એજિંગ ઈન્ડિયા : વિકસિત થતાં પહેલાં જ 'વૃદ્ધ' થઈ જશે ભારત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સંયુક્ત રાષ્ટ્રના 'ઇન્ડિયા એજિંગ રિપોર્ટ-૨૦૨૩' મુજબ, વર્ષ ૨૦૨૨માં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ૧૪.૯ કરોડ હતી, જે ૨૦૫૦ સુધીમાં વધીને ૩૪.૭ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. એટલે કે પચીસ વર્ષ પછી દર પાંચમાંથી એક ભારતીય વૃદ્ધ હશે ઃ દક્ષિણ અને પશ્ચિમના ઘણા રાજ્યો ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં યુવા વસતી સતત વધી રહી છે. દક્ષિણમાં કુલ પ્રજનન દર ઘણી જગ્યાએ ૧.૪ થી ૧.૫ આસપાસ પહોંચી ગયો છે, જે વસતીના રિપ્લેસમેન્ટ સ્તર ૨.૧ કરતાં ઘણો ઓછો છે. કેરળમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનો હિસ્સો લગભગ ૨૦ ટકા સુધી પહોંચી ગયો છે ઃ બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની વસતી હજુ પણ ઘણી યુવાન છે. બિહારની સરેરાશ ઉંમર ૨૩ વર્ષથી પણ ઓછી હોવાનું કહેવાય છે. અહીં પ્રજનન દર પણ દક્ષિણના રાજ્યો કરતાં ઘણો વધારે છે.
વિશ્વના વિકસિત અર્થતંત્રોમાં સ્થાન પામેલા અને અદ્યતન સ્વાસ્થ્ય-તબીબી સેવાઓના માળખા પર ઊભેલા જાપાનના પગ વૃદ્ધાવસ્થાને કારણે હવે લથડી રહ્યા છે. જન્મદર સતત ઘટવાને કારણે કામ કરતી યુવા વસતી ઘટી રહી છે, જેના પરિણામે વિવિધ ક્ષેત્રોમાં કામદારોની અછતની સમસ્યા સર્જાવા લાગી છે. આ વાત તો માત્ર જાપાનની થઈ પણ દુનિયાની સૌથી મોટી લોકશાહી પણ નજીકના ભવિષ્યમાં આ જ સ્થિતિમાં આવવાની છે. આશરે ૧૪૦ કરોડની વસતી ધરાવતા ભારતમાં હાલ વિશ્વની સૌથી મોટી યુવા વસતી છે, જે કુલ વસતીના આશરે ૬૫ ટકા છે. તાજેતરના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ, ભારતમાં ૧૫થી ૧૬ ટકા કમાણી કરવા યોગ્ય યુવા વસતી પાસે રોજગાર નથી. એટલે કે હાલના સમયે પણ દેશની ૩૬.૭ કરોડ યુવા વસતી અર્થતંત્રમાં સક્રિય યોગદાન આપવા માટે તૈયાર છે, પરંતુ વિડંબના એ છે કે અહીં દરેક માટે કામ ઉપલબ્ધ નથી. હાલ દેશમાં દોઢથી અઢી કરોડ યુવાનો બેરોજગાર છે અને તેમાં પણ શિક્ષિત યુવાનોની સંખ્યા વધુ છે.
આવા સંજોગોમાં એ સવાલ ચિંતા વધારે છે કે પચીસથી ત્રીસ વર્ષ પછીની સ્થિતિ કેવી હશે? સંયુક્ત રાષ્ટ્રના 'ઇન્ડિયા એજિંગ રિપોર્ટ-૨૦૨૩' મુજબ, વર્ષ ૨૦૨૨માં ૬૦ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ૧૪.૯ કરોડ હતી, જે ૨૦૫૦ સુધીમાં વધીને ૩૪.૭ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. એટલે કે પચીસ વર્ષ પછી દર પાંચમાંથી એક ભારતીય વૃદ્ધ હશે. સ્પષ્ટ છે કે વિકસિત અર્થતંત્રના તબક્કે પહોંચતા પહેલાં જ ભારતની ગણતરી વૃદ્ધ દેશોમાં થવા લાગશે.
