રિફાઇનિંગ ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી બ્રિક્સ માટે માત્ર કાચો માલ વેચવાને બદલે પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી પાર્ટનરશિપ તરફ આગળ વધવાની તક રહેલી છે.
જાણકારો માને છે કે, આંકડાકીય રીતે બ્રિક્સ ઘણું વજન ધરાવે છે, પરંતુ તેને સામૂહિક પ્રભાવમાં બદલવું પડકારજનક છે. બ્રિક્સ પાસે કોઈ સમાન ચલણ નથી, કોઈ કસ્ટમ્સ યુનિયન નથી કે કોઈ સિંગલ માર્કેટ નથી. તેના સભ્યોમાં ઉત્પાદન ક્ષમતા ધરાવતા દેશોથી લઈને તેલ નિકાસકારો અને વિકાસશીલ દેશો સામેલ છે. ચીન અને ભારત જેવા દેશો વચ્ચે વિશાળ વેપાર સંબંધો હોવા છતાં નોંધપાત્ર ભૌગોલિક-રાજકીય મતભેદો પણ છે. આ વિવિધતા બ્રિક્સની તાકાત પણ છે અને મર્યાદા પણ. તેમાંય ORF અનુસાર, બ્રિક્સની સૌથી મોટી તક વેપાર, રોકાણ, કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સમાં વ્યવહારુ સહયોગ સાધવામાં રહેલી છે.
ડિજિટલ અર્થતંત્ર : સહયોગનો નવો આધારસ્તંભ બની શકે
ભારતના ૨૦૨૬ના અધ્યક્ષપદ હેઠળ સભ્ય દેશોએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ગવર્નન્સ પર ભાર મૂક્યો છે. ઑગસ્ટમાં પુણે ખાતે મળેલી બ્રિક્સ ICT બેઠકમાં આ વિષયો પર ચર્ચા થઈ હતી.
ભારતે પોતાની DPI સિસ્ટમ (જેમ કે UPI) ના અનુભવને ગ્લોબલ સાઉથ સાથે શેર કરવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ટરઓપરેબલ ડિજિટલ સિસ્ટમ્સ પેમેન્ટ્સ, ટ્રેડ ડોક્યુમેન્ટેશન અને નાણાકીય સમાવેશમાં ખર્ચ અને સમય બંને ઘટાડી શકે છે.
બ્રિક્સ પોતાની નાણાકીય સંસ્થાઓ પણ બનાવી રહ્યું છે. શાંઘાઈ સ્થિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ૨૦૧૫માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ વિકાસ પ્રોજેક્ટ્સને ભંડોળ આપવા માટે કરવામાં આવી હતી, જેની અધિકૃત મૂડી ઇં૧૦૦ બિલિયન છે. આ ઉપરાંત, ટૂંકા ગાળાના બેલેન્સ-ઓફ-પેમેન્ટ્સ દબાણ દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવા માટે ૧૦૦ અબજ ડોલરનું કન્ટિન્જન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ પણ સ્થાપવામાં આવ્યું છે.
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે અઑગસ્ટ ૨૦૨૬માં જણાવ્યું હતું કે ખાનગી મૂડી એકત્રિત કરવામાં NDBની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જોકે આ વ્યવસ્થા IMF અને વર્લ્ડ બેંક કરતાં ઘણી નાની છે, પણ તે બ્રિક્સના એજન્ડાને મજબૂતી આપે છે.




