આંધી-તોફાન અને વીજળી પડવાથી 89 લોકોના મોત! ઉત્તર પ્રદેશમાં કુદરતે વિનાશ વેર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh Storm Deaths: ઉત્તર પ્રદેશમાં બુધવારે સાંજે આવેલા પ્રચંડ તોફાન, ધૂળની ડમરીઓ અને ભારે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ સાત જિલ્લાઓમાં કુદરતના આ તાંડવને કારણે અત્યાર સુધીમાં 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રારંભિક આંકડો 27 હતો, જે વધીને 89 પર પહોંચી ગયો છે. તોફાન એટલું શક્તિશાળી હતું કે, સેંકડો વૃક્ષો ઉખેડી નાખ્યા, મકાનોને નુકસાન પહોંચાડ્યું અને વીજળી તેમજ સંદેશાવ્યવહારના નેટવર્કને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.
પ્રયાગરાજ ડેથ ઝોન બન્યું
સૌથી વધુ જાનહાનિ પ્રયાગરાજ જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં તોફાને 21 લોકોનો ભોગ લીધો છે. સત્તાવાર આંકડાઓ મુજબ અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં
પ્રયાગરાજ: 21 મોત
સંત રવિદાસ નગર (ભદોહી): 15 મોત
ફતેહપુર: 11 મોત
મિર્ઝાપુર: 10 મોત
ઉન્નાવ: 06 મોત
બદાયું: 05 મોત
બરેલી અને પ્રતાપગઢ: 4-4 મોત
હરદોઈ, કાનપુર દેહાત અને સંભલ: 2-2 મોત
આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
પ્રયાગરાજ સંગમ કિનારે પણ તબાહી
પ્રયાગરાજમાં ધૂળની ડમરીઓ અને તેજ પવનને કારણે હાંડિયામાં 7, ફૂલપુરમાં 4, સોરાંવમાં 3 અને મેજામાં 2 લોકોના મોત થયા છે. તોફાનની તીવ્રતા એટલી હતી કે, ત્રિવેણી સંગમ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ અને પંડાઓ દ્વારા બનાવવામાં આવેલી ઝૂંપડીઓ ઉખડી ગઈ હતી. શહેરના મુખ્ય માર્ગો જેવા કે, મહાત્મા ગાંધી માર્ગ અને અશોક નગર પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ભરબપોરે અંધારપટ
ભદોહીમાં સાંજે 5 વાગ્યે અચાનક વાતાવરણ બદલાયું હતું અને કાળા ડિબાંગ વાદળોને કારણે દિવસના સમયે અંધારું છવાઈ ગયું હતું. સૂરિયાવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ખડગસેનપુર ગામમાં એક કરુણ ઘટના બની હતી. જેમાં ઘર પર વૃક્ષ પડતાં એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના મોત થયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર અહીં કુલ 15 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. મોબાઇલ નેટવર્ક ઠપ્પ થઈ જવાને કારણે રાહત કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.
માસૂમ બાળકીઓ અને શ્રમિકોનો ભોગ લેવાયો
બદાયુમાં અલગ-અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે. બિસોલી વિસ્તારમાં તોફાનથી બચવા માટે ઝૂંપડીમાં આશરો લેનાર બે માસૂમ બાળકીઓ મૌસમી (10) અને રજની (9) પર કાચી દીવાલ પડતાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું. અન્ય એક ઘટનામાં, પોતાના પિતાને ટિફિન આપવા જઈ રહેલા 22 વર્ષીય યુવાન અંશુલ શર્મા પર વૃક્ષ પડતાં તેનું મોત થયું હતું.
વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી ખાતું રસ્તા પરથી પડેલા વૃક્ષો હટાવી રહી છે જેથી ટ્રાફિક અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનો અને ટીનના શેડ ઉડી જવાને કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. ઉત્તર ભારતમાં માર્ચથી જૂન મહિના દરમિયાન ગરમીના દિવસોમાં આવા તોફાનો સામાન્ય છે, પરંતુ આ વખતનું તોફાન અસાધારણ રીતે વિનાશક સાબિત થયું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, હજુ પણ નુકસાનનું આકલન ચાલુ હોવાથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.







