NEET-PG 2026 પરીક્ષામાં હોબાળો: 10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET PG 2026 : નીટ-પીજી 2026ની પરીક્ષા 30 ઓગસ્ટે યોજાઈ હતી. તેનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો હતો, પરંતુ રાજસ્થાનના જયપુરના બે સેન્ટરોમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ કારણે પરીક્ષા શરૂ કરવામાં ખાસ્સો વિલંબ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે દર 10થી 15 મિનિટે વીજળી જતી રહેતી હતી. તેનાથી કમ્પ્યુટર સિસ્ટમ પ્રભાવિત થઈ રહી હતી અને ઘણા ઉમેદવારો યોગ્ય રીતે પરીક્ષા જ આપી શક્યા નહોતા. હવે સરકારે આ બે સેન્ટર્સ માટે ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. પરીક્ષાની નવી તારીખ 5 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.
સીતાપુરાના બે સેન્ટરોમાં વીજળી ગુલ થતાં હોબાળો
અહેવાલો અનુસાર, જયપુરના સીતાપુરાના બે સેન્ટરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ એટલે કે CBT ફોર્મેટમાં લેવાય છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષા દરમિયાન ઘણી વખત પાવર કટ થયો હતો. આ કારણે ઉમેદવારો પોતાની પરીક્ષા પૂરી કરી શક્યા નહોતા. વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો કે પાવર કટના કારણે પરીક્ષા સમયસર શરૂ પણ થઈ શકી નહોતી. અહેવાલો મુજબ, iON ડિજિટલ ઝોન iDZ સીતાપુરાના બે સેન્ટર TC નંબર 41682 અને 41683 માં વીજળી જતી રહી હતી.
સિસ્ટમ વારંવાર બંધ થવાથી ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ઘણી વખત એક જ પ્રશ્નને ફરીથી અટેમ્પ્ટ કરવાની નોબત આવી અને આખી પરીક્ષા દરમિયાન આ જ સિલસિલો ચાલતો રહ્યો હતો. ઉમેદવારો માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમને એ પણ ખબર નહોતી કે હવે પછી સિસ્ટમ ક્યારે બંધ થઈ જશે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારે જણાવ્યું કે બે કલાકમાં પરીક્ષા 10 વાર શરૂ થઈ અને 10 વાર બંધ થઈ ગઈ. આવું શા માટે થઈ રહ્યું હતું, તેનો જવાબ આપવા વાળું કોઈ નહોતું. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સેન્ટરનું સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું નહોતું. કેટલાક ઉમેદવારોના કમ્પ્યુટર ખૂલી રહ્યા હતા, જ્યારે કેટલાકના ખૂલી રહ્યા નહોતા, જેના કારણે પરીક્ષા પ્રભાવિત થઈ હતી.
વિદ્યાર્થીઓએ સેન્ટર પર જ મોરચો માંડી જવાબ માંગ્યો
અહેવાલો મુજબ, વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂરી થયા બાદ સેન્ટર પર જ મોરચો માંડી દીધો હતો. એક ઉમેદવારે જણાવ્યું કે સવારે 8:45 વાગ્યે આખા ફ્લોરના કમ્પ્યુટર બંધ થઈ ગયા હતા. ત્યારબાદ વચ્ચે લગભગ 4-5 વાર કમ્પ્યુટર શટડાઉન થઈ ગયું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે જ્યારે પરીક્ષા હોલમાં હાજર નિરીક્ષકને કમ્પ્યુટર બંધ હોવાની ફરિયાદ કરી તો તેઓ હસતા હતા.
પેપર લીક જેવી સ્થિતિ સર્જાયાનો આરોપ
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ મહિનાઓથી તૈયારી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં પરીક્ષા યોગ્ય રીતે ન યોજાવી તેમના ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું કે વારંવાર વીજળી જતી રહેતી હોવાથી પ્રશ્નપત્રનો સેક્શન A બધાએ જોઈ લીધો હતો. તેમનું કહેવું છે કે આ એક રીતે પેપર લીક જેવો જ મુદ્દો બની ગયો છે.
સરકારે શું કાર્યવાહી કરી અને નવી તારીખ કઈ?
NEET-PG ની પરીક્ષા NBEMS (નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ) દ્વારા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોઈને બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ટેક્નોલોજી પાર્ટનર અને પરીક્ષા કેન્દ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દેખરેખ રાખતી એજન્સી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ એક નોટિસ જાહેર કરીને જણાવાયું કે સીતાપુરા સેન્ટરમાં વીજળી જતી રહેવાના કારણે જે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ શકી નથી, તેમની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. આ માટે 5 સપ્ટેમ્બરની તારીખ અને બપોરે 3 વાગ્યાનો સમય નક્કી કરાયો છે.
તમામ સેન્ટરો પર ફરી પરીક્ષા લેવાની માંગ
જોકે, વિદ્યાર્થીઓની નારાજગી હજુ શાંત થઈ નથી. તેમની માંગ છે કે માત્ર એક-બે સેન્ટર પર ફરીથી પરીક્ષા યોજવાને બદલે તમામ સેન્ટરો માટે નવેસરથી પરીક્ષા યોજવામાં આવે. વિદ્યાર્થીઓની દલીલ છે કે NEET-PG જેવી પરીક્ષામાં એક-એક માર્ક રેન્ક પર મોટો પ્રભાવ પાડે છે. આવી સ્થિતિમાં અલગ-અલગ પરિસ્થિતિઓમાં પરીક્ષા આપનારા ઉમેદવારો વચ્ચે સમાનતા કેવી રીતે સુનિશ્ચિત થશે, તે એક મોટો સવાલ છે.
નિષ્પક્ષ પરીક્ષા અને પારદર્શક તપાસની માંગ
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ભૂલ તેમની નહોતી, તો પછી નુકસાન પણ તેમણે જ કેમ ભોગવવું પડે? હવે તેમની માંગ માત્ર રી-એક્ઝામ પૂરતી નથી, પરંતુ નિષ્પક્ષ પરીક્ષા, પારદર્શક તપાસ અને તમામને સમાન તક મળે તેવી વ્યવસ્થાની છે.




