India

જેન-ઝીને સજા તો દૂર ધમકાવી પણ ના શકો : જજ ભુયાન

By GS Team
31 Aug 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં દિલ્હી લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને વિદ્યાર્થીઓનો બચાવ કર્યો. તેમણે જણાવ્યું કે, સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને સજા કરવી કે ધમકાવવા તે બંધારણ વિરુદ્ધ છે. અસંમતિ લોકશાહીનો અભિન્ન હિસ્સો છે અને સહિષ્ણુતા બંધારણીય મૂલ્ય છે. સત્તાએ નાગરિકોનો અવાજ સાંભળવો જ પડે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેન-ઝીને સજા તો દૂર ધમકાવી પણ ના શકો : જજ ભુયાન

નવી દિલ્હી : તાજેતરમાં શિક્ષણમાં સુધારાને લઇને યુવાનો દ્વારા આંદોલન ચલાવાઇ રહ્યું છે. એવામાં જેન-ઝીની ભારે ચર્ચા છે ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને વિદ્યાર્થીઓનો બચાવ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને સજા આપવી કે કાર્યવાહી કરવી બંધારણની વિરુદ્ધમાં છે. અસંમતિ રાખવી કે વ્યક્ત કરવી તે લોકશાહીનો અભિન્ન હિસ્સો છે. સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને સજા આપવાની વાત તો દૂર તેમને ધમકાવી પણ ના શકો.

રવિવારે દિલ્હી લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન આપતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને વિદ્યાર્થીઓના બચાવમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સવાલો પૂછવા તે નાગરિકતા, લિબર્ટી અને બંધારણીય જવાબદારીનો અત્યંત મહત્વનો હિસ્સો છે. એવામાં સવાલો પૂછવા કે અલગ અભિપ્રાય કે વિચાર ધરાવવા બદલ વિદ્યાર્થીઓની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવી તે ગેરબંધારણીય છે. સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને ધમકાવી પણ ના શકો.
સુપ્રીમના ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન બંધારણીય લોકશાહીમાં અસંમતિ, સહિષ્ણુતા, વિચારોની સ્વતંત્રતા પર વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ ભુયાને વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં સવાલો પૂછવા એ આજ્ઞાાનું ઉલ્લંઘન ના ગણાય, સવાલો પૂછવા બંધારણીય જવાબદારી છે. એવામાં જો કોઇ વિદ્યાર્થી સત્તા સામે સવાલ પૂછે અથવા અલગ વિચારો ધરાવે તો તેમને ડરાવી ધમકાવી ના શકાય. સજા આપીશું કહીને ધમકાવી ના શકો. આવુ કરવું તે ગેરબંધારણીય અને સત્તાનો દુરુપયોગ ગણાશે. અસંમતિ પ્રત્યે સહિષ્ણુતા રાખવી લોકશાહીનો મહત્વપૂર્ણ ભાગ છે.
જસ્ટિસ ભુયાને વધુમાં કહ્યું હતું કે બંધારણીય લોકશાહીમાં સત્તામાં બેઠેલા લોકોએ નાગરિકોનો અવાજ સાંભળવો પડે, નાગરિકોએ એકબીજાને સાંભળવા પડે, આપણુ શિક્ષણ સહિષ્ણુતા શીખવે છે, આપણુ દર્શનશાસ્ત્ર પણ સહિષ્ણુતાના પાઠ ભણાવે છે. આપણુ બંધારણ પણ તે જ શીખવે છે. સહિષ્ણુતા બંધારણીય મુલ્યો છે. તમામ લોકો એક સરખી ભાષા કે વિચારો વ્યક્ત કરવા લાગે ત્યારે નહીં પણ અલગ અલગ વિચારો અભિવ્યક્ત કરે અને લોકો તેનું સંમાન સાથે સ્વાગત કરે છે ત્યારે લોકશાહી વધુ અર્થપૂર્ણ બની જાય છે. મારી દ્રષ્ટીએ યુનિવર્સિટી એ પ્રથમ સ્થળ હોય છે કે જ્યાં સ્વતંત્ર રીતે વિચારવાની ટેવ પડે છે. વધુમાં ન્યાયાધીશ ભુયાને કહ્યું હતું કે બુદ્ધ અને ગાંધીની ધરતી હોવાને કારણે ભારતમાં અસહિષ્ણુ વિચારધારાને કોઇ જ સ્થાન ના હોવું જોઇએ. આપણું બંધારણ બોલવા, વિચારવા અને અલગ અલગ વિચાર વ્યક્ત કરવાની આઝાદીનું રક્ષણ કરે છે.

  • ઇઝરાયેલની ટીકા બદલ વિદ્યાર્થીઓને કાઢી ના શકો : ટ્રમ્પને જજની ફટકાર
    વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાનાશાહીભર્યા નિર્ણયો સામે અમેરિકાની કોર્ટે મોટો આદેશ જાહેર કર્યો છે. કેલિફોર્નિયાના ફેડરલ જજ નોએલ વાઇઝે કહ્યું છે કે ઇઝરાયેલની ટિકા કરવા બદલ ટ્રમ્પ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાંથી કાઢી ના શકે. જજે ટ્રમ્પની ટિકા કરતા કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અમેરિકાની લોકશાહીનો પાયો છે. આજે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરો છો આવતી કાલે એવા લોકોને નિશાન બનાવશો કે જેની અભિવ્યક્તિ સરકારને પસંદ ના હોય. આ સાથે જ અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયો સહિતના તમામ વિદેશી વિદ્યાર્થીઓની જીત થઇ છે. સ્ટેનફોર્ડ દૈનિક નામના વિદ્યાર્થીઓના સમાચારપત્રમાં ટ્રમ્પ પ્રશાસનના વિદ્યાર્થીઓમાં ડર અંગે લેખ છાપવામાં આવ્યો હતો. આ મામલો કેલિફોર્નિયાના ફેડરલ જજ સમક્ષ પહોંચ્યો હતો જેમાં તેમણે વિદ્યાર્થીઓને સમર્થન આપતું અને ટ્રમ્પ સરકારની ટિકા કરતું અવલોકન કર્યું હતું.