India

દેશના ભવિષ્યની દુદર્શાની UDISE+ આંકડા ચાડી ખાય છે! 1 લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક, સુવિધાઓ જમીન પર કેમ નહીં?

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
જુલાઈ-ઑગસ્ટ 2026 દરમિયાન દેશના 10થી વધુ રાજ્યોના 25 જિલ્લાઓમાં શાળાના બાળકોએ મૂળભૂત સુવિધાઓ માટે વિરોધ પ્રદર્શન કર્યું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં પૂરતા શિક્ષકો, વીજળી, પાણી, શૌચાલય, સુરક્ષિત મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. UDISE+ રિપોર્ટ સુધારો દર્શાવે છે, પરંતુ રાજ્યો વચ્ચે મોટો તફાવત અને 1,00,843 સિંગલ-ટીચર શાળાઓ શિક્ષણની વાસ્તવિકતા છતી કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના ભવિષ્યની દુદર્શાની UDISE+ આંકડા ચાડી ખાય છે! 1 લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક, સુવિધાઓ જમીન પર કેમ નહીં?

Indian School Children Protests : જુલાઈ-ઑગસ્ટ 2026 દરમિયાન દેશના 10થી વધુ રાજ્યો અને 25 જિલ્લાઓમાં શાળાના બાળકો મૂળભૂત સુવિધાઓ માટે વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબ જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓએ કોઈ આધુનિક કે મોંઘી સુવિધા નહીં, પરંતુ પૂરતા શિક્ષકો, વીજળી, પંખા, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, સુરક્ષિત મકાન અને રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે આંદોલન કર્યું છે. બિહારના ગયામાં બાળકોએ 4 કિમી પદયાત્રા કરી SDM કચેરીએ રજૂઆત કરી હતી, તો રાજસ્થાનના અલવરમાં શાળાની છતનો ભાગ ધરાશાયી થતાં બાળકોએ સુરક્ષા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.

UDISE+ રિપોર્ટના આંકડા અને રાજ્યો વચ્ચેનું મોટું અંતર

શિક્ષણ મંત્રાલયના UDISE+ 2025-26 રિપોર્ટ મુજબ દેશમાં શાળાકીય સુવિધાઓમાં સુધારો નોંધાયો છે. રાષ્ટ્રીય સ્તરે 95% શાળાઓમાં વીજળી, 99.5%માં પીવાનું પાણી અને 98.5% શાળાઓમાં ગર્લ્સ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ આંકડા પાછળ રાજ્યો વચ્ચેનું મોટું અંતર છુપાયેલું છે. તમિલનાડુમાં 100% અને કેરળમાં 99.8% શાળાઓમાં વીજળી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં આ આંકડો 88.8% અને મધ્ય પ્રદેશમાં 90.7% જ છે. સ્વચ્છ શૌચાલયની સુવિધામાં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાષ્ટ્રીય સરેરાશથી ઘણું પાછળ છે.

1 લાખથી વધુ સિંગલ-ટીચર શાળાઓ: શિક્ષકોની ભારે અછત

શાળાકીય માળખા ઉપરાંત શિક્ષકોની અછત એ દેશ માટે સૌથી મોટો પડકાર છે. UDISE+ 2025-26ના આંકડા મુજબ દેશમાં હજુ પણ 1,00,843 શાળાઓ માત્ર 1 શિક્ષકના સહારે ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્ત્વના વિષયોના શિક્ષકો વર્ષોથી ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. રાજસ્થાનના જાલોરમાં 150 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 શિક્ષક હોવાની વિગતો સામે આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં શિક્ષકોની માંગ સાથે વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતના ધરણા પર બેઠા હતા.

RTE કાયદાનું ઉલ્લંઘન અને અમલીકરણ સામે સવાલો

RTE Act, 2009 મુજબ દરેક બાળકના શિક્ષણ માટે સુરક્ષિત મકાન, પીવાનું પાણી અને અલગ શૌચાલય કાનૂની હક છે. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકાર કરારમાં પણ પૌષ્ટિક આહાર અને શુદ્ધ પાણીનો ઉલ્લેખ છે. આમ છતાં, સરકારી ચોપડે નોંધાયેલા આંકડા અને શાળાની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કાગળ પર સુધારો દર્શાવતી સિસ્ટમ સામે બાળકોના આંદોલને તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કર્યા છે.