News Focus

એઆઈથી વિશ્વમાં આર્થિક, સામાજિક, ભૌગોલિક અસમાનતા વધશે

By GS Team
4 Jul 20268 mins read
TukuTouch Logo
યુએનના રિપોર્ટ મુજબ, AI ક્ષેત્રે અમેરિકા-ચીનના દબદબાથી વિશ્વમાં અસમાનતા વધશે. ગરીબ દેશો AIના અભાવે વધુ ગરીબ બનશે, તેમનો વિકાસ રુંધાશે અને ચૂંટણીઓમાં દુરુપયોગનો ભય છે. આથી, યુએન વૈશ્વિક સ્તરે AIના સુરક્ષિત અને સમાન વિકાસ માટે માળખું રચવાની અપીલ કરે છે, જેથી ડિજિટલ સરમુખત્યારશાહી ટાળી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈથી વિશ્વમાં આર્થિક, સામાજિક, ભૌગોલિક અસમાનતા વધશે

અમેરિકા-ચીનના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં દબદબાથી અન્ય દેશો ઉપર પણ ભય તોળાઈ રહ્યો હોવાનો યુએનના રિપોર્ટમાં દાવો
એઆઈના ઉપયોગથી ધનિકો વધારે ધનિક અને ગરીબો વધારે ગરીબ થઈ જશે. તે ઉપરાંત ગરીબ દેશોને અન્ય ઉપર આધાર રાખવો પડતો હોવાથી તેનો વિકાસ પણ રૃંધાશે. તે સિવાય આવા દેશોમાં ચૂંટણીમાં એઆઈનો ભરપૂર દૂરુપયોગ થવાની પણ શક્યતાઓ રહેલી છે : આજે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ એઆઈના વિકાસમાં, તેના એક્સેસમાં અને ઉપયોગમાં નબળા અને અભાવમાં રહેતા ગ્લોબલ સાઉથના દેશો છે. બીજી તરફ અબજોનું રોકાણ કરીને અત્યાધુનિક પ્લેટફોર્મ વિકસાવીને તેનો બેફામ ઉપયોગ કરનારા વિકસિત દેશો ગ્લોબલ નોર્થમાં આવી ગયા છે : ગરીબ અને નાના દેશો માટે આમ કરવું શક્ય નથી. તેમની પાસે પૂરતા નાણાં નથી અને સંસાધનોનો પણ અભાવ છે. આ સંજોગોમાં ગરીબ અને નાના દેશોએ મોટા અને વિકસિત દેશોની સેવાઓ ઉપર જ આધાર રાખવો પડશે. ચીન અને અમેરિકા ગમે ત્યારે આ ટેકનોલોજી મારફતે નાના દેશોને ગુલામ બનાવી શકે તે શક્યતાઓને નકારી શકાય નહીં
દુનિયાભરમાં આજે ચારેકોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે. ચારે તરફ એઆઈ શીખવા, તેનો ઉપયોગ કરવા, તેનાથી આગળ વધવાની હોડ જામી છે. એજ્યુકેશન હોય કે ઈન્ડસ્ટ્રી કે પછી ડિફેન્સ હોય કે એવિયેશન અથવા તો સ્પેસ ટેકનોલોજી તમામ ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે. આ એઆઈના વધતા જતા ઉપયોગ સામે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલે લાલ બત્તી ધરી છે. યુએનના તાજેતરમાં આવેલા એક અહેવાલે જણાવ્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના અવિચારી અને અધધ ઉપયોગના પગલે વૈશ્વિક સ્તરે આર્થિક, સામાજિક, ભૌગોલિક અસમાનતાઓ ઝડપથી વધી રહી છે.
