India

VIDEO: બેંગલુરુમાં રસ્તા પર દેખાયો કોબ્રા, ફેણ ફેલાવીને બેસી જતા 30 મિનિટ ટ્રાફિક જામ

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
બેંગલુરુમાં 7 જુલાઈની સાંજે પેલેસ રોડ પર અનોખો ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તાની વચ્ચોવચ એક કોબ્રા ફેણ ફેલાવીને બેસી જતાં 30-40 મિનિટ સુધી વાહનો થંભી ગયા હતા. પોલીસે તાત્કાલિક પહોંચી, વન વિભાગની મદદથી સાપનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ રમૂજી પ્રતિક્રિયાઓ આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: બેંગલુરુમાં રસ્તા પર દેખાયો કોબ્રા, ફેણ ફેલાવીને બેસી જતા 30 મિનિટ ટ્રાફિક જામ

Bengaluru traffic meets a Cobra: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ટ્રાફિક જામ થવો એ કોઈ નવી વાત નથી, પરંતુ સાતમી જુલાઈની સાંજે પેલેસ રોડ પર વાહનચાલકોને એક એવો ટ્રાફિક જામ જોવા મળ્યો જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. રસ્તાની વચ્ચે એક ભયાનક કોબ્રા (નાગ) ફેણ ફેલાવીને બેસી જતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અનોખા ‘VIP’ના કારણે વ્યસ્ત ગણાતા પેલેસ રોડ પર લગભગ 30 થી 40 મિનિટ સુધી વાહનોની ગતિ થંભી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો શેર કરતા રમુજી અંદાજમાં લખ્યું, ‘બેંગલુરુ ટ્રાફિકને તેના નવા VIP મળ્યા, પેલેસ રોડ પર એક કોબ્રા! એવું લાગતું હતું કે સાપે ટ્રાફિકના તમામ નિયમોની પરવા કર્યા વગર, રસ્તાની વચ્ચોવચ પોતાની ફેણ પૂરી ખોલીને 30 મિનિટનું સાંજનું મેડિટેશન સેશન શરૂ કરી દીધું છે.’
તો બીજા એક યુઝરે રમૂજ કરતા લખ્યું કે, ‘બેંગલુરુને એક નવો ટ્રાફિક કંટ્રોલર મળી ગયો છે. તો કોઈએ ટિપ્પણી કરી, ‘માત્ર બેંગલુરુમાં જ એવું બની શકે કે, BMW કાર વિના પણ એક કોબ્રા આખો ટ્રાફિક જામ કરી દે!’

પોલીસે આવીને સાપનું રેસ્ક્યૂ કર્યું
આ અણધાર્યા રોડ બ્લોકના લીધે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને ડર જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગ અથવા નિષ્ણાતોની મદદથી પોલીસે સાપને ખૂબ જ સુરક્ષિત રીતે ત્યાંથી પકડી લીધો હતો. આ ઓપરેશનમાં રાહદારીઓ કે સાપ કોઈને પણ ઇજા પહોંચી ન હતી. સાપને રસ્તા પરથી હટાવ્યા બાદ ટ્રાફિક ફરી રાબેતા મુજબ શરૂ કરાયો હતો.

નિષ્ણાતોના મતે, બદલાતા હવામાન અને શહેરીકરણના કારણે અવારનવાર વન્યજીવો પોતાના કુદરતી આવાસ છોડીને આવા અજાણ્યા શહેરી વિસ્તારોમાં આવી ચઢતા હોય છે. સામાન્ય રીતે ટ્રાફિક જામમાં હોર્નનો અવાજ અને લોકોનો ગુસ્સો જોવા મળતો હોય છે, પરંતુ બેંગલુરુના વાહનચાલકો માટે આ એક એવો ટ્રાફિક જામ હતો જે કોઈ હોર્ન કે રોડ રેજ વિના, માત્ર એક કોબ્રાની શાંતિપૂર્ણ હાજરીના કારણે સર્જાયો હતો.