કેન્દ્ર સરકાર બજેટનો આશરે ૧૮ ટકા હિસ્સો આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણ પર ખર્ચે છે. આમાંથી વૃદ્ધો સંબંધિત યોજનાઓના હિસ્સે માત્ર ૦.૧૫થી ૦.૨૦ ટકા રકમ જ આવે છે. સરકારી તિજોરીમાંથી ૬,૬૪૫ કરોડ વૃદ્ધાવસ્થા પેન્શન પર ખર્ચાય છે, જે ગરીબી રેખા નીચે જીવતા લોકોને આપવામાં આવે છે. આ રકમ દેખાવમાં ભલે મોટી લાગે, પરંતુ કેન્દ્ર તરફથી વ્યક્તિદીઠ વૃદ્ધ પેન્શન પેટે ૨૦૦ થી ૫૦૦ની નજીવી સહાય જ મળે છે, જેમાં રાજ્યો પોતાના બજેટનો મોટો હિસ્સો ઉમેરીને તેને ૨,૦૦૦ થી ૩,૦૦૦ સુધી નક્કી કરે છે.
બીજી એક રસપ્રદ બાબત એ છે કે દેશનો મધ્યમ વર્ગ અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે સૌથી વધુ કરવેરાનો બોજ ઉઠાવે છે. પગારદાર અને વેપારી મધ્યમ વર્ગ પોતાની કુલ આવકનો આશરે ૨૦થી ૪૫ ટકા હિસ્સો વિવિધ પ્રકારના ટેક્સ તરીકે ચૂકવે છે. તેમ છતાં આ વર્ગને સીધી રીતે સરકાર તરફથી કોઈ સામાજિક સુરક્ષા કે નિશ્ચિત વૃદ્ધાવસ્થા પેન્શન મળતું નથી. આ વર્ગ સરકારી માપદંડો મુજબ મજબૂર, ગરીબ કે નીચલા વર્ગમાં આવતો ન હોવાથી તેને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સહારો પણ મળતો નથી. એટલે કે તેણે પોતાના વર્તમાન અને ભવિષ્યની ચિંતા જાતે જ કરવી પડે છે.
હવે પ્રશ્ન એ છે કે આ અસુરક્ષાનું દબાણ શું આવનારા વર્ષોમાં અર્થતંત્ર પર નહીં પડે? દેશમાં પ્રજનન દર ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે તે પણ એક મોટી સમસ્યા છે, કારણ કે કામકાજી યુવા પેઢીમાં બાળકો પેદા ન કરવાની અથવા માત્ર એક બાળક સુધી મર્યાદિત રહેવાની વૃત્તિ વધી રહી છે. સરકારી આંકડા મુજબ, હાલ દેશમાં કુલ પ્રજનન દર ૧.૯ છે, જે વસતીના સ્થિર સંતુલનના જરૂરી આંકડા ૨.૧ કરતાં ઓછો છે.