યુએનનો દાવો છે કે, એઆઈ સેક્ટરમાં અમેરિકા અને ચીનનો દબદબો છે. તે બંને પાસે અત્યાધુનિક એઆઈ ક્ષમતાઓ છે અને બીજી તરફ ગરીબ દેશો પાસે પૂરતું માળખું પણ નથી. તેના કારણે સ્થિતિ એવી થઈ છે કે, એઆઈના ઉપયોગથી ધનિકો વધારે ધનિક અને ગરીબો વધારે ગરીબ થઈ જશે. તે ઉપરાંત ગરીબ દેશોને અન્ય ઉપર આધાર રાખવો પડતો હોવાથી તેનો વિકાસ પણ રૃંધાશે. તે સિવાય આવા દેશોમાં ચૂંટણીમાં એઆઈનો ભરપૂર દૂરુપયોગ થવાની પણ શક્યતાઓ રહેલી છે. યુએન દ્વારા વૈશ્વિક સ્તરે એઆઈના સુરક્ષિત અને સમાન વિકાસ તથા ઉપયોગ માટે એક સંયુક્ત માળખું રચવાની અપિલ કરવામાં આવી છે પણ લાગતું નથી કે અમેરિકા અને ચીન જેવી માથાભારે મહાસત્તાઓ યુએનની વાત કાને પણ ધરે. એઆઈમાં રોકાણ પણ એ હદે વધ્યું છે કે તેનો લાભ માત્ર ધનિક દેશોને જ મળી રહ્યો છે અને ગરીબ દેશો આ ટ્રેન્ડથી દૂર ફેંકાઈ રહ્યા છે અને વધુ ગરીબ થઈ રહ્યા છે. ત્યાંની પ્રજાને તેનો લાભ મળતો નથી.
યુએન દ્વારા સૌથી મોટી ચિંતા એ વ્યક્ત કરવામાં આવી છે કે, એઆઈ ટુલ્સ સુધી વિશ્વમાં દરેક વ્યક્તિની પહોંચ નથી. તેના કારણે અસમાનતા સર્જાઈ રહી છે. બીજી તરફ વિદેશી પ્લેટફોર્મ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જ મોટાભાગના દેશોને આધાર રાખવો પડે છે અને તેના કારણે ભવિષ્યમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે. જે દેશો ડેટા સેન્ટરો માટે કે ક્લાઉડ સ્ટોરેજ માટે અન્ય દેશો ઉપર આધારિત છે તેમને ભવિષ્યમાં ડેટા ચોરીનું કે ડેટા લોસ્ટનું અથવા તો વિવાદ થવાથી ડેટા બેન થવાનું પણ જોખમ રહેલું છે. હાલમાં દેશો એકબીજા ઉપર હુમલા કરે છે પણ ભવિષ્યમાં એઆઈની મદદથી એકબીજાની સિસ્ટમ હેક કરવી કે સિસ્ટમ ક્રેશ કરવી કે ડેટા ચોરી જવો અથવા લોસ્ટ કરી દેવો જોવા સાઈબર હુમલા કરશે અને સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાઈ જશે.
નાના દેશો કે ગરીબ દેશો વિદેશી એઆઈ ટુલ્સ અને પ્લેટફોર્મ કે પછી ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ડેટા સેન્ટરોની સેવાઓ મેળવી લે છે પણ તેની સુરક્ષા અંગે કોઈ સ્થાનિક ધારાધોરણો હોતી નથી તેથી તેના ઉપરનો કન્ટ્રોલ પણ તેમની પાસે હોતો નથી. તેઓ માત્ર યૂઝર તરીકે જ તેનો ઉપયોગ કરી શકે છે. વિદેશી કંપનીઓ ઈચ્છે તેવી ફી વસુલી શકે, ઈચ્છે તેવા નિયમો રાખી શકે અને ઘણી વખત ડેટા ચોરાવાની પણ શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત વિદેશી એઆઈને તેના હોસ્ટ કન્ટ્રી મુજબ ડિઝાઈન કરવામાં આવે છે તેથી યૂઝરને તેની સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે કે સામાજિક, આર્થિક કે ભૌગોલિક માળખા પ્રમાણે પરિણામો મળતા નથી. આવા એઆઈમાં લોકલ ફિટની બહુ મોટી સમસ્યા છે. તેમાં પણ ડેટાચોરીનું મોટું જોખમ રહેલું છે.
