નવસારીના પેરા ગામે ભારે વરસાદને કારણે 15 વર્ષ જૂનું સરકારી આવાસ તૂટી પડ્યું, દટાયેલાં 8 લોકોમાંથી 3 ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navsari House Collapse: નવસારી તાલુકાના પેરા ગામે જૂની સોસાયટી ફળિયામાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે 15 વર્ષ જૂનું સરકારી આવાસ મકાન ધડાકાભેર તૂટીને જમીનદોસ્ત થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. મકાનના કાટમાળમાં દટાયેલા પરિવારના 8 સભ્યોને ગ્રામજનોએ તાત્કાલિક બહાર કાઢ્યા હતા. શ્રમજીવી મહેશભાઈ ભીખાભાઈ રાઠોડનો પરિવાર મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે.
પાંચ પરિવારજનોનો ચમત્કારિક બચાવ
આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મહેશભાઈના માતા કાંતાબેન ભીખાભાઈ રાઠોડ (ઉ.વ. 67, પગમાં ફેક્ચર), પત્ની કવિતાબેન મહેશભાઈ રાઠોડ (ઉ.વ. 33, કમરમાં ફેક્ચર) અને બહેન વસુબેન ભીખાભાઈ રાઠોડ (ઉ.વ. 42, માથામાં ઈજા)ને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મહેશભાઈ રાઠોડ સહિત પાંચ પરિવારજનોનો ચમત્કારિક બચાવ થયો હતો.
મરામત કે રિનોવેશનનું કામ ન કરવામાં આવતા લોકોમાં રોષ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસામાં સરકારી આવાસના મકાનો તૂટી પડવાથી જાનમાલ અને મિલકતને વ્યાપક નુકસાન થતું હોય છે. સરકાર દ્વારા વર્ષો જૂના જર્જરિત સરકારી આવાસોની મરામત કે રિનોવેશનનું કામ કરવામાં આવતું ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નવસારીના ચિખલી તાલુકામાં સૌથી વધુ 2.48 ઇંચ વરસાદ
આજે શનિવારના રોજ સવારે 6 થી બપોરે 4 વાગ્યા દરમિયાન નવસારી જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેમાં ચિખલી તાલુકામાં સૌથી વધુ 2.48 ઇંચ (63 મિમી) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો, જેમાં ખેરગામ અને નવસારી તાલુકામાં સમાન 1.89 ઇંચ (48 મિમી), વાંસદા તાલુકામાં 1.57 ઇંચ (40 મિમી), જલાલપોર તાલુકામાં 1.38 ઇંચ (35 મિમી) અને ગણદેવી તાલુકામાં 1.30 ઇંચ (33 મિમી) જેટલો વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 2.95 ઇંચ (75 મિમી) અને ઉમરપાડા તાલુકામાં 2.17 ઇંચ (55 મિમી) વરસાદ વરસ્યો હતો, જ્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 2.40 ઇંચ (61 મિમી), ભરૂચ તાલુકામાં 2.24 ઇંચ (57 મિમી) અને અંકલેશ્વર તાલુકામાં 2.13 ઇંચ (54 મિમી), આ સાથે વલસાડના નાનાપોધા તાલુકામાં 2.13 ઇંચ (54 મિમી), ડાંગના વાઘઈ તાલુકામાં 1.54 ઇંચ (39 મિમી) અને તાપીના ડોલવણ તાલુકામાં 1.34 ઇંચ (34 મિમી) વરસાદ નોંધાયો છે.