પ્રજનન દરમાં ઘટાડાની શરૂઆત ૧૯૭૦ના દાયકાના મધ્યથી થઈ ગઈ હતી, જેમાં સૌથી વધુ ઝડપ ૧૯૯૦થી ૨૦૦૦ વચ્ચે નોંધાઈ હતી. જે પ્રજનન દર વર્ષ ૧૯૯૧માં ૩.૬ ટકા હતો, તે ૨૦૦૧ આવતા સુધીમાં ૩.૧ ટકા રહી ગયો. વર્ષ ૨૦૦૧થી અત્યાર સુધીમાં પ્રજનન દરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં પ્રજનન દર ઇતિહાસના સૌથી નીચલા સ્તરે છે. એટલે કે વર્ષ ૧૯૭૦માં સરેરાશ એક મહિલાને પાંચ કરતાં વધુ બાળકો હતાં, જ્યારે હાલ આ સરેરાશ બે બાળકો કરતાં પણ ઓછી થઈ ગઈ છે. જોકે આઝાદીના સમયે પ્રજનન દર તેના ઉચ્ચતમ સ્તર ૬.૧૮ પર હતો. હાલમાં વસતી વધવાનો દર ઘટયો છે છતાં ૧૦૦ કરોડ યુવાનોની વસતી છે જેમને કામની જરૂર છે. આટલી મોટી વસતી જો પર્યાપ્ત રોજગારી અને યોગ્ય કૌશલ્ય મેળવી લે તો તે ભારતની અર્થવ્યવસ્થા માટે મોટું એન્જિન બની શકે છે. મેન્યુફેક્ચરિંગ, સેવા ક્ષેત્ર અને સ્થાનિક વપરાશ-આ ત્રણેયને તેનો લાભ મળી શકે છે. પરંતુ અહીં એક મુશ્કેલી છે. માત્ર યુવા વસતી હોવી એ આર્થિક વિકાસની ગેરંટી નથી. આ વસતી પાસે કામ હોવું જોઈએ. તેમની પાસે જરૂરી કૌશલ્ય હોવું જોઈએ. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમની પ્રોડક્ટિવિટી ઊંચી હોવી જોઈએ. અહીંથી જ ભારતનો અસલી પડકાર શરૂ થાય છે.
ભારતની વસતી વિષયક સ્થિતિ એકસમાન નથી. દેશને મોટા પાયે બે ભાગમાં જોઈ શકાય છે. દક્ષિણ અને પશ્ચિમના ઘણા રાજ્યો ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છે. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં યુવા વસતી સતત વધી રહી છે. કેરળ અને તમિલનાડુ તેનું મોટું ઉદાહરણ છે. આ રાજ્યોમાં પ્રજનન દર ઘણો નીચે આવી ગયો છે. કુલ પ્રજનન દર ઘણી જગ્યાએ ૧.૪ થી ૧.૫ આસપાસ પહોંચી ગયો છે, જે વસતીના રિપ્લેસમેન્ટ સ્તર ૨.૧ કરતાં ઘણો ઓછો છે. કેરળમાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનો હિસ્સો લગભગ ૨૦ ટકા સુધી પહોંચી ગયો છે.
તેનો સીધો અર્થ એ છે કે દક્ષિણના રાજ્યો માટે હવે વધતી વસતી પડકાર નથી, પરંતુ વૃદ્ધ વસતી પડકાર છે. શાળાએ જતા બાળકોની સંખ્યા ઘટશે. કામકાજની ઉંમરના યુવાનોની સંખ્યા પણ ધીમે-ધીમે ઘટશે અને ઉદ્યોગોને કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ દક્ષિણની સરખામણીમાં ઉત્તર ભારતનું ચિત્ર સાવ અલગ છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની વસતી હજુ પણ ઘણી યુવાન છે. બિહારની સરેરાશ ઉંમર ૨૩ વર્ષથી પણ ઓછી હોવાનું કહેવાય છે. અહીં પ્રજનન દર પણ દક્ષિણના રાજ્યો કરતાં ઘણો વધારે છે. આ જ કારણ છે કે આવનારા દાયકાઓમાં ભારતની કામકાજી વસતીનો મોટો હિસ્સો ઉત્તર ભારતમાંથી આવશે. પરંતુ આ તાકાત ત્યારે જ આર્થિક તાકાત બનશે જ્યારે આ યુવાનો માટે પૂરતી રોજગારી ઉપલબ્ધ થશે. અહીં જ ભારત સામે એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે. દક્ષિણના ઔદ્યોગિક રાજ્યોને ભવિષ્યમાં વધુ શ્રમિકોની જરૂર પડશે, જ્યારે ઉત્તર ભારતમાં તે જ સમયે મોટી સંખ્યામાં યુવાનો રોજગારીની શોધમાં હશે. એટલે કે એક તરફ રોજગાર હશે અને બીજી તરફ રોજગાર શોધતા લોકો. ભારતે આ બંનેને જોડવા પડશે.
