ભારતમાં 308 પૈડાં ધરાવતી 200 ટન વજનની 'બાહુબલી' ટ્રક વાઈરલ, સુરક્ષિત સફર માટે 3 ઝોન અને 8 પોલીસ સ્ટેશન એલર્ટ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

308 Wheeled Viral Truck: એક ટ્રકમાં કેટલા પૈડાં હોય? 10, 14 કે 20 પૈડાં? પણ જો કોઈ એમ કહે કે ટ્રકમાં 308 પૈડાં પણ હોઈ શકે, તો તમે માનો? માન્યામાં ન આવે એવું એક દૃશ્ય હાલમાં ઉત્તર ભારતમાં આકાર લઈ રહ્યું છે. પૂરા 308 પૈડાં ધરાવતી એક વિશાળ ટ્રક હાલમાં ઉત્તર પ્રદેશના રસ્તાઓ પર ચાલી રહી છે અને લોકોના આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ 'બાહુબલી' ટ્રક માત્ર એક વાહન નથી, પરંતુ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીનો એક અદ્ભુત નમૂનો છે. તો ચાલો જાણીએ કે 308 પૈડાં વાળી આ મહાકાય ટ્રક બનાવવા પાછળનું કારણ શું છે અને એ શું લઈને ક્યાં જઈ રહી છે.
ટ્રકમાં શું ભરેલું છે? એ ક્યાં જઈ રહી છે?
આ ટ્રકમાં 200 ટન વજનનું એક વિશાળ ઇન્ડસ્ટ્રીયલ વેક્યુમ બોઇલર છે. આ મશીન લગભગ 100 ફૂટ લાંબુ, 7 મીટર પહોળું અને 8 મીટર ઊંચું છે. આ બોઇલર એપ્રિલ મહિનામાં બેલ્જિયમથી દરિયાઈ માર્ગે નીકળ્યું હતું અને ઓડિશાના પારાદીપ બંદર પર પહોંચ્યું હતું. ત્યાંથી તે રોડ માર્ગે ઝારખંડ અને બિહાર થઈને હાલમાં ઉત્તર પ્રદેશ પહોંચ્યું છે અને લખીમપુર ખેરીમાં આવેલી બલરામપુર સુગર મિલ (કુંભી યુનિટ) જઈ રહ્યું છે.
આ બોઇલરની મદદથી ત્યાં એશિયાનો પ્રથમ બાયોપ્લાસ્ટિક (પોલિલેક્ટિક એસિડ - PLA) પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટમાં શેરડીમાંથી ઇથેનોલ અને ઇથેનોલમાંથી પર્યાવરણને અનુકૂળ એવું બાયોપ્લાસ્ટિક બનશે. આ મશીન એક જ સળંગ ભાગમાં બનાવેલું છે, એટલે કે તેને તોડીને અથવા અલગ-અલગ ભાગોમાં વહેંચીને લાવી શકાય તેમ નથી.
શા માટે 308 પૈડાં?
આ કોઈ સામાન્ય ટ્રક નથી, પરંતુ વોલ્વો કંપનીનું સૌથી શક્તિશાળી 'મલ્ટી-એક્સલ મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલર' છે. જો 200 ટન જેટલું વજન થોડા જ પૈડાં પર મૂકવામાં આવે, તો રસ્તા પર તિરાડો પડી જાય અને પુલ તૂટી જાય. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના નિયમ મુજબ, આવા ટ્રેલરમાં એક એક્સલ પર 18 ટનથી વધુ વજન ન હોવું જોઈએ. 200 ટન વજનને સમાન રીતે વહેંચવા માટે આ ટ્રકમાં ઘણા બધા એક્સલ લગાવવામાં આવ્યા છે અને દરેક એક્સલમાં ઓછામાં ઓછા 4 પૈડાં છે. આથી કુલ 308 પૈડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૈડાં હાઇડ્રોલિક સસ્પેન્શન સિસ્ટમ દ્વારા ભારને બેલેન્સ કરે છે, જેથી રસ્તાઓને કોઈ નુકસાન ન થાય.
ટ્રેન કે મોટા જહાજનો ઉપયોગ કેમ નહીં?
મશીન એટલું મોટું છે કે તેને ટ્રેનમાં ફીટ કરી શકાય તેમ નથી. વળી, બંદરથી સીધી ફેક્ટરી સુધી કોઈ રેલવે લાઇન પણ નથી. ભારત સરકાર યોગ્ય પરવાનગી સાથે આવા મોટા આકારના 'ઓવર-ડાયમેન્શનલ કાર્ગો'ને રસ્તા પર લઈ જવાની મંજૂરી આપે છે. આથી જ આ 'બાહુબલી' ટ્રકનો સહારો લેવામાં આવ્યો છે.
રસ્તાઓ પહોળા કરવા પડ્યા, પુલ તોડવા પડ્યા
આ ટ્રકની સફર ખૂબ જ પડકારજનક છે. તેની સાથે 64થી વધુ એન્જિનિયરો અને કામદારોની ટીમ, 2 મોટી ક્રેન અને અન્ય 2 ખેંચવા વાળા ટ્રેલર ચાલી રહ્યા છે. આટલા વજન સાથે ટ્રક દિવસમાં માત્ર 10 થી 20 કિલોમીટર જ આગળ વધી શકે છે. રસ્તામાં આવતા વીજળીના તાર અને પુલને હટાવવા પડે છે. હાલમાં વારાણસીના દાફી ટોલ પ્લાઝા પાસે રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. ટ્રકને સલામત રીતે પસાર કરવા 3 ઝોન અને 8 પોલીસ સ્ટેશનની પોલીસ સતર્ક છે. NH-19 પર અને સ્વરવેદ મંદિર પાસે આવતા 3 જેટલા ફૂટ ઓવરબ્રિજના ભાગોને ક્રેન દ્વારા હટાવવામાં આવ્યા છે. ટ્રક પસાર થયા પછી આ પુલ ફરીથી બનાવી દેવામાં આવશે.
15-20 કરોડ રૂપિયાનો ખર્ચ!
આ સફરનો ખર્ચ પણ ચોંકાવી દે એવો છે. આ ટ્રક દરરોજ આશરે 200 લિટર ડીઝલ વાપરે છે અને અત્યાર સુધીમાં 2 કરોડ રૂપિયાનું ડીઝલ વાપરી ચૂકી છે. પારાદીપ બંદરથી લખીમપુર સુધીના આખા ઓપરેશનનો કુલ ખર્ચ 15 થી 20 કરોડ રૂપિયાની વચ્ચે થવાનો અંદાજ છે.
લોકોમાં જબરો ઉત્સાહ, સોશિયલ મીડિયા પર વાયરલ
લગભગ 1400 કિલોમીટર લાંબી આ યાત્રા ભારતના 'હેવી-હોલ એન્જિનિયરિંગ'નો એક ઉત્તમ પુરાવો છે. આ કામ JM Baxi ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેઓ આવા મોટા ઓપરેશનના નિષ્ણાત છે. 6 મહિના પછી પણ આ મશીન હજુ રસ્તામાં જ છે. એવું માનવામાં આવે છે કે તે નવરાત્રિ પહેલા તેના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. જે પણ શહેરમાંથી આ ટ્રક પસાર થાય છે, ત્યાં લોકોની ભીડ જમા થઈ જાય છે. એન્જિનિયરિંગના આ કમાલ સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે.




