VIDEO : ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા, રસ્તાઓ પર ડૂબી કારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat And Maharashtra Heavy Rain : ચોમાસાની આક્રમક પધરામણી સાથે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જળબંબાકાર અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં નદી-નાળાં બે કાંઠે છલકાઈ રહ્યા છે, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રહેણાંક વિસ્તારોમાં ઘરો તેમજ દુકાનો સુધી પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીં પૂરની સ્થિતિ વચ્ચે આશરે 1,200 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
વલસાડમાં મેઘતાંડવ અને વિકટ સ્થિતિ
દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો આ વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત થયો છે. ઉમરગામ તાલુકામાં 24 કલાકમાં 1,100 મિલીમીટરથી વધુ અતિભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ 600 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે. વાપી, ગુંજન, ડુંગરી ફળિયા અને વાપી રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓ માત્ર છત દેખાય તેટલી ડૂબી ગઈ છે.
સોસાયટીઓના બેઝમેન્ટ જળમગ્ન
વલસાડની અનેક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. પાર્કિંગમાં રાખેલા વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. 22 જુલાઈના રોજ વલસાડમાં માત્ર 10 કલાકમાં 243 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર સમુદ્ર જેવા દ્રશ્યો સર્જાયા હતા. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના જણાવ્યા મુજબ આપદા વ્યવસ્થાપન ટીમ સતત તૈનાત છે.
રાજ્યભરમાં રાહત અને બચાવ કામગીરી
સુરતમાં આશરે 1,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં કાવેરી નદીની જળસપાટી વધતાં 11 ગામોમાંથી 200 લોકોને ઉગારી લેવાયા છે. તાપી જિલ્લામાં વરસાદને કારણે 1 વ્યક્તિનું મોત થયું છે. NDRF, SDRF, ભારતીય વાયુસેના અને તટરક્ષક દળને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
સુરત શહેર અને આસપાસના તાલુકાઓમાં જળબંબાકાર
સુરતના ઉધના-નવસારી મુખ્ય માર્ગ પર ભારે પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. ઉમરપાડા, બારડોલી, મહુવા, કામરેજ અને પલસાણા તાલુકામાં ભારે વરસાદ થયો છે. પાંડેસરા વિસ્તારમાં બોટની મદદથી 40 લોકોને ઉગારાયા છે. સુરતમાં NDRF ની 2 અને SDRF ની 5 ટીમો કાર્યરત છે.
નવસારીમાં અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર
નવસારી અને ડાંગ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ડાંગની અંબિકા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર અને કાવેરી નદી 4 ફૂટ ઉપર વહી રહી છે. અનેક ડેમ ઓવરફ્લો થતાં 17 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને રસ્તાઓ બંધ કરી દેવાયા છે.
કાવેરી નદીના રૌદ્ર રૂપથી તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું
મેઘતાંડવને કારણે નવસારીમાં નદીઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીના રૌદ્ર સ્વરૂપને કારણે પ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે અલાર્મ જાહેર કરવામાં આવ્યો છે.
તાપીમાં વાલ્મિકી નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા
મેઘકહેરના કારણે તાપી જિલ્લો જળબંબાકાર બની ગયો છે. વાલ્મિકી નદીમાં ભયાનક ઘોડાપૂર આવતા વાલોડ તાલુકામાં નદીના પૂરના પાણી લોકોના ઘરો સુધી ઘૂસી ગયા છે. સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સાહસ કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં વરસાદી આફત અને અંડરપાસ બંધ
અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી જ મુસળધાર વરસાદ વરસ્યો હતો. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને શહેરના નીચાણવાળા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માણેકબાગ ચોકડી પર કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં ટ્રેન વ્યવહાર ખોરવાતાં પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પડેસ્ક શરૂ કરાયો છે. રાજ્યમાં 300 થી વધુ રસ્તાઓ બંધ થયા છે.
અમદાવાદના થલતેજમાં વાહનો તણાયા
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે એક મોટી ગાડી નીકળતાં તેની પાછળ નાની ગાડીઓ પાણીમાં રમકડાંની જેમ તણાવા લાગી હતી. જોકે, આગળ જઈને એ મોટી ગાડી પણ પાણીના કારણે બંધ પડી ગઈ હતી.
સેટેલાઇટમાં સ્ટાર બજાર નજીક દીવાલ ધરાશાયી
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. સ્ટાર બજાર નજીક આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટની રક્ષણાત્મક દીવાલ ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 62 ટકાથી વધુ અને સમગ્ર રાજ્યમાં સરેરાશ 36 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા
મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થઈ ગયું છે. પાલઘરના દહાણુ વિસ્તારમાં રસ્તાઓ પર 3 થી 4 ફૂટ પાણી વહી રહ્યા છે. દહાણુ બસ ડેપો, કંક્રાટી રોડ અને ઈરાની રોડ જળમગ્ન બન્યા છે. વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ જતાં મોટા પાયે નુકસાન થયું છે.
વસઈ, નાલાસોપારા અને નાસિકમાં બેહાલ સ્થિતિ
વસઈ અને નાલાસોપારાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળબંબાકાર છે. નાલાસોપારામાં ગાળા નગર પાસે રિક્ષાઓ પાણીમાં તરતી જોવા મળી હતી. નાસિકમાં ગોદાવરી નદીમાં પૂર આવતાં એક વ્યક્તિ ફસાયો હતો જેને અગ્નિશામક દળે રેસ્ક્યૂ કર્યો હતો. ગંગાપુર અને ડારણા ડેમમાંથી પાણી છોડાતાં નદીની સપાટી વધુ વધી છે.
જમ્મુ-કાશ્મીરમાં ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલન
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને પગલે ફ્લેશ ફ્લડ અને લેન્ડસ્લાઈડની ઘટનાઓ બની છે. રિયાસીમાં ચેનાબ નદીનું સ્તર વધતાં સલાલ ડેમ અને બગલિહાર ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. NHPC દ્વારા લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે.
રાજૌરી અને ડોડામાં પહાડો પરથી પથ્થરો પડ્યા
રાજૌરીમાં પહાડી વિસ્તારોમાં ઘોડાપૂર આવ્યું છે. ડોડામાં ભૂસ્ખલન દરમિયાન પહાડ પરથી મોટા પથ્થરો પડતાં એક કાર દબાઈ ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે દોરડાની મદદથી વાહનને બહાર કાઢ્યું હતું. ગુરેજ અને શ્રીનગરના તેલબલ વિસ્તારમાં પણ નદીઓ ઉફાન પર છે.
બાંડીપોરામાં પૂરના કારણે મહિલાનું મોત
બાંડીપોરામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. રેસ્ક્યૂ ટીમે મુશ્કેલ કામગીરી બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોના મોત થયા છે અને માળખાકીય સુવિધાઓને મોટું નુકસાન પહોંચ્યું છે.









