Get The App

વિયેતનામના પ્રમુખ તો લામનું બિહારના મુ.મં. ચૌધરી દ્વારા ગયાજીમાં ભવ્ય સ્વાગત

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
વિયેતનામના પ્રમુખ તો લામનું બિહારના મુ.મં. ચૌધરી દ્વારા ગયાજીમાં ભવ્ય સ્વાગત 1 - image

- બોધી ગયાની યાત્રાએ પહોંચેલા

- 6ઠ્ઠી મેના દિવસે રાષ્ટ્રપતિ ભવનનાં પટાંગણમાં તો-લામને સેરિમોનિયલ રીસેપ્શન અપાશે : તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા યોજશે

પટણા/નવી દિલ્હી : ભગવાન બુદ્ધને જે સ્થળે બૌદ્ધ જ્ઞાન લાધ્યું હતું તે બોધ ગયા અને ત્યાં રહેલાં બોધવૃક્ષના દર્શનની યાત્રાએ ગયાજી આવી પહોંચેલા વિયેતનામના પ્રમુખ તો લામનું બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

પ્રમુખ તો લામ વિયેતનામ સામ્યવાદી પાર્ટીના મહામંત્રી પણ છે. તેઓ ૭મી મે સુધી ભારતમાં રોકાવાના છે. ગયા મહિને જ વિયેતનામના પ્રમુખપદે લામ ચૂંટાયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને અભિનંદન પાઠવતાં ભારત આવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. તેને પગલે તો લામ ભારતની મુલાકાત આવ્યા છે. સાથે બોધી ગયાની યાત્રાએ આવવાની પણ તેઓની ઇચ્છા હતી.

૬ઠ્ઠી મેના દિવસે તેઓનું રાષ્ટ્રપતિ ભવનનાં પટાંગણમાં સેરિમોનિયલ વેલકમ અપાશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મંત્રણા યોજશે. તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો, સંરક્ષણ તથા આર્થિક સહકાર ઘનિષ્ટ બનાવવા મંત્રણા યોજશે.

આ ઉપરાંત બંને નેતાઓએ વૈશ્વિક પરિસ્થિતિ વિષે પણ ચર્ચા કરી હતી જેમાં સહજ રીતે મધ્ય પૂર્વની પરિસ્થિતિ કેન્દ્ર સ્થાને રહી હતી.

તો લામ ૭મીએ મુંબઇની મુલાકાતે પણ જશે અને ત્યાં ભારતીય ઉદ્યોગપતીઓ સાથે મંત્રણા યોજશે. વિદેશ મંત્રાલયની યાદી વધુમાં જણાવે છે કે ભારત અને વિયેતનામ આ મુલાકાત બંને દેશોના સંબંધો ગાઢ બનાવશે.

વિશ્લેષકો કહે છે કે વિયેતનામને ચીન સાથે સરહદી વિવાદ ચાલે છે અને ઉત્તર વિયેતનામના વનાચ્છાદિત પર્વતીય વિસ્તારોમાં ચીન સાથે છમકલાં પણ થાય છે.