UPI પર લાગતો ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલીશું અથવા રોકડ વ્યવહાર કરીશું : વેપારીઓનો બળાપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુપીઆઈ પર એમડીઆર : 40 પૈસા આપવામાં મરી નહીં જાઓ : નીતિ આયોગ
- દેશમાં રોકડ વ્યવહાર વધવાનો ભય નાણામંત્રાલયે નકારી કાઢ્યો, એમડીઆરનો બોજ ગ્રાહકો પર ના પડે તે માટે મિકેનિઝમ ગોઠવાશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ૦.૪૦ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લાગુ કરવાની જાહેરાત કરી ત્યારથી દેશભરમાં ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. હવે દેશભરમાં સમાજમાં દરેક વર્ગમાંથી દુકાનદારો, વેપારીઓ, પેટ્રોલ પંપ ડીલરો, સ્ટોક બ્રોકર્સથી લઈને મોટી-મોટી કંપનીઓ જ નહીં સામાન્ય લોકોમાં પણ આ અંગે ભારે ગભરાટ ફેલાયો છે. લોકોનું માનવું છે કે વેપારીઓ પર લગાવાયેલા આ ચાર્જનો અંતિમ બોજ લોકો પર જ પડશે. એમડીઆરનો વિરોધ કરતાં વેપારીઓએ દાવો કર્યો છે કે તેઓ આ ચાર્જ ગ્રાહકો પાસેથી જ વસૂલશે અથવા યુપીઆઈને બાજુ પર રાખી રોકડ વ્યવહાર શરૂ કરશે. બીજીબાજુ સરકારે એમડીઆરનો બચાવ કરતા રોકડ વ્યવહાર વધવાનો ભય નકારી કાઢ્યો છે.
ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધી રહેલા ભારતમાં યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જને વેપારીઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધીના દરેક વર્ગે નકારી કાઢ્યો છે. અનેક વેપારીઓનું કહેવું છે કે મોંઘવારી અને પ્રતિસ્પર્ધાના આ સમયમાં સરકારનું આ પગલું વેપારીઓ અને ગ્રાહકો બંને માટે અયોગ્ય છે. એમડીઆર ચાર્જ સંપૂર્ણપણે દુકાનદારો પર નંખાયો છે. સામાન્ય માણસે એક રૂપિયો પણ આપવો નહીં પડે, પરંતુ વેપારીઓ એક નહીં તો બીજા સ્વરૂપે આ ચાર્જ ગ્રાહકો પર જ નાંખી દેશે અથવા તેમની પાસેથી રોકડમાં વ્યવહાર કરશે. આ ચાર્જથી માત્ર દુકાનદારો જ નહીં સામાન્ય માણસની મુશ્કેલી પણ વધશે.
અન્ય એક વેપારીએ જીએસટી લાગુ કરાયો તે સમયને યાદ કરતા કહ્યું હતું કે તે સમયે પણ ગ્રાહકોએ જ જીએસટીનો બોજ ઉઠાવવો પડયો હતો. આ ચાર્જ પણ વેપારીઓ જનતા પાસેથી જ વસૂલશે. આ ચાર્જ ગ્રાહકો પર સીધી રીતે નંકાયો નથી, પરંતુ તેનાથી કારોબારના માર્જિન પર પડી શકે છે. સરકારનો આ નિણય અયોગ્ય છે. સરકારી ટેક્સ પહેલાથી જ ઘણો વધુ છે. એવામાં આ નવા ચાર્જથી વેપારીઓ ડિજિટલ પેમેન્ટના બદલે રોકડ વ્યવહાર તરફ પાછા ફરી શકે છે, જેનાથી ડિજિટલ પેમેન્ટને નુકસાન થઈ શકે છે.
એક ફાર્મા કંપનીના ડિરેક્ટર રાહુલ મમ્મને એમડીઆરના નિર્ણયથી કંપની પર સંભવિત અસરનો અંદાજ લગાવતા કહ્યું કે આ ચાર્જથી કંપનીને ભારે નુકસાન થઈ શકે છે. આ નિયમના અમલમાં સરકાર પીછેહઠ નહીં કરે તો તેઓ યુપીઆઈથી પેમેન્ટ સ્વીકારવાનું મર્યાદિત કરી શકે છે. જે વેપારોમાં માર્જિન બેથી ત્રણ ટકા જ હોય તેમના માટે એમડીઆર મોટો આર્થિક બોજ બની શકે છે. ૦.૪ ટકા એમડીઆરથી બેથી ત્રણ ટકાના કારોબારવાળી કંપનીના કુલ વેપાર પર ૧૧થી ૧૭ ટકા સુધી અસર થઈ શકે છે. એમડીઆરથી તેમની કંપનીને વાર્ષિક રૂ. ૧.૨ કરોડનો બોજ પડી શકે છે.
વેપારીઓની માન્યતાથી વિપરિત નાણામંત્રાલયે યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર ચાર્જથી રોકડ વ્યવહાર વધી જવાના ભયને નકારી કાઢ્યો છે. સરકારનું કહેવું છે કે એમડીઆરની અસર યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના માત્ર ચાર ટકા વોલ્યુમ પર જ પડવાની છે. વધુમાં રુપે ડેબિટ કાર્ડ પર ગમે તેટલી રકમનો નાણાકીય વ્યવહાર સંપૂર્ણપણે મફત છે. આ સિવાય વેપારીઓ આ ચાર્જ ગ્રાહકો પર ના નાંખે તેનું નિરીક્ષણ રાખવા મિકેનિઝમ ગોઠવવાની નાણાંમંત્રાલયે તૈયારી હાથ ધરી છે. નાણાંમંત્રાલયે એમડીઆરનો બોજ જનતા માથે ના નંખાય તે માટે યુપીઆઈ એપ અને અન્ય હિસ્સેદારો સાથે વાટાઘાટો શરૂ કરી છે. આ પ્રકારનો ચાર્જ અન્ય દેશોમાં પણ વસૂલવામાં આવે છે.
દરમિયાન નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિડીએ યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆરનું સમર્થન કરતા કહ્યું કે, સરકાર ટેક્સની વસૂલાત વિના ચાલી શકે નહીં. સરકાર માત્ર મામૂલી ચાર્જ વસૂલી રહી છે અને તે આપવામાં લોકોને કોઈ તકલીફ હોવી જોઈએ નહીં. રૂ. ૧૦૦ના ટ્રાન્ઝેક્શન પર માત્ર ૪૦ પૈસા આપવાના છે. આટલો ટેક્સ આપવામાં કોઈ મરી નહીં જાય. જોકે, તેમના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે.




