‘મહિલાઓ બાગેશ્વર ધામમાં એકલી ન આવે’, તીર્થસ્થળો પર કલંકની ઘટનાઓ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bageshwar Dham Dhirendra Shastri : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી અને અપીલ જાહેર કરી છે. તેમણે મંચ પરથી ભક્તોને સંબોધતા જણાવ્યું કે, ‘હાલના સમયમાં સનાતન ધર્મ પર સતત હુમલા થઈ રહ્યા છે, તેથી માતાઓ અને બહેનોએ બાગેશ્વર ધામમાં એકલા બિલકુલ ન આવવું જોઈએ. જો કોઈ કારણસર એકલા આવવું પડે, તો કોઈપણ અજાણી વ્યક્તિ કે ધામના સેવાદાર પર પણ આંધળો વિશ્વાસ ન કરવો. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે ધામમાં રહેવા માટે કોઈ ખાસ સગવડ ન હોવાથી ભક્તોએ અહીં લાંબા દિવસો સુધી રોકાવું જોઈએ નહીં.’
ઉપદ્રવીઓથી સાવધાન
તેમણે કહ્યું કે, ‘આ દિવસોમાં ઘણા દુશ્મનો સનાતન ધર્મ અને અમારી પાછળ પડ્યા છે. આવા લોકો અવારનવાર કંઈક ને કંઈક ઉપદ્રવ કરતા રહે છે. તેથી સમગ્ર ધામ કે તેના આસપાસના વિસ્તારની અમારી કોઈ જવાબદારી નથી. અમે માત્ર મંદિર અને દરબાર સુધીની જ જવાબદારી લઈ શકીએ છીએ. ધામનો વિસ્તાર લગભગ 5 કિલોમીટર સુધી ફેલાયેલો છે અને તે સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી અમારી નથી.’
અજાણી વ્યક્તિઓ પર ભરોસો ન રાખવા અપીલ
સુરક્ષા અંગે કડક સૂચના આપતાં બાબા બાગેશ્વરે જણાવ્યું કે, ‘ધામના પરિસર કે આસપાસના વિસ્તારમાં કોઈ પણ અજાણી વ્યક્તિ પર બિલકુલ ભરોસો ન કરવો. કોઈના પણ કહ્યાથી તેમની સાથે ક્યાંય જવું નહીં, અન્યથા તેના કારણે થનારી કોઈ પણ અણધારી ઘટના માટે તમે પોતે જ જવાબદાર રહેશો. મંદિર પરિસર અને હોલની સુરક્ષા વ્યવસ્થા ધામ સંભાળે છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા આપવી શક્ય નથી.’
પવિત્ર ધામો પર કલંકની ઘટનાઓ બાદ બાબા બાગેશ્વર એલર્ટ
તીર્થસ્થળોના વિવાદોનો ઉલ્લેખ કરતાં બાબાએ કહ્યું હતું કે, ‘આપણે અવારનવાર કોઈને કોઈ તીર્થસ્થળ સાથે જોડાયેલા વિવાદો સાંભળીએ છીએ અને પવિત્ર ધામો પર કલંક લગાવવામાં આવી રહ્યા છે. તેથી અમે બિલકુલ નથી ઈચ્છતા કે બાલાજીનું આ પવિત્ર ધામ બદનામ થાય. અહીં દરેક પ્રકારના સારા અને ખરાબ માણસો આવે છે. તેથી કોઈના પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો અને મંદિર તેમજ પ્રાંગણ સિવાય અન્યત્ર કોઈના દોરવાયા જવું નહીં. આટલા મોટા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા પણ શક્ય નથી.’
સ્ત્રીઓ માટે સમય ખૂબ જ ગંભીર, સાવધાન રહેવું જરૂરી
મહિલાઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે આજના સમયમાં દીકરીઓ હોવું પાપ જેવું બની ગયું છે. સ્ત્રીઓ માટે સમય ખૂબ જ ગંભીર છે અને દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી, ન ઘરમાં કે ન બહાર. સમય ખૂબ જ વિપરીત આવી ગયો છે, તેથી દરેક વ્યક્તિએ જાતે જ સતર્ક, સજગ અને સાવધાન રહેવું પડશે. લોકો પોતે સમજદાર બને અને અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરે.’




