ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: 31 બોલમાં ફિફ્ટી, ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs Zimbabwe 3rd T20, Vaibhav Suryavanshi Fifty : ઝિમ્બાબ્વે પ્રવાસ પર યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સિરીઝની પ્રથમ મેચમાં પોતાની બેટિંગથી છાપ છોડ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ હવે ત્રીજી T20 મેચમાં પણ પોતાની તોફાની બેટિંગથી ઝિમ્બાબ્વેના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા છે. તેણે માત્ર 31 બોલમાં પોતાના આંતરરાષ્ટ્રીય T20 કરિયરની બીજી અર્ધસદી પૂરી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.
ટોસ જીતીને ભારતે બેટિંગ પસંદ કરી
આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસનું નસીબ આજકાલ ટોસના મામલે ખૂબ જ ઉત્તમ ચાલી રહ્યું છે. તેણે પોતાની છેલ્લી 10 મેચોમાંથી 9 વાર ટોસ જીત્યો છે. ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો ભારતે પ્લેઈંગ-11 માં 2 ફેરફાર કર્યા છે. પ્રિન્સ યાદવની જગ્યાએ અશોક શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે શિવમ દુબેની જગ્યાએ સૂર્યાંશ શેડગેને રમવાની તક મળી છે.
અભિષેક શર્મા સસ્તામાં આઉટ
બીજી તરફ, ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ પણ ટીમમાં 1 ફેરફાર કર્યો છે. તેણે ઈજાના કારણે બહાર થયેલા રિચર્ડ એનગરાવાની જગ્યાએ અનુભવી સ્પિનર વેલિંગ્ટન મસાકાદઝાને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ભારતીય ઈનિંગ્સની શરૂઆત બહુ સારી રહી નહોતી. ઓપનર અભિષેક શર્મા સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાનીએ અભિષેકને પોતાનો શિકાર બનાવ્યો હતો, જે 4 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ ફટકારી વિસ્ફોટક ફિફ્ટી
અભિષેક ઝડપથી આઉટ થવા છતાં વૈભવ સૂર્યવંશીએ બીજા છેડેથી આક્રમક વલણ ચાલુ રાખ્યું હતું. તેણે ઝિમ્બાબ્વેના ફાસ્ટ અને સ્પિન બોલરો પર આકરા પ્રહારો કર્યા હતા અને મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગા ફટકારીને 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. વૈભવે 49 બોલમાં 81 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 4 છગ્ગા પણ જોવા મળ્યા હતા.
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતીય ટીમ: વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ, અશોક શર્મા, યશ ઠાકુર, મયંક યાદવ.
ઝિમ્બાબ્વે ટીમ: બ્રાયન બેનેટ, બેન કરન, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રેયાન બર્લ, વેસ્લી મધેવેરે (વિકેટકીપર), તદિવાનાશે મારુમાની, બ્રેડ ઈવાન્સ, ન્યુમેન ન્યામહૂરી, વેલિંગ્ટન મસાકાદઝા, બ્લેસિંગ મુઝારાબાની.









