India

ટેકનિકલ ભૂલ કહીને છટકી નહીં શકો!, PM મોદીની પોસ્ટ ગાયબ થવા મામલે Metaના અધિકારીઓને દિલ્હીનું તેડું

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીની ફેસબુક પોસ્ટ હટાવવા મામલે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયે મેટાના સિનિયર અધિકારીઓને આગામી 7થી 10 દિવસમાં દિલ્હી ખાતે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સરકાર આ મામલે માત્ર ટેકનિકલ ભૂલની સ્પષ્ટતા સ્વીકારવા તૈયાર નથી. મેટાએ 28 જુલાઈથી નવા પ્રોટોકોલ અમલમાં મૂકી, આવા હાઇ-પ્રોફાઇલ એકાઉન્ટ્સની દેખરેખ વધારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનિકલ ભૂલ કહીને છટકી નહીં શકો!, PM મોદીની પોસ્ટ ગાયબ થવા મામલે Metaના અધિકારીઓને દિલ્હીનું તેડું

Meta Summons India : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટ અસ્થાયી રૂપે દૂર કરવાના મામલે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી મંત્રાલયે(MeitY) મેટા(Meta)ના સિનિયર અધિકારીઓને આગામી 7થી 10 દિવસમાં દિલ્હી ખાતે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સરકાર આ મામલે માત્ર ટેકનિકલ ભૂલની સ્પષ્ટતા સ્વીકારવા તૈયાર નથી અને કંપની પાસેથી નીતિગત તથા ટેકનિકલ સ્તરે વિગતવાર ખુલાસો માગી રહી છે.

સરકારે કેમ લીધા કડક પગલાં?

મંત્રાલયના સચિવ એસ. ક્રિષ્નને જણાવ્યું કે ભારત સરકાર પોતાની ચિંતા સીધી રીતે મેટા સમક્ષ રજૂ કરવા માંગે છે. જોકે મેટાએ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને પ્રારંભિક સ્પષ્ટતા રજૂ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને અપૂરતી ગણાવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને તે માટે કંપની શું કડક પગલાં લઈ રહી છે તેનો પૂરો હિસાબ આપવો પડશે.

કઈ પોસ્ટ પર થયો હતો વિવાદ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જુલાઈના રોજ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે દેશના યુવાનોને સંબોધિત કરતા NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકાર કડક પગલાં લઈ રહી હોવાની ખાતરી આપી હતી. પરંતુ આ પોસ્ટ પર અચાનક અસ્થાયી પ્રતિબંધ આવી ગયો હતો, જેને બાદમાં મેટાએ ટેકનિકલ ખામી ગણાવી હતી.

મેટાએ પ્રોટોકોલમાં કર્યો ફેરફાર

આ ઘટના બાદ મેટાએ સરકારને જાણ કરી છે કે તેમણે 28 જુલાઈથી એક નવો પ્રોટોકોલ અમલમાં મૂક્યો છે. આ નવા નિયમ અંતર્ગત વડાપ્રધાન તેમજ દેશના અન્ય હાઇ-પ્રોફાઇલ એકાઉન્ટ્સ પર પોસ્ટ થતાં કન્ટેન્ટની વધારાની દેખરેખ રાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ભૂલથી પોસ્ટ પર પ્રતિબંધ મૂકાવાની ઘટના અટકી શકે.