VIDEO : દિલ્હી પોલીસે રાહુલ-પ્રિયંકાની અટકાયત કરી, આકાશવાણી ભવનની બહાર જોરદાર હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

INDIA Bloc Protest, Rahul Gandhi And Priyanka Gandhi Detained : ચૂંટણી પંચ સામે સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી રહેલા INDIA ગઠબંધનના નેતાઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરી લીધી છે.
અનેક મોટા નેતાઓની અટકાયત કરાઈ
આકાશવાણી ભવન બહાર લગભગ 5 કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને જોરદાર હોબાળા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, અભિષેક બેનર્જી, ચરણજીત સિંહ ચન્ની, દીપેન્દ્ર હુડ્ડા અને પવન ખેડા સહિત વિપક્ષના તમામ મોટા નેતાઓને કસ્ટડીમાં લઈ લીધા છે. 140થી વધુ સાંસદોની આ વિરોધ માર્ચ દરમિયાન સ્થિતિ વણસતાં સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.
આકાશવાણી ભવન બહાર હોબાળો, 5 કલાકના ધરણા બાદ ધરપકડ
ચૂંટણી પંચ તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને પોલીસે આકાશવાણી ભવનના ગેટ પર જ રોકી દીધા હતા. આ પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ ચૂંટણી પંચથી આશરે 200 મીટર દૂર રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા.
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ
રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ‘અમે માત્ર ચૂંટણી પંચને મળીને એ કહેવા માંગીએ છીએ કે તમે વોટ ચોરી કરી છે. સાંસદો ચૂંટણી કમિશનરને મળશે અને તેમણે મળવું જ પડશે. દેશના અવાજનું અપમાન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મળવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં.’ જોકે, લાંબા હોબાળા બાદ આખરે પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરી લીધી હતી.
આકાશવાણી ભવનના ગેટ પર અફરાતફરીનો માહોલ
રાહુલ ગાંધી આકાશવાણી ભવનના રસ્તે થઈને નિર્વાચન સદન પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગેટ પર જ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. થોડી જ વારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં પહોંચી ગયા હતા.
મહુઆ મોઇત્રાએ આકાશવાણી પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આકાશવાણી પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા હતા. આ સાથે કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ અને ડેરેક ઓ બ્રાયન પણ ગેટ પાસે પહોંચી જતાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
ચૂંટણી પંચ મુલાકાત કેમ નથી કરતું: રાહુલ ગાંધીનો સવાલ
અટકાયત પહેલાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આજે 300થી વધુ વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણી પંચ તરફ માર્ચ કરી ચૂંટણી કમિશનરોને મળવા માંગતા હતા. આ સાંસદો દેશના કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં ચૂંટણી કમિશનરો તેમની સાથે મુલાકાત કેમ નથી કરી રહ્યા? પોલીસ અમને શા માટે રોકી રહી છે અને ધમકીઓ કેમ આપવામાં આવી રહી છે?’ બીજી તરફ, ચૂંટણી પંચના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમને કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી પક્ષ તરફથી બેઠક અંગે કોઈ સત્તાવાર વિનંતી મળી નથી.
યુથ કોંગ્રેસ અને મહિલા કાર્યકરોનો ભાજપ મુખ્યાલય બહાર વિરોધ
આકાશવાણી ભવન બહાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી સુરભિ દ્વિવેદીએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલી તમામ મહિલાઓ કોંગ્રેસ શક્તિ અભિયાન સાથે જોડાયેલી છે. આ મહિલા કાર્યકરોએ ભાજપ મુખ્યાલય અને ભાજપ એક્સટેન્શન ઓફિસ બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બેરિકેડ પર ચઢીને વિરોધ, રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
વિપક્ષી માર્ચને રોકવા માટે સંસદ ભવનથી 400 મીટર દૂર જ પહેલું બેરિકેડ લગાવી દેવાયું હતું. સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્ક અન્ય સાંસદો સાથે નીતિ આયોગ પાસે લાગેલા બેરિકેડ પર ચઢી ગયા હતા. રાહુલ ગાંધીએ પણ બેરિકેડ પર ચઢીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે: અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી હતી. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે, "ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી અને બંધારણ મુજબ કામ કરી રહ્યું નથી. પશ્ચિમ બંગાળમાં ફોર્સના જોરે બૂથ લૂંટાયા અને ઉત્તર પ્રદેશમાં પણ આવું જ થયું હતું. જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી ચૂંટણી પંચે ભાજપ માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે." તેમણે પેટાચૂંટણીમાં પણ મોટાપાયે ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો.
15,000 PDA મતદારોના નામ હટાવવાનો ગંભીર આરોપ
સપા સાંસદ રાજીવ રાયે મોટો આક્ષેપ કર્યો કે PDA મતદારોના નામ જાણીજોઈને હટાવવામાં આવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલા 15,000 મતદારોના પુરાવા રજૂ કર્યા હતા, પરંતુ ચૂંટણી પંચ કે સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. પ્રદર્શનમાં સામેલ સપા સાંસદ ઇકરા હસને જણાવ્યું કે એક રિપોર્ટ મુજબ 14 વખત સર્વસંમતિથી નિર્ણય થઈ શક્યો નહોતો. તેમણે ઉમેર્યું કે વિપક્ષ પહેલા દિવસથી કહી રહ્યો છે કે જ્ઞાનેશ કુમાર ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે.
જ્ઞાનેશ કુમાર દેશના દુશ્મન: સંજય રાઉત
વિરોધ માર્ચમાં જોડાયેલા શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે પોલીસ તૈનાતી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, "અમે પદયાત્રા કરી રહ્યા છીએ, અમારી પાસે કોઈ હથિયાર નથી. અમે ફક્ત પંચની ઓફિસે જઈને જ્ઞાનેશ કુમારને રાજીનામું આપવા કહેવા માંગીએ છીએ. તેઓ દેશના દુશ્મન છે, આના માટે આટલા મોટા પોલીસ બંદોબસ્તની કોઈ જરૂર નહોતી."
3000થી વધુ પોલીસકર્મી તૈનાત, બોડી કેમેરા સાથે પહેરો
વિરોધ પ્રદર્શનને જોતાં નવી દિલ્હી જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 3000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં પુરુષોની 27 અને મહિલાઓની 4 કંપનીઓ સામેલ છે (એક કંપનીમાં 100-115 જવાનો હોય છે). આ ઉપરાંત RAF અને CISFને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. સ્થિતિની ગંભીરતા જોતા નવી દિલ્હીના ડીસીપી સચિન શર્મા સહિત પોલીસકર્મીઓ બોડી કેમેરા પહેરીને ડ્યુટી કરી રહ્યા છે.
દિલ્હીમાં ટ્રાફિક ડાયવર્ઝન
પ્રદર્શનના પગલે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે. કનોટ પ્લેસ, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ, અશોક રોડ અને જંતર-મંતર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી માર્ચથી અલગ રહી
આ વિરોધ પ્રદર્શનથી આમ આદમી પાર્ટી (AAP) સંપૂર્ણપણે દૂર રહી છે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું કે SIR સામે દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે અને પાર્ટી માને છે કે આ જનઆંદોલન છે. જોકે, આ INDIA ગઠબંધનનું રાજકીય આયોજન હોવાથી AAP તેમાં સામેલ નથી અને તેઓ આ લડાઈ પોતાની રીતે લડી રહ્યા છે.




