| (IMAGE - IANS) |
West Bengal Election 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણી દીધો છે. આ હારની સાથે જ મમતા બેનર્જીનું તે 'કોર ગ્રૂપ' પણ વિખેરાઈ રહ્યું છે, જેણે છેલ્લા એક દાયકાથી પડદા પાછળ રહીને રાજ્યની સત્તા સંભાળી હતી. મુખ્યમંત્રીના સૌથી ભરોસાપાત્ર ગણાતા સનદી અધિકારીઓ, અર્થશાસ્ત્રીઓ અને કાયદાકીય સલાહકારોએ સામૂહિક રીતે રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે.
અલાપન બંદ્યોપાધ્યાય અને એચ. કે. દ્વિવેદીએ છેડો ફાડ્યો
મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી અને પૂર્વ મુખ્ય સચિવ અલાપન બંદ્યોપાધ્યાયે મંગળવારે (5 મે 2026) પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સમાચાર અત્યંત ચોંકાવનારા છે, કારણ કે વર્ષ 2021માં જ્યારે કેન્દ્ર સરકાર સાથે વિવાદ થયો હતો, ત્યારે મમતા બેનર્જીએ અલાપનને બચાવવા માટે વડાપ્રધાન સામે પણ બાથ ભીડી હતી. અલાપન બંદ્યોપાધ્યાયની સાથે અન્ય એક પૂર્વ મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદીએ પણ પોતાનું પદ છોડ્યું છે. આ બંને અનુભવી અધિકારીઓ મમતા બેનર્જીની સરકારના વહીવટીતંત્રમાં સૌથી મહત્ત્વના ગણાતા હતા અને તેમને મુખ્યમંત્રીની 'આંખ અને કાન' સમાન માનવામાં આવતા હતા.
અર્થશાસ્ત્રી અભિરૂપ સરકાર અને ઍડ્વૉકેટ જનરલની વિદાય
પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ(WBIDC)ના અધ્યક્ષ અભિરૂપ સરકારે પણ નૈતિકતાનું કારણ આપી રાજીનામું સોંપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા હોવાથી તેમને આ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. બીજી તરફ, કાયદાકીય મોરચે સરકારના સૌથી મોટા હથિયાર ગણાતા ઍડ્વૉકેટ જનરલ કિશોર દત્તાએ પણ રાજભવન જઈને પોતાનું રાજીનામું આપી દીધું છે. મમતા સરકારને કોર્ટના કેસોમાં બચાવવાની જવાબદારી કિશોર દત્તાના ખભા પર હતી.
મીડિયા સલાહકારો ગાયબ અને 'નબન્ના'માં સન્નાટો
મમતા બેનર્જી માટે સોશિયલ મીડિયા અને મુખ્યધારાના મીડિયામાં મજબૂત નેરેટિવ સેટ કરનારા વરિષ્ઠ પત્રકારો અને મીડિયા સલાહકારોએ પણ પોતાના હોદ્દા ત્યાગી દીધા છે. રાજ્યના સચિવાલય 'નબન્ના'માં અત્યારે સન્નાટો ફેલાયેલો છે. ચર્ચા છે કે અનેક IAS અને IPS અધિકારીઓ હવે નવી સરકાર (ભાજપ) સાથે તાલમેલ બેસાડવા માટે દિલ્હી અને સ્થાનિક નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે.
હાર છતાં મમતા બેનર્જી આક્રમક મૂડમાં
એક તરફ જૂના સાથીદારો સાથ છોડી રહ્યા છે, ત્યારે બીજી તરફ મમતા બેનર્જી હજુ પણ લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે. તેમણે હાર સ્વીકારી હોવા છતાં, તાત્કાલિક રાજીનામું આપવાને બદલે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપની નવી સરકાર આ ખાલી પડેલા પદો પર કોની નિમણૂક કરે છે અને મમતા બેનર્જી પોતાના જૂના સાથીદારો વિના ફરી બેઠા થઈ શકશે કે કેમ.


