ડુંગળી, તેલ, ખાંડ, દાળ...મોંઘવારી કંટ્રોલ કરવામાં કેન્દ્ર સરકાર કાચી પડી, કેમ વધવા લાગ્યા ભાવ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Food Inflation in India : મોંઘવારીમાં સતત થઈ રહેલા ઉછાળાના કારણે સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખાંડ, ડુંગળી, ટામેટાં, ખાદ્ય તેલ અને વિવિધ દાળના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં પણ કઠોળ અને તેલના ભાવ ઊંચા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેને પગલે સરકાર ભાવ નિયંત્રણ માટે હરકતમાં આવી છે.
ખાંડના ભાવમાં એક સપ્તાહમાં 7 રૂપિયાનો ઉછાળો
છેલ્લા એક સપ્તાહમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 7 રૂપિયા અને છેલ્લા એક મહિનામાં 17 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. જેના કારણે હાલ ખાંડ 70 રૂપિયે કિલો વેચાઈ રહી છે. આ ભાવવધારા પાછળ વેપારીઓ દ્વારા કરાતી સંગ્રહખોરી જવાબદાર હોવાની શંકા છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકારે 31 ઑક્ટોબર સુધી 10 લાખ ટન ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત વેપારીઓ માટે 30 નવેમ્બર સુધી 400 ટનની સ્ટોક મર્યાદા નક્કી કરી દેવાઈ છે અને 15 ઑક્ટોબરથી જ ખાંડ મિલોમાં પીલાણ શરૂ કરવા આદેશ કરાયો છે.
ડુંગળી અને દાળના ભાવ વધ્યા: ચોમાસાની ખેંચ અને વાવણી ઘટતાં ચિંતા વધી
સરકારી આંકડા મુજબ ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ વધીને 40.79 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે એક મહિના અગાઉ 34.87 રૂપિયા હતો. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના નાસિક પંથકમાં ચોમાસું મોડું શરૂ થતાં ખરીફ ડુંગળીની આવકમાં વિલંબ થયો છે. ભાવ અંકુશમાં રાખવા સરકાર બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવા જઈ રહી છે. બીજી તરફ નબળા ચોમાસાના કારણે તુવેર, મગ, અડદ અને ચણા જેવી દાળના ભાવમાં પ્રતિ કિલો 1થી 2 રૂપિયાનો વધારો થયો છે. ચાલુ વર્ષે કઠોળનું વાવેતર 35 હજાર હેક્ટર અને તુવેરનું વાવેતર 1.69 લાખ હેક્ટર ઘટ્યું હોવાથી ભાવ વધુ વધવાની શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટની અસરથી ખાદ્ય તેલ મોંઘા થયા
વિશ્વ બજારમાં પામ ઓઇલના ભાવ 20 મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં સ્થાનિક સ્તરે ખાદ્ય તેલ મોંઘું બન્યું છે. મુખ્ય ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયામાં સૂકાની સ્થિતિ હોવાથી ઉત્પાદન ઘટ્યું છે. આ સિવાય રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે સૂરજમુખી તેલની આયાત પર વિપરીત અસર પડી છે. ભારતમાં છેલ્લા એક મહિના દરમિયાન સીંગતેલ, સરસવ અને અન્ય ખાદ્ય તેલના ભાવમાં 2થી 3 ટકાનો વધારો નોંધાયો છે.









