પંજાબમાં હવે કોની સરકાર? AAP સામે કોંગ્રેસનો પડકાર પણ ભાજપનો પ્લાન બાજી પલટી શકે : સરવે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Punjab Assembly Election Survey 2027 : પંજાબમાં 2027ની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાની શક્યતા છે. જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP), શિરોમણી અકાલી દળ (SAD) અને અમૃતપાલ સિંહની પાર્ટી 'વારિસ પંજાબ દે'ની હાજરીથી ચૂંટણી જંગ બહુકોણીય બની શકે છે. આ દરમિયાન સામે આવેલા એક નવા સર્વેમાં AAP સૌથી આગળ જોવા મળી રહી છે, પરંતુ કોંગ્રેસ પણ તેને જોરદાર ટક્કર આપી રહી છે. 117 વિધાનસભા બેઠકો ધરાવતા પંજાબમાં મતદારોનો મિજાજ જાણવા માટે Vote Vibe દ્વારા 'સ્ટેટ વાઇબ – ટ્રેકર 2' સર્વે કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીને બહુમતી પરંતુ કોંગ્રેસની જબરદસ્ત ટક્કર
12 નવેમ્બર, 2026ના રોજ જાહેર થયેલા આ સર્વેમાં જો અત્યારે ચૂંટણી યોજાય તો AAPને 33.5 ટકા વોટ મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસને 27.6 ટકા વોટ મળી શકે છે. બંને પક્ષો વચ્ચે માત્ર 5.9 ટકાનું અંતર છે. સર્વે અનુસાર, ભાજપને 14.7 ટકા અને શિરોમણી અકાલી દળને 12.5 ટકા વોટ મળવાનું અનુમાન છે. જ્યારે અમૃતપાલ સિંહના નેતૃત્વ હેઠળની 'વારિસ પંજાબ દે'ને 8.1 ટકા અને અન્ય પક્ષો તથા અપક્ષોને 1.7 ટકા વોટ મળી શકે છે. ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની અટકળો પણ ચાલી રહી છે. જો બંને પક્ષો સાથે આવે તો ચૂંટણીનાં સમીકરણો બદલાઈ શકે છે.
ભગવંત માન CMની પહેલી પસંદ
મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોને પસંદ કરશો તેવા સવાલના જવાબમાં વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન સૌથી આગળ છે. સર્વેમાં 35.9 ટકા લોકોએ તેમને પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે. કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીને 19 ટકા, અકાલી દળના સુખબીર સિંહ બાદલને 14.6 ટકા અને ભાજપના નેતા કેવલ સિંહ ઢિલ્લોને 10.1 ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે અમૃતપાલ સિંહને 7.9 ટકા લોકોનું સમર્થન મળ્યું છે.
નશા અને બેરોજગારી સૌથી મોટા મુદ્દા
પંજાબમાં ચૂંટણી દરમિયાન નશાનો મુદ્દો સૌથી વધુ અસરકારક બની શકે છે. સર્વેમાં 31.1 ટકા મતદારોએ નશાને રાજ્યની સૌથી મોટી સમસ્યા ગણાવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 36.1 ટકા છે, જ્યારે 25થી 34 વર્ષની વયજૂથના 42.2 ટકા યુવાનોએ નશાને મોટો મુદ્દો ગણાવ્યો છે. બેરોજગારી અને સ્થળાંતરનો મુદ્દો 23 ટકા સાથે બીજા ક્રમે છે. જ્યારે કાયદો-વ્યવસ્થા અને મહિલાઓની સુરક્ષાને 17.3 ટકા લોકોએ મહત્વનો મુદ્દો ગણાવ્યો છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીને 27.5 ટકા લોકોએ મુખ્ય સમસ્યા ગણાવી છે.
સરકાર કરતાં ધારાસભ્યો સામે વધુ નારાજગી
છેલ્લા પાંચ વર્ષના સરકારના કામકાજ અંગે સર્વેમાં 39.5 ટકા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે 42.9 ટકા લોકો સરકારના કામકાજથી અસંતુષ્ટ છે. 14.8 ટકા લોકોએ સરકારના પ્રદર્શનને સરેરાશ ગણાવ્યું છે. બીજી તરફ, વર્તમાન ધારાસભ્યો સામે લોકોની નારાજગી વધારે જોવા મળી છે. 52.4 ટકા લોકોએ પોતાના વર્તમાન ધારાસભ્યના કામકાજ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે માત્ર 30.6 ટકા લોકો ધારાસભ્યોના કામથી સંતુષ્ટ છે. ગ્રામીણ વિસ્તારોમાં ધારાસભ્યો સામે સંપૂર્ણ અસંતોષનું પ્રમાણ 34.6 ટકા નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે આ સર્વે AT Vote Vibe LLP દ્વારા ટેલિફોનના માધ્યમથી કરવામાં આવ્યો હોવાનો દાવો છે. તેમાં સમગ્ર પંજાબના કુલ 4,273 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.




