India

VIDEO : દિલ્હીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની આશંકા

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના રોહિણી સેક્ટર 16માં ભારે વરસાદને કારણે બુધવારે સાંજે 4:20 વાગ્યે એક જૂનું મકાન ધરાશાયી થયું. MCD સ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં કાટમાળ નીચે લોકો દબાયા હોવાની આશંકા છે. દિલ્હી ફાયર સર્વિસની 4 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ જાનહાનિ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : દિલ્હીમાં વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દબાયા હોવાની આશંકા

Delhi Building Collapse : દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીના સેક્ટર 16 માં આવેલું એક જૂનું મકાન ભારે વરસાદના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું છે. મકાન તૂટી પડવાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.

સાંજે 4:20 વાગ્યે ઘટના બની
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'આ દુર્ઘટનાની માહિતી બુધવારે સાંજે આશરે 4:20 વાગ્યે મળી હતી.' રોહિણી સેક્ટર 16 માં આવેલી એમસીડી (MCD) સ્કૂલ પાસે આ મકાન અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું.

કાટમાળ નીચે લોકો દબાયાની આશંકા
સ્થાનિક વહીવટીતંત્રને આશંકા છે કે મકાનના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે. કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ફાયર બ્રિગેડની 4 ટીમો ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી ફાયર વિભાગે તાત્કાલિક 4 રેસ્કયૂ ટીમોને ઘટનાસ્થળે રવાના કરી દીધી છે. બચાવકર્મીઓ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. રાહત કાર્યમાં કોઈ અડચણ ન આવે તે માટે સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને પણ સુરક્ષિત કરી દેવાયો છે.

જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી
આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગનો કાટમાળ વેરવિખેર દેખાય છે અને સ્થાનિક લોકો મદદ માટે દોડધામ કરતા નજરે પડે છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી.