India

લોન અને ક્રેડિટ કાર્ડના અનિચ્છનીય કોલ કરનારા પર તવાઈ, 5 ફરિયાદ આવતાં જ 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ થશે નંબર

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
TRAIએ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સ્પામ અને અનિચ્છનીય કોલ સામે કડક નિયમો જાહેર કર્યા છે. ટેલિકોમ કંપનીઓએ ટેક્નોલોજી દ્વારા UCC સામે સક્રિય કાર્યવાહી કરવી પડશે. 5થી વધુ ફરિયાદો મળ્યે, પ્રથમ વખત નિયમભંગ કરનારના 15 દિવસ માટે તમામ આઉટગોઇંગ સેવા બંધ થશે. પુનરાવર્તન થતાં 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાશે. ફરિયાદ માટે 1909 નંબરનો ઉપયોગ કરી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોન અને ક્રેડિટ કાર્ડના અનિચ્છનીય કોલ કરનારા પર તવાઈ, 5 ફરિયાદ આવતાં જ 1 વર્ષ માટે બ્લેકલિસ્ટ થશે નંબર

TRAI New Rules 2026 : લોન, ક્રેડિટ કાર્ડ, વીમા અને અન્ય પ્રમોશનલ ઓફર્સના અનિચ્છનીય કોલથી પરેશાન મોબાઇલ યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર છે. TRAIએ સ્પામ અને અનિચ્છનીય વ્યાવસાયિક સંદેશાવ્યવહાર સામે કાર્યવાહી વધુ કડક બનાવવા માટે ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશનના ત્રીજા સુધારા, 2026 જાહેર કર્યા છે. આ સુધારા 18 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર થયા છે. નવા માળખામાં ટેલિકોમ કંપનીઓને ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા દ્વારા અનિચ્છનીય કોમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે UCC સામે વધુ સક્રિય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. TRAIએ આ માટે ટેક્નોલોજી આધારિત અમલવારી અને ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવશે.

સ્પામ કોલ કરનાર સામે હવે માત્ર એક સિમ નહીં, તમામ કનેક્શન પર કાર્યવાહી

TRAIના નિયમો અનુસાર કોઈ સ્પામર અથવા અનરજિસ્ટર્ડ સેન્ટર સામે કાર્યવાહી માટે છેલ્લા 10 દિવસ દરમિયાન 5 કે તેથી વધુ અલગ ગ્રાહકોની ફરિયાદો મળવી મહત્વની છે. પ્રથમ વખત નિયમભંગ સાબિત થાય ત્યારે સંબંધિત વ્યક્તિ અથવા ટેલિમાર્કેટરના તમામ ટેલિકોમ સંસાધનોની આઉટગોઇંગ સેવા 15 દિવસ માટે બંધ કરી શકાય છે. જો તે જ વ્યક્તિ અથવા સંસ્થા ફરી નિયમભંગ કરે તો તેના તમામ ટેલિકોમ સંસાધનોને એક વર્ષ માટે ડિસ્કનેક્ટ કરવાની અને આ સમયગાળા દરમિયાન તમામ ટેલિકોમ કંપનીઓમાં બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. એટલે એક નંબર બદલવાથી પણ કાર્યવાહીથી બચવું સરળ રહેશે નહીં.

માત્ર મોબાઇલ નંબર પૂરતો મુદ્દો નથી

નિયમો હેઠળ કાર્યવાહી માત્ર એક મોબાઇલ સિમ સુધી મર્યાદિત નથી. સંબંધિત ટેલિકોમ સંસાધનો સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. TRAIના અગાઉના સત્તાવાર સ્પષ્ટીકરણમાં પણ પ્રથમ નિયમભંગ વખતે તમામ ટેલિકોમ સંસાધનોની આઉટગોઇંગ સેવા 15 દિવસ માટે રોકવા અને પુનરાવર્તિત નિયમભંગ વખતે તમામ સંસાધનો ડિસ્કનેક્ટ કરવાની જોગવાઈ દર્શાવવામાં આવી છે.

1601 સીરિઝના નંબરને લઈને પણ મહત્વનો નિયમ

TRAIએ 1601 સીરિઝના નંબરને સર્વિસ અને ટ્રાન્ઝેક્શનલ કોલ માટે તબક્કાવાર અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે. ઓગસ્ટ 2026થી ઉપયોગિતા, કુરિયર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સંસ્થાઓ માટે આ સીરિઝના અમલની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારના સત્તાવાર નંબરને સામાન્ય સ્પામ કોલ સાથે ભેળસેળ ન થાય તે માટે કોલ ઓળખતી એપ્લિકેશનો અને ટેલિકોમ કંપનીઓ માટે પણ નિયમનકારી માળખું મહત્વનું બની શકે છે.

સ્પામ કોલ આવે તો 1909નો ઉપયોગ કરી શકો

જો તમને અનિચ્છનીય કોમર્શિયલ કોલ અથવા મેસેજ મળે તો TRAIની વ્યવસ્થા હેઠળ 1909 પર ફરિયાદ કરી શકાય છે. TRAI મુજબ ગ્રાહકો 1909, DND એપ અથવા સંબંધિત ટેલિકોમ કંપનીની સુવિધા દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે. પ્રમોશનલ કમ્યુનિકેશન રોકવા માટે ગ્રાહકો 1909 મારફતે પોતાની પસંદગી પણ નોંધાવી શકે છે. TRAIની માહિતી અનુસાર BLOCK PROMO લખીને 1909 પર SMS કરવાથી પ્રમોશનલ કોમર્શિયલ કમ્યુનિકેશન રોકવાની પસંદગી નોંધાવી શકાય છે. જોકે ટ્રાન્ઝેક્શનલ અને સર્વિસ પ્રકારના જરૂરી સંદેશાઓ માટે અલગ જોગવાઈ છે. એટલે હવે સ્પામ કોલથી પરેશાન થવા કરતાં યોગ્ય ફરિયાદ નોંધાવવી વધુ મહત્વની બની છે. TRAIના નવા નિયમોનો મુખ્ય હેતુ એવી ફરિયાદો અને ટેક્નોલોજી આધારિત ઓળખ દ્વારા અનિચ્છનીય કોમર્શિયલ કમ્યુનિકેશન સામે ટેલિકોમ કંપનીઓની કાર્યવાહી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો છે.