Get The App

મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
મેનકા ગુરુસ્વામીએ રચ્યો ઈતિહાસ, TMC વતી ભારતના LGBTQ+ સમુદાયથી પ્રથમ સાંસદ બન્યા 1 - image

Menaka Guruswamy Created History: સીનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ ઈતિહાસ રચી દીધો છે. તેઓ LGBTQ+ સમુદાયમાંથી આવનારા પ્રથમ સાંસદ બની ગયા છે. 37 બેઠકો પર 26 નેતાઓ રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા અને તેમાં ગુરુસ્વામીનું નામ સામેલ છે. તેમને પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ઉમેદવાર બનાવ્યા હતા. બાકીની 11 બેઠકો માટે સોમવાર અને મંગળવારે ચૂંટણી પૂર્ણ થઈ હતી.

કોણ છે મેનકા ગુરુસ્વામી?

51 વર્ષીય મેનકા ગુરુસ્વામી એક બંધારણીય વકીલ છે, જેમણે પોતાનું શિક્ષણ ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ લો સ્કૂલ અને નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી જેવી પ્રખ્યાત સંસ્થાઓમાંથી પ્રાપ્ત કર્યું છે.  તેઓ લાંબા સમયથી બંધારણ, લોકશાહી સિદ્ધાંતો અને નાગરિક અધિકારોના સમર્થનમાં એક જાણીતો અવાજ રહ્યા છે.

ગુરુસ્વામી અને તેમની સાથી અરુંધતી કાટજૂ એ મહત્ત્વપૂર્ણ કેસનો હિસ્સો હતા, જેણે સુપ્રીમ કોર્ટને 2018માં સંમતિથી બનેલા સમલૈંગિક સંબંધોને ગુનાહિત બનાવતા 158 વર્ષ જૂના કાયદાને રદ કરવા માટે રાજી કર્યા હતા. આ કાયદાનું રદ થવું એ LGBTQ+ સમુદાય માટે એક ઐતિહાસિક જીત હતી.

ગુરુસ્વામીએ કહ્યું કે, 'સમાનતા, બંધુત્વ અને ભેદભાવ રહિત વ્યવહાર જેવા મૂલ્યો મારા કામનો આધાર છે. હું રાજ્યસભામાં પણ પશ્ચિમ બંગાળના લોકોનું પ્રતિનિધિત્વ કરીને આ જ આદર્શોને આગળ વધારવા માગુ છું.'

TMCની વ્યૂહરચના

TMCના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે, 'ગુરુસ્વામીને ચૂંટ્યા બાદ હવે પાર્ટી પાસે રાજ્યસભામાં કુલ 13 માંથી 5 સભ્યો મહિલા છે. ગુરુસ્વામીને ચૂંટવું એ TMCની એક શિક્ષિત અને બંધારણીય રીતે મજબૂત અવાજોને ઉપલા ગૃહમાં મોકલવાની મોટી વ્યૂહરચનાનો એક હિસ્સો છે, જેથી તેઓ દેશભરમાં વિપક્ષની દલીલો સ્પષ્ટ રીતે રજૂ કરી શકે.'

TMCના સાંસદ

તૃણમૂલ કોંગ્રેસ તરફથી રાજ્યના માહિતી ટેકનોલોજી મંત્રી બાબુલ સુપ્રિયો, એડવોકેટ મેનકા ગુરુસ્વામી, પૂર્વ રાજ્ય પોલીસ વડા રાજીવ કુમાર અને અભિનેત્રી કોયલ મલિક રાજ્યસભામાં ચૂંટાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટાયા તે સમયે એડવોકેટ ગુરુસ્વામી દિલ્હીમાં હતા અને આ જ કારણોસર તેઓ વિધાનસભામાં નહોતા પહોંચી શક્યા. તૃણમૂલ નેતા અરૂપ બિશ્વાસે તેમના વતી પ્રમાણપત્ર હાંસલ કર્યું હતું.