News Focus

બાબા બર્ફાની અંતર્ધ્યાન : પર્યટનના નામે થયેલા વિકાસ કામોથી વિનાશના એંધાણ

By GS Team
11 Jul 20267 mins read
TukuTouch Logo
અમરનાથ ગુફામાં કુદરતી હિમલિંગ માત્ર 5 દિવસમાં ઓગળી ગયું, જેનાથી લાખો ભક્તો નિરાશ થયા. જમ્મુ-કાશ્મીરમાં બદલાયેલ હવામાન, ઓછી બરફવર્ષા અને ગ્લોબલ વોર્મિંગને કારણે આ બન્યું છે. પર્યાવરણ નિષ્ણાતો અતિશય પ્રવાસન અને માનવ પ્રવૃત્તિઓથી ગુફાની ઇકોસિસ્ટમ પર દબાણ વધ્યું હોવાનું માને છે. આ ઘટના પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ માટે ગંભીર સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાબા બર્ફાની અંતર્ધ્યાન : પર્યટનના નામે થયેલા વિકાસ કામોથી વિનાશના એંધાણ

પુણ્ય કે પાપ નહીં પણ પ્રદુષણ અને અવિચારી પ્રવાસન : પર્યાવરણે સંકેત આપવાનું શરૂ કરી દીધું છે કે, ચારે તરફ સ્થિતિ ડામાડોળ થઈ રહી છે
અમરનાથ ગુફામાં બનતું હિમલિંગ સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. દર વર્ષે તેની ઊંચાઈ, પહોળાઈ અને આકાર અલગ-અલગ હોઈ શકે છે. આ એ બાબત પર આધાર રાખે છે કે શિયાળામાં કેટલી બરફવર્ષા થઈ, ગુફાની અંદર તાપમાન કેટલું રહ્યું તેના આધારે શિવલિંગની ઉંચાઈ રહેતી હોય છે : છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીર અને સમગ્ર હિમાલય ક્ષેત્રમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ છે. પહેલાના વર્ષોની સરખામણીએ શિયાળામાં ઓછી બરફવર્ષા અને ઉનાળામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન બાબતના જાણકારોનું કહેવું છે કે આ જ કારણ છે કે ગુફાની અંદર બરફ લાંબો સમય ટકી શકતો નથી : પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે અતિશય ભીડ અને પ્રવાસન સંબંધી પ્રવૃત્તિઓ ગુફાની અત્યંત નાજુક ઇકોસિસ્ટમ પર વધારાનું દબાણ લાવે છે.

દર વર્ષે લાખો લોકો અમરનાથ બાબાના દર્શને જતા હોય છે. અનેક દિવસની યાત્રા, કપરું ચઢાણ અને લાંબી પદયાત્રા બાદ કુદરતી રીતે બનતા બરફના આ શિવલિંગના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે. આ વખતે બર્ફાની બાબાએ દેખા દીધી ન દીધી અને અંતર્ધ્યાન થઈ ગયા છે. લાખો લોકો નિરાશામાં ધકેલાઈ ગયા છે. લાખો શિવભક્તો રાહ જોઈને ઊભા છે પણ તેમને માત્ર ગુફાના દર્શન કરવા મળશે પણ પવિત્ર હિમલિંગના દર્શન કરવા મળશે નહીં. દર વર્ષે કુદરતી રીતે આકાર લેતું અને શ્રાવણ મહિના સુધી ટકી રહેતું અમરનાથ ભગવાનનું બરફનું શિવલિંગ માત્ર પાંચ જ દિવસમાં ઓગળી ગયું છે.
