| AI IMAGE |
Uttar Pradesh Wedding Fraud: સોશિયલ મીડિયા પર મિત્રતા અને પ્રેમ પછી લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે, પરંતુ તેની પાછળ છુપાયેલા જોખમો પણ તેટલા જ ખતરનાક છે. ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક મહિલા એડવોકેટ સાથે લગ્નના નામે મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વોટ્સએપ પર જે ફૌજી યુવક સાથે વાત થતી હતી, તે લગ્નમંડપમાં બદલાઈ જતાં ભારે હોબાળો મચ્યો હતો.
શુ છે સમગ્ર મામલો?
હરદોઈ જિલ્લાના શાહબાદમાં રહેતી એક મહિલા વકીલની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા મધ્યપ્રદેશના છતરપુરના એક યુવક સાથે થઈ હતી. યુવકે પોતાનું નામ રાહુલ મિશ્રા અને પોતે ભોપાલમાં ફૌજી તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે છેલ્લા 4-5 મહિનાથી વોટ્સએપ પર વાતચીત ચાલતી હતી. પરિવારજનોની સંમતિ બાદ લગ્ન નક્કી થયા અને 12-13 મેની રાત્રે જાન શાહબાદ પહોંચી.
મંડપમાં અસલી ચહેરો જોઈ દુલ્હન ચોંકી ઉઠી
લગ્નની વિધિઓ શરૂ થવાની તૈયારી હતી અને જયમાલા પહેલાં જ્યારે દુલ્હને વરરાજાનો ચહેરો જોયો ત્યારે તેને શંકા ગઈ. વોટ્સએપ પર જે ફોટા જોયા હતા અને જેની સાથે વાત થતી હતી, તે આ યુવક નહોતો. જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી, ત્યારે વરરાજાએ કબૂલાત કરી કે તેનું નામ રાહુલ નહીં પણ દેવેન્દ્ર સિંહ પરિહાર છે.
આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
વરરાજા અને જાનૈયાઓની થઈ ધોલાઈ
છેતરપિંડીની ખબર પડતા જ મંડપમાં હાજર દુલ્હનના વકીલ મિત્રો અને પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો હતો. દેવેન્દ્ર અને તેની સાથે આવેલા જાનૈયાઓને ઘેરી લીધા અને મેથીપાક આપવાનું શરૂ કર્યું. લગ્નનો માહોલ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો.
પોલીસે 9 લોકોની અટકાયત કરી
ઘટનાની જાણ થતા જ શાહબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડના ચંગુલમાંથી વરરાજા અને તેના સાથીઓને છોડાવી કસ્ટડીમાં લીધા હતા. ઈજાગ્રસ્ત વરરાજાને હોસ્પિટલ ખસેડાયો છે. દુલ્હને આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ માનવ તસ્કરી કરનારી ટોળકી હોઈ શકે છે.
વરરાજાનો લૂલો બચાવ
બીજી તરફ, દેવેન્દ્રનું કહેવું છે કે તે અને પ્રિયા (દુલ્હન) છેલ્લા પાંચ મહિનાથી પ્રેમમાં હતા અને પ્રિયાએ જ તેને લગ્ન માટે બોલાવ્યો હતો. જોકે, તે રાહુલ નામના કોઈ વ્યક્તિને ઓળખતો હોવાનો ઇનકાર કરી રહ્યો છે. પોલીસ અધિકારી આલોક રાજ નારાયણે જણાવ્યું કે, યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 9 શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે ખરેખર યુવતીની વાત કોની સાથે થતી હતી અને મંડપમાં બીજો યુવક કેમ આવ્યો.


