India

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

By GS TEAM
29 Apr 20264 mins read
TukuTouch Logo
સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઈલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈ OPEC નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઈલ ક્ષમતા વધારવા માંગે છે, તેથી તેણે પહેલી મેથી ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. યુએઈ અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મજબૂત ભાગીદારી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો?

UAE's OPEC Exit : સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈ OPEC નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઇલ ક્ષમતા વધારવા માંગે છે, તેથી તેણે પહેલી મેથી ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. યુએઈ અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મજબૂત ભાગીદારી કરી છે.

ભારતને આયાતી ઓઇલ સસ્તું મળશે

રિપોર્ટ મુજબ, યુએઈના આ નિર્ણયના કારણે વૈશ્વિક માર્કેટમાં ઓઇલની સપ્લાય વધવાની શક્યતા છે, તે વધ્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ભારત લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી હિલચાલ સીધી ભારતને અસર કરશે.

મોંઘવારીમાં પણ રાહત મળશે

યુએઈ ઓપેકમાંથી ખસીને ક્રૂડ ઓઇલ ક્ષમતા વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ ઘટશે, તેનાથી ભારત સહિતના દેશોને આયાત કરેલું ઓઇલ સસ્તું મળશે અને તેના કારણે મોંઘવારીમાં પણ રાહત મળશે. યુએઈ ભારતનો મિત્ર દેશ છે અને બંને દેશો વચ્ચે અનેક સેક્ટરોમાં ભાગીદારી છે, યુએઈ ઓઇલ ક્ષમતા વધારશે તો ભારતેને તેનો ફાયદો થશે. બીજીતરફ પાકિસ્તાન માટે આ સ્થિતિ આર્થિક દબાણ અને રણનીતિ સમસ્યા વધે તેવું બની શકે છે.

યુએઈએ કેમ ખસી જવાનો નિર્ણય લીધો?

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈએ ઓપેકમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન યુએઈએ ઈરાનના હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, તેને ખાડી સહયોગ પરિષદ(GCC)ના દેશોનો પણ સાથ મળ્યો ન હતો, જેની તેને આશા હતી. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરીને પાછીપાની કરી છે. આ જ કારણે યુએઈ સૈન્ય દૃષ્ટિએ પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યો છે.

યુએઈ પાકિસ્તાનથી નારાજ

યુએઈનું માનવું છે કે, પાકિસ્તાને મધ્યસ્થાની ભૂમિકા નિભાવી ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું નથી, જેના કારણે તે નારાજ થયું છે. આ જ કારણે યુએઈએ પાકિસ્તાનને આપેલા 3.5 અબજ ડૉલરનું દેવું સમય પહેલા માંગી લીધું છે. આ રકમ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારનો મોટો હિસ્સો હતો. જોકે પછી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ત્રણ અબજ ડૉલરની લોન આપીને રાહત આપી છે. આ ઉપરાંત સાઉદીએ 5 અબજ ડૉલરની ક્રેડિટ આપવાનું પણ વચન આપ્યું છે. સપ્ટેમ્બર-2025માં પાકિસ્તાન-સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ સમજૂતી થઈ હતી, તે મુજબ સાઉદીને પોતાની સુરક્ષા માટે જ્યારે જરૂર પડે ત્યારે પાકિસ્તાન પાસેથી પરમાણુ અને મિસાઇલો માંગી શકે છે. જ્યારે ઈરાને હુમલા કર્યા ત્યારે સમજૂતી મુજબ પાકિસ્તાને સાઉદીને મદદ કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો : સુધરી જાવ... હવે હું મિસ્ટર NICE નહીં બનું: પરમાણુ હથિયારો મુદ્દે ટ્રમ્પની ઈરાનને ચેતવણી

ઓપેક જૂથમાંથી યુએઈની વિદાય પ્રમુખ ટ્રમ્પની મોટી જીત

ઓપેક મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતાં દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઇલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઇલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને અપાતા સૈન્ય સમર્થનને પણ ઓઇલના ભાવ સાથે જોડ્યું છે. તેમનું કહેવું છે કે અમેરિકા ઓપેક સભ્ય દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઇલ ભાવથી તેનો ફાયદો ઉઠાવે છે.

પ્રાદેશિક પ્રભુત્વ માટે સાઉદી અને યુએઈ વચ્ચે સૈન્ય સંઘર્ષ

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતાં યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્ત્વનું કારણ છે. જાન્યુઆરી 2026માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માંગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્ત્વનું કારણ છે.

આ પણ વાંચો : 'અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત', કિંગ ચાર્લ્સે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની 'મજાક ઉડાવી'