- બે દાયકામાં ભારતે પગલા ન લીધા તો ૨૦૪૧ પછી રમત બદલાઈ જશે
ભારતનો આ વસતીવિષયક લાભ હંમેશા રહેવાનો નથી. અંદાજ મુજબ ૨૦૪૧ની આસપાસ વૃદ્ધ વસતી વધવા લાગશે.
એટલે કે કામ કરતા લોકોની સરખામણીમાં આશ્રિત વસતીનું પ્રમાણ ફરી વધવા માંડશે. આ દ્રષ્ટિએ ભારત પાસે લગભગ દોઢથી બે દાયકાનો મહત્વપૂર્ણ સમય છે. એટલે કે લગભગ ૨૦૪૧ સુધીમાં દેશે પોતાની યુવા વસતીને ઉત્પાદક શક્તિમાં પરિવર્તિત કરવી પડશે. જો આ કામ નહીં થાય, તો જે યુવા વસતી આજે શક્તિ દેખાઈ રહી છે, તે જ આવનારા સમયમાં રોજગારી અને સામાજિક સુરક્ષાનું દબાણ વધારી શકે છે. જો આ લગભગ બે દાયકામાં આપણે આપણી જાતને મજબૂત નહીં બનાવી શકીએ, તો ભારતના હાથમાંથી એક વિકસિત દેશ બનવાની તક સરકી શકે છે.
ભારતનો ડેમોગ્રાફિક પડકાર માત્ર ઉત્તર અને દક્ષિણ પૂરતો સીમિત નથી. મહત્ત્વની વાત એ છે કે, બીજો એક મોટો તફાવત મહિલાઓ અને પુરુષો વચ્ચેનો છે. ભારતની કામકાજી વસતીમાં મહિલાઓની ભાગીદારી હજુ પણ ઘણી ઓછી છે. ઉપલબ્ધ આંકડા મુજબ મહિલા શ્રમબળ ભાગીદારી લગભગ ૩૩ ટકાની આસપાસ છે.
શહેરી વિસ્તારોમાં સ્થિતિ વધુ નબળી છે, જ્યાં શહેરોમાં મહિલાઓની શ્રમબળ ભાગીદારી લગભગ ૨૫ ટકા આસપાસ છે. તેની સરખામણીમાં પુરુષોની ભાગીદારી ૭૫ ટકાથી વધુ છે. આનો અર્થ એ છે કે ભારત પોતાની અડધી વસતીની આર્થિક ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકતું નથી. - દેશની અંદર વિકસિત રાજ્યોમાં નવા શ્રમ બજારોનો વિકાસ થશે
તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં ઉદ્યોગોનો મોટો આધાર છે.
અહીં કારખાનાઓ છે, બાંધકામ ક્ષેત્ર છે, પરિવહન અને લોજિસ્ટિક્સનું મોટું નેટવર્ક છે અને સેવા ક્ષેત્ર પણ ઝડપથી વધી રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો કામની શોધમાં છે. આ અંતરને દૂર કરવાનો સૌથી સીધો રસ્તો સ્થળાંતર હોઈ શકે છે. પરંતુ માત્ર લોકોનું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું પૂરતું નહીં હોય. તેમને કૌશલ્ય પણ આપવું પડશે, સલામત આવાસ આપવું પડશે, બહેતર પરિવહન, આરોગ્ય અને સામાજિક સુરક્ષાની સુવિધા આપવી પડશે. જો કોઈ યુવાન બિહાર કે ઉત્તર પ્રદેશથી તમિલનાડુ કે મહારાષ્ટ્રમાં કામ કરવા જાય છે, તો તેના માટે માત્ર નોકરી પૂરી પાડવી પૂરતી નથી; તેને એવું વાતાવરણ પણ મળવું જોઈએ જ્યાં તે સન્માન અને સુરક્ષા સાથે કામ કરી શકે.