લોકોમાં કળયુગનો પ્રભાવ વધાની, પાપ વધ્યાની કે પછી પુણ્ય ઓછા થવાની ધાર્મિક ચર્ચાઓ ચાલી છે પણ તેની પાછળ રહેલી વાસ્તવિકતા હજી પણ લોકો જોતા નથી. જાણકારો માને છે કે, આ ઘટના થવા પાછળ હવામાન જવાબદાર છે, હિમાલયનું બદલાતું પર્યાવરણ, વધતી ગરમી અને માનવીય ગતિવિધિઓ પણ આ પવિત્ર સ્થળના કુદરતી સંતુલનને પ્રભાવિત કરી રહી છે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર ધાર્મિક નહીં, પરંતુ ગ્લોબલ વોર્મિંગનો પણ ગંભીર સંકેત છે, જેને જરાય અવગણી શકાય તેમ નથી.
અમરનાથ ગુફામાં બનતું હિમલિંગ સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. દર વર્ષે તેની ઊંચાઈ, પહોળાઈ અને આકાર અલગ-અલગ હોઈ શકે છે. આ એ બાબત પર આધાર રાખે છે કે શિયાળામાં કેટલી બરફવર્ષા થઈ, ગુફાની અંદર તાપમાન કેટલું રહ્યું અને યાત્રા શરૂ થતા પહેલા હવામાન કેવું હતું. તેથી કોઈ વર્ષે હિમલિંગ ૮ થી ૧૦ ફૂટ સુધી ઊંચું દેખાય છે, તો કોઈ વર્ષે તે પ્રમાણમાં નાનું રહે છે. તેને કોઈ કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવતું નથી.
૨૯ જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ પહેલા જેવો જ જોવા મળી રહ્યો છે. ચાર દિવસની અંદર ૮૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ બાબા અમરનાથની ગુફા સુધી પહોંચી ચૂક્યા હતા. જો કે, આ વખતે ગુફાની અંદર કુદરતી બરફનું શિવલિંગ ઝડપથી પીગળી ગયું છે. જેના કારણે ૬ જુલાઈ પછી પહોંચનારા મોટાભાગના શ્રદ્ધાળુઓને પહેલા જેવા વિશાળ બરફના શિવલિંગના દર્શન થયા નથી. ૨૩ મેના રોજ આશરે ૭ ફૂટ ઊંચું દેખાતું હિમલિંગ ૨૯ જૂને પણ પાંચ ફૂટથી વધુ હતું, પરંતુ ૬ જુલાઈ સુધીમાં તેનો મોટાભાગનો હિસ્સો પીગળી ગયો હતો. આ જ કારણ છે કે આ વખતે આસ્થાની સાથે સાથે તેની પાછળ છુપાયેલા વૈજ્ઞાનિક અને કુદરતી કારણો પર પણ ચર્ચા થવા લાગી છે.
નવાઈની વાત એ છે કે, હિમલિંગ ઝડપથી પીગળી જવા છતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઘટાડો થયો નથી. યાત્રા શરૂ થયાના માત્ર ચાર દિવસની અંદર ૮૫,૭૭૯ થી વધુ શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરી ચૂક્યા છે. સોમવારે જ માત્ર ૨૮,૮૧૮ શ્રદ્ધાળુઓ ગુફા સુધી પહોંચ્યા હતા. ખરાબ હવામાન અને સતત વરસાદ છતાં શ્રદ્ધાળુઓ બાલટાલ અને પહેલગામ બંને માર્ગોથી ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર આવેલી પવિત્ર ગુફા સુધી પહોંચ્યા. પ્રશાસનનું કહેવું છે કે યાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ચલાવવામાં આવી રહી છે અને શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી ગયા છે. આ વર્ષે યાત્રા ૨૮ ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધી ચાલશે.
