Get The App

એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
એલએનજીના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી : કેન્દ્ર 1 - image

- અફવામાં આવી સિલિન્ડરોનું બૂકિંગ ના કરવું તેવી સલાહ

- રસોઇ માટે ઇલેક્ટ્રિક ઉપકરણો, ચુલા પર લોકો નિર્ભર નાગપુરમાં સિલિન્ડર સુરક્ષા માટે પોલીસ તૈનાત કરાઇ

નવી દિલ્હી : દેશભરમાં એલપીજીની અછતને લઇને અફરા તફરીનો માહોલ છે, લોકો ગેસના ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓ પર પડાપડી કરી રહ્યા છે. ગેસ સિલિન્ડરોના અભાવે અનેક શહેરોમાં રેસ્ટોરાં, હોેટેલો બંધ કરવી પડી રહી છે એવામાં હવે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે એલએનજીના બે કાર્ગો ભારત તરફ આવી રહ્યા છે. અછતની કોઇ જ સ્થિતિ નથી માટે અફવાઓ પર ધ્યાન આપવું નહીં. 

પેટ્રોલિયમ તેમજ માનવ સંસાધન મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે ગ્રાહકોએ સિલિન્ડર બૂકિંગમાં હડબડી કરવાની કોઇ જ જરૂર નથી, સરકાર ઈંધણની આપૂર્તિ કરવા પર સતત નજર રાખી રહી છે અને વૈશ્વિક સંકટ સામે પહોંચી વળવાના ઉપાયો શોધી રહી છે. આપણી રિફાઇનરીઓ પોતાની ક્ષમતા મુજબ કામ કરી રહી છે, તો કેટલીક પોતાની ક્ષમતા કરતા વધુ કામ કરી રહી છે. પ્રતિ દિન ૧૮૯ મિલિયન સેમી ગેસની ખપત હોય છે જેમાંથી ૯૭.૫ મિલિયન ઘરેલુ જ્યારે બાકીનું આયાત કરવામાં આવ્યું છે. ઇઝરાયેલ અમેરિકા દ્વારા ઇરાન પર હુમલા બાદ યુદ્ધની સ્થિતિ પેદા થઇ ગઇ છે જેની અસર હવે ઇંધણ પર પડવા લાગી છે. 

કેન્દ્ર સરકારે આ સાથે જ એવી પણ સ્પષ્ટતા કરી છે કે ભારત પોતાની જરૂરિયાતનો ૬૦ ટકા એલપીજી આયાત કરે છે જેમાંથી ૯૦ ટકા એલપીજી હોર્મુઝની ખાડીએથી આવી રહ્યો છે, આ એ જ ખાડી છે કે જેને ઇરાન દ્વારા બંધ કરી દેવાથી પુરવઠો ખોરવાયો છે. હાલમાં મોટી સંખ્યામાં  લોકો રસોઇ ગેસનો વિકલ્પ શોધી રહ્યા છે, ઇન્ડક્શન કુકટોપની માગ વધી છે, રેસ્ટોરાં કે ફૂડ સ્ટોલ પર ચુલા શરૂ કરી દેવાયા છે. લાકડા અને કોલસાની માગ પણ વધી ગઇ છે. અનેક શહેરોમાં રેસ્ટોરાં, હોટેલો, ફૂડ સ્ટોલ પર તાળા મારી દેવાયા છે, ઉત્તર પ્રદેશના બસ્તીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં લોકો ખભા પર સિલિન્ડર ઉઠાવીને દોડતા જોવા મળ્યા હતા, એજન્સી જેવી ખુલે કે તુરંત જ લોકો સિલિન્ડરો લઇને પહોંચી જાય છે. સિલિન્ડરો ચોરી થવાની પણ ભીતિ છે જેને પગલે નાગપુરમાં એલપીજી સિલિન્ડરોની ટ્રકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.