જાણકારોના મતે એઆઈના ઉપયોગમાં વધારો થયો છે તેના કારણે વિશ્વ હવે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ મુદ્દે દુનિયા ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. આજે વિશ્વમાં દરરોજ એક અબજથી વધારે લોકો એઆઈનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગની પદ્ધતિ અને એઆઈ ટૂલ્સના એક્સેસની વાત આવે ત્યારે સ્થિતિ ખૂબ જ ભિન્ન થઈ જાય છે. અહેવાલો પ્રમાણે એઆઈના ઉપયોગમાં હાલમાં દુનિયાના બે ભાગ થઈ ગયા છે. એક તરફ એઆઈના વિકાસમાં, તેના એક્સેસમાં અને ઉપયોગમાં નબળા અને અભાવમાં રહેતા ગ્લોબલ સાઉથના દેશો છે. બીજી તરફ અબજોનું રોકાણ કરીને અત્યાધુનિક પ્લેટફોર્મ વિકસાવીને તેનો બેફામ ઉપયોગ કરનારા વિકસિત દેશો ગ્લોબલ નોર્થમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ નોર્થના દેશો પાસે અખૂટ સંપત્તી છે, માળખું છે, વ્યવસ્થાઓ છે અને તેના કારણે તેઓ એઆઈનો ઈચ્છે તેવો વિકાસ અને ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ ગ્લોબલ સાઉથના દેશોને આ વિકસિત દેશો તરફથી જે સેવાઓ મળે છે તેનો ઉપયોગ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. એઆઈના વધતા ચલણને પગલે દુનિયામાં ડિજિટલ ડિવાઈડની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગરીબ દેશોના પ્રતિભાશાળી લોકોને આર્થિક, સામાજિક, માળખાકિય અભાવને પગલે પૂરતા અવસરો મળતા નથી અને તેઓ આ હોડમાં પાછળ રહી જાય છે. જાણકારો માને છે કે, જો વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ બંને ધુ્રવો વચ્ચેના અંતરને સમયસર ઘટાડવામાં નહીં આવે તો વૈશ્વિક સ્તરે ભયાનક અસમાનતા સર્જાશે.
બીજી ચિંતા એવી પણ છે કે, વિકસિત દેશોને બાદ કરતા દુનિયાના મોટાભાગના દેશો પાસે એઆઈના ટેકનિકલ ખતરા અને જોખમોને સમજવાની ટેકનોલોજી અને સમજ નથી. આજે ઘણા દેશોએ ઉત્સાહમાં આવીને સરકાર ચલાવવાથી માંડીને તમામ સિસ્ટમમાં એઆઈનો ઉપયોગ વધારી દીધો છે. તેને કન્ટ્રોલ કરવા અને તેને વિવિધ સાઈબર એટેકથી બચાવવાની ટેકનોલોજી હજી આ દેશો પાસે એડવાન્સ લેવલે વિકસી નથી.
તેની ટેકનિકલ એબિલિટીનો પણ અભાવ છે. એઆઈ મોડલ્સના ઉપયોગમાં તેના જોખમોનું એનાલિસિસ કરવા માટે હાઈ લેવલ ટેકનિકલ ટેલેન્જ જોઈએ જે હાલમાં ગણતરીના દેશો પાસે જ ઉપલબ્ધ છે. આ સિવાય એક સમસ્યા એવી પણ છે કે, દુનિયાના દરેક દેશમાં કે ખૂણામાં એઆઈની સેવાઓ મળતી પણ નથી. તેમાં સૌથી મોટો અવરોધ ભાષા અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો આવે છે. શક્તિશાળી એઆઈ મોડલ્સ અંગ્રેજી ભાષામાં જ સજ્જ છે અને દુનિયાના ઘણા દેશોના લોકોને અંગ્રેજી આવડતી જ નથી. બીજી તરફ એઆઈ અન્ય ભાષાઓ શીખવામાં કે કામ કરવામાં હજુ પ્રાથમિક તબક્કે છે. તેથી લોકોની જરૂરિયાતો પૂરી થતી નથી.
બીજું એવું છે કે, આ એઆઈ ટેકનોલોજી ચલાવવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને માળખું ઊભું કરવું પડે છે. ગરીબ અને નાના દેશો માટે આમ કરવું શક્ય નથી. તેમની પાસે પૂરતા નાણાં નથી અને સંસાધનોનો પણ અભાવ છે. આ સંજોગોમાં ગરીબ અને નાના દેશોએ મોટા અને વિકસિત દેશોની સેવાઓ ઉપર જ આધાર રાખવો પડશે. તેઓ ગમે ત્યારે આ ટેકનોલોજી મારફતે તેને ગુલામ બનાવી શકે તે શક્યતાઓને નકારી શકાય નહીં.