જાણકારોએ નોંધ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીર અને સમગ્ર હિમાલય ક્ષેત્રમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ છે. પહેલાના વર્ષોની સરખામણીએ શિયાળામાં ઓછી બરફવર્ષા અને ઉનાળામાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન બાબતના જાણકારોનું કહેવું છે કે આ જ કારણ છે કે ગુફાની અંદર બરફ લાંબો સમય ટકી શકતો નથી. પહેલા જ્યાં હિમલિંગ ઓગસ્ટ સુધી સુરક્ષિત રહેતું હતું, ત્યાં હવે યાત્રા શરૂ થયાના થોડા જ દિવસો બાદ તેનો આકાર ઝડપથી ઘટવા લાગે છે. આ ફેરફાર માત્ર અમરનાથ પૂરતો સીમિત નથી, પરંતુ હિમાલયના ગ્લેશિયર્સ અને બરફીલા વિસ્તારોમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
અમરનાથ શ્રાઈન બોર્ડ અને સ્થાનિક જાણકારોના જણાવ્યા અનુસાર, પહેલા બાબા બર્ફાનીનું હિમલિંગ શ્રાવણ મહિનાના પણ મોટાભાગના દિવસો સુધી સુરક્ષિત રહેતું હતું. પરંતુ હવે સતત ત્રણ વર્ષથી યાત્રા શરૂ થયાના એક અઠવાડિયાની અંદર જ તેનો આકાર ઝડપથી ઘટી જાય છે. તાજેતરમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી. ૨૩ મેના રોજ બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં હિમલિંગ આશરે સાત ફૂટ ઊંચું દેખાતું હતું. ૨૯ જૂને પ્રથમ પૂજા સમયે પણ તેની ઊંચાઈ પાંચ ફૂટથી વધુ હતી. પરંતુ ૬ જુલાઈ સુધીમાં સામે આવેલી તસવીરોમાં હિમલિંગનો લગભગ ૯૦ ટકા હિસ્સો પીગળી ગયો હતો. આનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે હવામાનમાં થઈ રહેલા ફેરફારો હવે આ પવિત્ર સ્થળને પણ વ્યાપક અસર કરી રહ્યા છે.
હવામાનમાં પરિવર્તનને આ બદલાવનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાશ્મીર ઘાટીમાં જૂન અને જુલાઈ દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું છે. ઘણી વખત ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ ગરમીની અસર સ્પષ્ટ દેખાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે શિયાળામાં પૂરતી બરફવર્ષા થતી નથી અને ઉનાળામાં તાપમાન ઝડપથી વધે છે, ત્યારે બરફના કુદરતી માળખાં વધુ સમય સુધી ટકી શકતા નથી. અમરનાથ ગુફાનું હિમલિંગ પણ આ જ પ્રક્રિયાથી પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાનમાં સતત આવી રહેલા ઉતાર-ચઢાવ અને હીટવેવ જેવી પરિસ્થિતિઓ હિમલિંગ વહેલા પીગળવાનું મુખ્ય કારણ બની રહી છે. આ જ કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી હિમલિંગ પહેલાની સરખામણીએ ખૂબ જ ઓછા સમય માટે જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કુદરતી હિમલિંગ કોઈ મૂર્તિની જેમ બનાવવામાં આવતું નથી, પરંતુ તે સંપૂર્ણપણે એક કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. અમરનાથ ગુફાની છત પરથી સતત ટપકતા પાણીના ટીપાં અત્યંત નીચા તાપમાનમાં જામીને નીચે બરફનો સ્તંભ એટલે કે સ્ટેલેગ્માઈટ બનાવે છે. આ બરફનો સ્તંભ જ શ્રદ્ધાળુઓ માટે બાબા બર્ફાની તરીકે પૂજનીય છે. તેનો આકાર શિવલિંગ જેવો હોય છે અને તેના કારણે જ બાબા અમરનાથ અને બર્ફાની બાબાનું અનોખું મહાત્મ્ય છે. તેનો આકાર દર વર્ષે હવામાન, બરફવર્ષા, તાપમાન અને ગુફાની અંદરની કુદરતી પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. જો તાપમાન સામાન્ય કરતાં વધુ રહે અથવા બરફવર્ષા ઓછી થાય, તો હિમલિંગ ઝડપથી પીગળવા લાગે છે.

