વિજય માલ્યાએ 14131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગનો કેસ ચાલુ જ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- માલ્યા પૈસા ભરીને છૂટી જાય એવું ન બને: ઈડી
- બોમ્બે હાઈકોર્ટમાં ઈડીની રજૂઆત: રિકવરી થાય એટલે મની લોન્ડરિંગનો કેસ નીકળી જાય તેવું ન બને
મુંબઈ : ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભલે બેન્કોને બાકી નીકળતા ૧૪,૧૩૧ કરોડ રુપિયા ચૂકવી દીધા હોય તો પણ તેમના પર મની લોન્ડરિંગનો કેસ તો યથાવત જ રહેશે એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બોમ્બે હાઈકોર્ટને સ્પષ્ટ જણાવી દેવાયું છે.
માલ્યાએ દેવું ચૂકવી દીધું છે કે કેમ તેમ હાઈકોર્ટે ઈડી તથા સ્ટેટ બેન્કનાં વડપણ હેઠળનાં બેન્કોનાં કોન્સોર્ટિયમને પૂછ્યું હતું. તેના જવાબમાં આઠમી સપ્ટેમ્બરના રોજ દાખલ કરાયેલા સોગંદનામામાં ઈડીએ જણાવ્યું હતું કે માલ્યાની રૂ.૧૪,૧૩૧.૬ કરોડ (ઓગસ્ટ ૨૦૨૧ મુજબ)ની સ્થાવર અને જંગમ મિલકતો એસબીઆઈની આગેવાની હેઠળના કન્સોટયમને સોંપવામાં આવી છે. જોકે, આ રિકવરીનો મતલબ એ નથી કે માલ્યા સામેના મની લોન્ડરિંગના કેસને હવે આપોઆપ રદ કરી દેવાયો છે કે ઈડીએ તે પડતો મૂકી દીધો છે.
એજન્સીએ દલીલ કરી હતી કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ સંપત્તિ પુન:સ્થાપિત કરવી એ કાયદેસર દાવેદારો માટે તેમના નુકસાનની વસૂલાત માટે એક વૈધાનિક પદ્ધતિ છે. હવે દાવેદાર બેન્કોને તેમના દાવા પ્રમાણેની રકમનો નોંધપાત્ર હિસ્સો મળી જાય એટલે માલ્યા સામે પીએમએલએ હેઠળની ફોજદારી કાર્યવાહી નિરર્થક બની જતી નથી.
કોર્ટ ૨૦૨૦ માં માલ્યા દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં દેવાની વસૂલાત માટે તેમની જપ્ત કરેલી મિલકતોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા ખાસ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.
માલ્યા પર મની લોન્ડરિંગ અને તેમની બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી કુલ રૂ.૯,૦૦૦ કરોડની બેંક લોનમાંથી ઓછામાં ઓછા રૂ.૩,૫૦૦ કરોડની ઉચાપત કરવાનો આરોપ છે.
ઈડીએ ૨૦૧૬ માં તેમની મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી હતી.