એઆઈના ડેટા સેન્ટરોથી પર્યાવરણને ભારે નુકસાન થવાની પણ શક્યતાઓ
એઆઈના ઉપયોગથી લોકોના નોલેજમાં વધારો થવાનો ફાયદો છે પણ બીજી તરફ તેના ડેટા પ્રોસેસ અને સ્ટોરેજ માટે જે ડેટા સેન્ટરો કાર્યરત છે તેના કારણે પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તેનો અંદાજ આપણને નથી. તેમાંય ભવિષ્યની વાત કરીએ તો તેનો અધધ ઉપયોગ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં ડેટા સેન્ટરોના કારણે પર્યાવરણને ભયાનક નુકસાન થઈ શકે છે. હાલમાં ડેટા સેન્ટરો ચલાવવા માટે વ્યાપક પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે. આ ઉપરાંત આ વિશાળ સર્વરો અને ડેટા સ્ટોરેજને ઠંડા રાખવા માટે દરરોજ કરોડો લીટર પાણીનો ઉપયોગ થાય છે. તેના કુલિંગ સિસ્ટમ ચલાવવામાં પાણીના વપરાશ ઉપરાંત જે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે તેનાથી ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધુ વકરી રહ્યો છે. દુનિયા અત્યારે જ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના ભય હેઠળ જીવી રહી છે. આવા સંજોગોમાં જો પર્યાવરણની વિપરિત અસરોને દરકિનાર કરીને માત્ર વિકાસ માટે આંધળુકિયા કરવામાં આવશે તો આગામી પેઢીને વર્ચ્યુઅલ સુવિધાઓ તો મળશે પણ વાસ્તવિક ધરતી ઉપર રહેવું તેમના માટે વધારે મુશ્કેલ અને પડકારજનક થઈ જશે. ડેટા સેન્ટરો ચલાવવા કે ઠંડા રાખવા અત્યારથી જ સોલાર અને વિન્ડ એનર્જીના વિકલ્પો ઉપર કામ કરવું પડશે નહીંતર ડેટાની લ્હાયમાં પૃથ્વી પ્રદુષણનો ગોળો બની જશે.

અમેરિકા અને ચીન ડિજિટલ સરમુખત્યારશાહી તરફ વળી જવાનો તોળાતો ખતરો
યુએન દ્વારા સૌથી મોટી ચિંતા અમેરિકા અને ચીન માટે વ્યક્ત કરવામાં આવે છે. યુએનએ જણાવ્યું કે, હાલમાં અમેરિકા અને ચીન બંને દેશો એવા છે જે વિશ્વના સૌથી શક્તિશાળી એઆઈ મોડલ્સ બનાવી રહ્યા છે. ક્લાઉડ કમ્પ્યૂટિંગ હોય કે, ડેટા સેન્ટરો કે ઈન્ટરનેટ આ તમામ સ્તરે બંને દેશો પાસે અત્યાધુનિક વ્યવસ્થા અને માળખા છે. એઆઈને ચાલવવા જે નેટર્વક, પાવરફુલ હાર્ડવેર કે મેમરી સ્ટોરેજની જરૂર પડે છે તે બધું જ આ બંને દેશો ધરાવે છે. આ બંને દેશોની જ મોટી મોટી એઆઈ કંપનીઓ દ્વારા વિશ્વભરમાં એઆઈની સુવિધાઓ આપવામાં આવે છે. ભવિષ્યમાં ચીન અને અમેરિકા જેવા દેશો અને તેની ગણતરીની કંપનીઓ પાસે જ વૈશ્વિક એઆઈનું સુકાન હોય તો તેઓ ડિજિટલ સરમુખત્યારશાહી તરફ વળી જાય તેવી પણ શક્યતાઓને નકારી શકાય નહીં. હાલમાં તેઓ ભૌગોલિક સામ્રાજ્યવાદ વકરાવી રહ્યા છે તો ભવિષ્યમાં તેઓ ડિજિટલ પ્લેટફોર્મમાં પણ પોતાનું એકહથ્થુ શાસન રહે તે માટે ડિજિટલ સરમુખત્યારશાહીનો ઉપયગો કરી શકે છે.
આ ઉપરાંત તેઓ એઆઈ દ્વારા અન્ય દેશોના કે દુશ્મન દેશોના લોકોની માનસિકતાને ઝડપથી ફેરવી શકે છે. લોકોની વિચારસરણી ઉપર એઆઈની અસર થવા લાગે તો વ્યાપક નુકસાન અને અરાજકતા ફેલાવી શકાય છે. સમગ્ર વિશ્વ માટે આ જોખમ બની શકે તેમ લાગી રહ્યું છે.