માણસોની વધતી સંખ્યા અને અંધાધૂંધ વિકાસે હિમાલયની ઈકોસિસ્ટમ ખરાબ કરી
અમરનાથ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગુફા સુધી પહોંચે છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાથી ગુફાની અંદર માનવ શરીરની ગરમી, લાઈટની વ્યવસ્થા, આસપાસની ગતિવિધિઓ અને સતત અવરજવરની અસર પણ કુદરતી તાપમાન પર પડે છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે અતિશય ભીડ અને પ્રવાસન સંબંધી પ્રવૃત્તિઓ ગુફાની અત્યંત નાજુક ઇકોસિસ્ટમ પર વધારાનું દબાણ લાવે છે. આ સિવાય વીજળીની વ્યવસ્થા, રોશની, જનરેટર, હેલિકોપ્ટર સેવાઓ, રસ્તાનું નિર્માણઅને અન્ય સુવિધાઓ પણ આસપાસના પર્યાવરણ પર અસર કરે છે.
અમરનાથ યાત્રામાં લાખો લોકો જતા હોય છે. તેમના રહેવા માટેના ટેન્ટ, તેમની વ્યવસ્થાઓ દરમિયાન તેમના દ્વારા ઠાલવવામાં આવતો કચરો મોટાભાગે આસપાસ ગંદકકી ફેલાવતો હોય છે. આ પ્રદુષણ પણ અહીંયાના વાતાવરણને હવે અસર કરી રહ્યું છે. જો કે વૈજ્ઞાનિકો માને છે કે આ તમામ કારણોની સરખામણીમાં ક્લાઈમેટ ચેન્જ ક્યાંય વધુ ગંભીર પરિબળ છે. તેમ છતાં, પર્યાવરણવાદીઓ સતત સૂચન કરી રહ્યા છે કે યાત્રાનું સંચાલન એવું હોવું જોઈએ જેથી શ્રદ્ધાળુઓની આસ્થા પણ જળવાઈ રહે અને ગુફાની કુદરતી ઇકોસિસ્ટમ પર બિનજરૂરી દબાણ પણ ન પડે. જો કે, નિષ્ણાતો એ પણ સ્પષ્ટ કરે છે કે માત્ર ભીડને જ જવાબદાર ઠેરવી શકાય નહીં, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા હવામાનની ભૂમિકા આના કરતાં ક્યાંય વધુ મોટી માનવામાં આવે છે.

ક્લાઈમેટ ચેન્જ અને માનવ પ્રવૃત્તિ કાબૂમાં આવે તો સ્થિતિ સુધરી શકે
જાણકારોનું સ્પષ્ટ માનવું છે કે અમરનાથ ગુફા માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ હિમાલયની અત્યંત સંવેદનશીલ ઇકોસિસ્ટમનો એક ભાગ પણ છે.
તેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓથી બચવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ, પર્યાવરણ સંરક્ષણ અને યાત્રા વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. જો ગ્લોબલ વોર્મિંગની ઝડપ આ જ રીતે વધતી રહેશે અને હિમાલયના વિસ્તારોમાં તાપમાન સતત ઉપર જશે, તો માત્ર બાબા બર્ફાની જ નહીં, પરંતુ સમગ્ર હિમાલયના ગ્લેશિયર્સ પર પણ ગંભીર સંકટ આવી શકે છે. આ જ કારણ છે કે પર્યાવરણ નિષ્ણાતો આને માત્ર ધાર્મિક વિષય નહીં, પરંતુ હવામાન પરિવર્તનની ગંભીર ચેતવણી તરીકે જોઈ રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે હિમલિંગને કૃત્રિમ રીતે સાચવવાને બદલે કુદરતી પરિસ્થિતિઓને વધુ સારી રાખવી વધુ મહત્વપૂર્ણ છે.
આ માટે હિમાલયના પર્યાવરણની સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને યાત્રા દરમિયાન પર્યાવરણ-અનુકૂળ વ્યવસ્થાપન જરૂરી છે. જો હવામાન પરિવર્તનની ગતિ ધીમી થાય અને સંવેદનશીલ વિસ્તારોમાં માનવીય દબાણ નિયંત્રિત રહે, તો ભવિષ્યમાં હિમલિંગ વધુ સમય સુધી ટકી રહેવાની શક્યતા વધી શકે છે.