Get The App

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું 1 - image

Image Social Media 


shocking incident in Ulhasnagar | મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરના એક વિસ્તારમાંથી કાયદો-વ્યવસ્થા અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક જાત પંચાયતના આદેશ સામે ન ઝૂકવા બદલ અને સમાન અધિકાર માંગવા બદલ ત્રણ લાચાર મહિલાઓના જાહેરમાં વાળ કાપી, તેમના કપડાં ફાડી અર્ધનગ્ન અવસ્થામાં 2 કિલોમીટર સુધી રસ્તા પર અપમાનજનક સરઘસ કાઢવામાં આવ્યું છે.

શું હતો સમગ્ર વિવાદ?

મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં સ્થાનિક જાત પંચાયતે એક તઘલખી ફરમાન બહાર પાડીને એક સમુદાયના પીડિત પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો અને તેમના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તાજેતરમાં જ્યારે મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમ અને ભંડારો યોજાયો ત્યારે આ પરિવારના એક યુવકે પાબંદીનો વિરોધ કર્યો અને સવાલ કર્યો કે "અમારો શું વાંક છે, અમે મંદિર કેમ ન આવી શકીએ?" યુવકનું મંદિર જવું ત્યાંના કેટલાક વગદાર લોકોને પસંદ ન આવ્યું અને તેમણે લાકડી-દંડા સાથે યુવકના ઘર પર હુમલો કરી દીધો.

પોલીસ સ્ટેશન જતી વખતે વચલા રસ્તે ઘેરી લીધી

શુક્રવારે સવારે આશરે 10 વાગ્યે, ફરિયાદી કાંતા પ્રેમ રાજપૂત (50), તેમની બહેન ગીતા રાજપૂત અને પુત્રી અંજલિ આ હુમલાની ફરિયાદ નોંધાવવા માટે 'મધ્યવર્તી પોલીસ સ્ટેશન' જઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તામાં હડકમાતા ચોક પાસે આરોપીઓએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ ત્રણેય મહિલાઓને અધવચ્ચે રસ્તા પર ઘસીટી, તેમના કપડાં ફાડી નાખ્યા અને કાતર વડે સરેઆમ તેમના વાળ કાપી નાખ્યા હતા.

ભીડ તમાશો જોતી રહી, લોકો વીડિયો બનાવતા રહ્યા

ક્રૂરતાની હદ તો ત્યારે પાર થઈ ગઈ જ્યારે આરોપીઓએ ત્રણેય પીડિત મહિલાઓના ગળામાં જૂતા-ચંપલની માળા પહેરાવી દીધી અને વિઠ્ઠલવાડી સ્ટેશન સુધી આશરે બે કિલોમીટર સુધી રસ્તા પર તેમનું સરઘસ કાઢ્યું. આ દરમિયાન પીડિતોને રસ્તામાં અનેક લોકોના પગે પડવા માટે પણ મજબૂર કરાયા હતા. આ ભયાનક બર્બરતા વખતે રસ્તા પર સેંકડો લોકોની ભીડ હાજર હતી, પરંતુ કોઈ એક પણ વ્યક્તિ મહિલાઓની મદદે ન આવી. લોકો મૂકપ્રેક્ષક બનીને પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારતા રહ્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

પોલીસની કાર્યવાહી અને ધરપકડ

શરૂઆતમાં વિઠ્ઠલવાડી પોલીસે કેસને હળવાશથી લીધો હોવાના આક્ષેપો બાદ, જ્યારે વીડિયો વાયરલ થયો અને તણાવ વધ્યો ત્યારે મધ્યવર્તી પોલીસે મુખ્ય આરોપીઓ જુલી, વિણુ, પપ્પી, નિતિન થોરાત અને અન્યો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્હાસનગરના ACP શૈલેષ કાલેના જણાવ્યા મુજબ, આ મામલે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે બાકીના પુરુષ આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલુ છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.