VIDEO: 'તમને બીજી રીતે જોઈ લઈશ!', SIR મતદાર યાદી વિવાદમાં રાહુલ ગાંધીએ SDMનો ઉધડો લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Delhi SIR : દિલ્હીમાં ચાલી રહેલી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) અંગે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સોમવારે તેમણે યમુના કિનારે આવેલા બેલા એસ્ટેટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દાવો કર્યો કે અહીં રહેતા 728 લોકોમાંથી SIR બાદ મતદાર યાદીમાં માત્ર એક વ્યક્તિનું નામ બચ્યું હતું, જ્યારે 727 નામ કાઢી નાખવામાં આવ્યાં હતા.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, બેલા એસ્ટેટમાં રહેતા લોકો હતોલ્લા અનેક વર્ષોથી અહીં વસવાટ કરે છે. આ લોકોએ 2024ની લોકસભા ચૂંટણી અને 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. વર્ષ 2023માં તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હોવા છતાં તેઓ વિસ્તાર છોડીને ગયા નથી અને હજુ પણ અહીં જ રહે છે.
SDMને ફોન કરી પૂછ્યો સવાલ
સ્થાનિક લોકો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ને ફોન કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે કોઈ વ્યક્તિ પાસે પોતાનું ઘર હતુ કે નહીં, તેનો તેના મત આપવાના અધિકાર સાથે શું સંબંધ છે? રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ‘હાઉસ નંબર 0’નો ઉપયોગ બેઘર લોકો માટે થતો હોવાનું કહ્યું હતું. તો પછી 727 લોકોનાં નામ શા માટે કાઢવામાં આવ્યાં?
દિલ્હીમાં 47 લાખથી વધુ નામ ડ્રાફ્ટ યાદીમાં નથી
31 ઓગસ્ટે જાહેર થયેલી દિલ્હીની SIR ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 97.5 લાખ મતદારોનાં નામ છે. અગાઉની યાદીની સરખામણીએ આશરે 47.5 લાખ નામ ડ્રાફ્ટમાં જોવા મળ્યાં નથી. આશરે 33.13 લાખ મતદારોને તેમના ગણતરી ફોર્મમાં વિસંગતતા અંગે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળવાનો અર્થ આપમેળે મતદાર યાદીમાંથી નામ કાયમી રીતે કાઢી નાખવું એવો નથી.
અંતિમ મતદાર યાદી 4 ડિસેમ્બરે
ચૂંટણી પંચે દિલ્હીમાં SIR હેઠળ દાવા અને વાંધા રજૂ કરવાની સમયમર્યાદા વધારીને 30 ઓક્ટોબર કરી હતી. નોટિસ, દાવા અને વાંધાના નિકાલ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. દિલ્હીની અંતિમ મતદાર યાદી હવે 4 ડિસેમ્બરે જાહેર થવાની છે. ચૂંટણી પંચે એવી પણ વ્યવસ્થા કરી હતી કે વિસંગતતા અંગે નોટિસ મેળવનારા મતદારો પાસેથી દસ્તાવેજો એકત્ર કરવા બૂથ લેવલ ઓફિસર તેમના ઘરે જશે. ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તેવા પાત્ર લોકો પણ નિર્ધારિત પ્રક્રિયા હેઠળ નામ ઉમેરવા માટે દાવો કરી શકે છે.




