Tamil Nadu TVK government: તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય માટે મુખ્યમંત્રી બનવાનો અને સરકાર રચવાનો માર્ગ હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. શનિવારે VCK અને IUML એ તેમની પાર્ટી TVKને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી. બંને પક્ષો પાસે 2-2 ધારાસભ્યો છે અને તેમના સમર્થન બાદ વિજય પાસે કુલ 120 ધારાસભ્યોનું સમર્થન થઈ ગયું છે. જે બાદ મોડી સાંજે TVK પ્રમુખ વિજય રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં વિજયે બહુમતીના સમર્થન સાથે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. જેને સ્વીકારવામાં આવતા આવતીકાલ રવિવારે સવારે 10 વાગ્યા આસપાસ વિજય મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
TVKને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો
તમિલનાડુના રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળ્યો છે, જેમાં VCK પ્રમુખ થોલ. તિરુમાવલવને સત્તાવાર રીતે વિજયની પાર્ટી TVKને સમર્થન જાહેર કર્યું છે. તિરુમાવલવને ટીવીકેના ચૂંટણી પ્રચાર સંચાલન અને જનરલ સેક્રેટરી આધવ અર્જુનને સમર્થનનો સત્તાવાર પત્ર સોંપ્યો હતો. આ પત્ર દ્વારા VCK એ રાજ્યમાં સરકાર બનાવવા માટેTVKને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.

તમિલનાડુમાં કઈ પાર્ટી પાસે કેટલી બેઠકો?
તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK 108, DMKને 59 બેઠકો, AIADMKને 47, કોંગ્રેસ 5, PMKને 4, IUML 2, CPI 2, CPI(M) 2, VCK 2 અને BJP, DMDK તથા AMMKને 1-1 બેઠક મળી છે.
આ પણ વાંચો: રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ 'X' પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી
વિજયને કઈ કઈ પાર્ટીનો સપોર્ટ મળ્યો?
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ વિજયની પાર્ટી TVKને 108 બેઠકો મળી હતી, વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બાદમાં તેમણે એક બેઠક છોડવી પડશે. ટીવીકે(TVK)ને સૌથી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત, CPI અને CPIMના બે-બે ધારાસભ્યોએ પણ ટેકો જાહેર કર્યો હતો. જેનાથી આ આંકડો વધીને 116 પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ સૌની નજર વીસીકે (VCK) પર ટકેલી હતી. આ પાર્ટીએ કોઈપણ શરત વગર ટીવીકેને સમર્થન આપ્યું છે. VCK બાદ ઇન્ડિયન મુસ્લિમ લીગ(IUMLS)એ પણ વિજયને સમર્થન જાહેર કર્યું છે. TVKના નેતા અર્જુને સમર્થન આપવા બદલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK પ્રમુખ થિરૂમાવલવનનો આભાર માન્યો અને જણાવ્યું હતું કે 'વિજય મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે.'


