આઝાદીની લડાઇમાં 'વંદે માતરમ' ભારતનો અવાજ બની ગયું હતું : મોદી

1937માં વંદે માતરમના બે ટુકડા કરાયા હતા : વડાપ્રધાન
વંદે માતરમની રચનાને 150 વર્ષ થતા મોદીએ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કર્યા, સંપૂર્ણ ગીતનું ગાયન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વંદે માતરમ આ શબ્દ એક મંત્ર, એક ઉર્જા, સ્વપ્ન, સંકલ્પ છે. વંદે માતરમ એ મા ભારતીની સાધના છે, મા ભારતીની આરાધના છે. વંદે માતરમ આપણને ઇતિહાસમાં લઇ જાય છે અને આપણા વર્તમાનને નવા આત્મવિશ્વાસથી ભરી નાખે છે જ્યારે ભવિષ્યને નવી હિમ્મત આપે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ૭ નવેમ્બરનો દિવસ ઐતિહાસિક છે. આ દિવસે જ આપણે વંદે માતરમના ૧૫૦મા વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ પુણ્ય અવસર આપણને નવી પ્રેરણા આપશે.
આ દિવસને વિશેષ બનાવવા માટે સાત નવેમ્બરના રોજ વંદે માતરમ વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા હતા. ગુરૂદેવ રવીન્દ્રનાથ ઠાકુરે એક વખત કહ્યું હતું કે બંકિમચંદ્રની આનંદમઠ માત્ર એક નવલકથા નથી, આ સ્વાધીન ભારતનું સ્વપ્ન છે, આનંદમઠમાં વંદે માતરમનો પ્રસંગ અને તેની તમામ પંક્તિ, બંકિમ બાબુના તમામ શબ્દો અને ભાવ વગેરેનું પોતાનું મહત્વ હતું અને આજે પણ છે. વંદે માતરમની રચના જરૂર ગુલામીના કાળમાં થઇ હોય પરંતુ તેના શબ્દો ક્યારેય પણ ગુલામીના પડછાયામાં કેદ નથી રહ્યા. નોંધનીય છે કે ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વંદે માતરમની રચના કરાઇ હતી. દેશની આઝાદીની લડાઇમાં આ રાષ્ટ્રગીત બહુ જ પ્રખ્યાત થયું હતું. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે ૧૯૩૭માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ટુકડા કરી નખાયા હતા. વંદે માતરમના વિભાજને દેશના વિભાજનના બીજ રોપ્યા હતા.









