India

VIDEO : મધ્યપ્રદેશના રીવામાં ગમખ્વાર અકસ્માત : બસ અને બલ્કર સામસામે ધડાકાભેડ અથડાયા, 12ના મોત

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં NH-39 પર બદબાર સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સીધીથી આવતી પવન એક્સપ્રેસ બસ અને રીવાથી આવતા બલ્કર ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા 12 લોકોના મૃત્યુની આશંકા છે. આ દુર્ઘટનામાં 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અને રાહત ટીમો બચાવ કાર્યમાં જોડાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મધ્યપ્રદેશના રીવામાં ગમખ્વાર અકસ્માત : બસ અને બલ્કર સામસામે ધડાકાભેડ અથડાયા, 12ના મોત

Madhya Pradesh Bus-Bulker Accident : મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 39 પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના બદબાર સ્ટેન્ડ નજીક બની હતી, જ્યાં સીધી તરફથી આવી રહેલી પવન એક્સપ્રેસ બસ અને રીવા તરફથી આવી રહેલા બલ્કર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં પ્રાથમિક અહેવાલો મુજબ આશરે 12 લોકોના મોતની આશંકા છે, જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ, ઘાયલો હોસ્પિટલ ખસેડાયા

ટક્કર એટલી પ્રચંડ હતી કે બસના કુરચેકુરચા ઊડી ગયા હતા અને ઘટનાસ્થળે ભયંકર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગુઢ પોલીસ સ્ટેશનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન અને રાહત ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકોના સહકારથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં આશરે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહનો દ્વારા તાબડતોબ રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

બદબાર સ્ટેન્ડ નજીક સામસામે ભીષણ ટક્કર

મળતી વિગતો અનુસાર, આ ગોઝારો અકસ્માત બદબાર સ્ટેન્ડ નજીક બન્યો હતો. રીવાથી સીધી તરફ જઈ રહેલી પવન ટ્રાવેલ્સની મુસાફરોથી ભરેલી બસ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા બલ્કર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસ ચાલકે કાબૂ ગુમાવતાં તે રસ્તાની બાજુમાં આવેલા તળાવ જેવા ઊંડા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.

બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા મથામણ

અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનું માળખું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોવાથી અંદર બેઠેલા અનેક મુસાફરો કચડાઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બસમાં ફસાયેલા લાચાર મુસાફરોને હેમખેમ બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમ દ્વારા ક્રેનની મદદ લેવામાં આવી રહી છે.

પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે તહેનાત

દુર્ઘટનાની ગંભીરતા જોતાં ગુઢ પોલીસ મથકનો કાફલો અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોની મદદ લઈને ઈજાગ્રસ્તોને સતત બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને બચાવ દળના જવાનો ત્વરિત ગતિએ રાહત કામગીરી પાર પાડી રહ્યા છે.