IMD Forecast: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દિવસ અને રાત બંને સમયે ગરમીનો પ્રકોપ યથાવત છે. આ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સક્રિય થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આજથી 23 મે સુધી વરસાદી માહોલની શક્યતા
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 22 અને 23 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો: આજથી (22મી મે) સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ પર વાતાવરણ પલટાશે. ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજથી જ મેઘરાજા દસ્તક દઈ શકે છે.
ભાવનગર અને દીવ: ભાવનગર જિલ્લામાં શનિવારે (23મી મે) ના રોજ હળવા વરસાદની આગાહી છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
દિલ્હીમાં મે મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ, પણ હવે મળશે રાહત
એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ બંધાવા જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ દેશના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં ગરમીએ પારો તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં મે મહિનાની અત્યાર સુધીની સૌથી ગરમ રાત નોંધાઈ છે. જોકે, સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે આ આકરા તાપમાનમાંથી ટૂંક સમયમાં જ લોકોને મોટી રાહત મળવા જઈ રહી છે.
મોટો પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારત તરફ સક્રિય
એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યો છે. જેના કારણે આગામી થોડા દિવસોમાં દેશના 6થી વધુ રાજ્યોમાં હવામાન પલટાશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા,દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવામાન પલટાશે.
ઉપરોક્ત તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે. જોકે, વરસાદની તીવ્રતા કેટલી હશે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ કેટલાક મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાવા, ધૂળની વાવાઝોડા (વાવાઝોડું) આવવા તેમજ કેટલાક પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ પૂરતી શક્યતા છે. આ બદલાતા હવામાનને કારણે આગામી 48 કલાકમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે.


