ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : મોદી, પુતિન, જિનપિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મનસ્વી ટેરફીથી વૈશ્વિક વેપાર ખોરવાયો : બ્રિક્સનો 'પશ્ચિમ' સામે મોરચો
- પશ્ચિમી દેશોના વેપાર પ્રતિબંધો, કાર્બન બોર્ડર મિકેનિઝમથી વિકાસશીલ દેશો પર વિપરિત અસરથી બ્રિક્સ દેશોનો વિરોધ
- ઈરાન, સાઉદી, યુએઈને મનાવી બ્રિક્સના દેશોએ સર્વાનુમતે નવી દિલ્હી ડેક્લેરેશન સ્વીકાર્યું
નવી દિલ્હી : અમેરિકાના મનસ્વી ટેરિફથી વૈશ્વિક વેપાર ખોરવાઈ ગયો છે અને પશ્ચિમી દેશોના વેપાર પ્રતિબંધો તથા કાર્બન ક્રેડિટ જેવી મિકેનિઝમથી વિકાસશીલ દેશોના અર્થતંત્રો પર વિપરિત અસર પડી રહી છે. આ પ્રકારના ભેદભાવપૂર્ણ, સંરક્ષણવાદી અવરોધોને સાંખી લેવાય તેમ બ્રિક્સ સંગઠનના દેશોએ એકસૂરમાં જણાવ્યું હતું. બ્રિક્સ દેશો પર ૫૦૦ ટકા ટેરિફ નાંખવાની ટ્રમ્પની દાદાગીરી સામે ચીનના પ્રમુખ જિનપિંગ, વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિને એકસાથે અવાજ ઊઠાવ્યો છે. આ સાથે પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાનના યુદ્ધ વચ્ચે ઈરાન, સાઉદી અરબ અને યુએઈને મનાવી લેતાં બ્રિક્સ દેશોએ સર્વાનુમતે નવી દિલ્હી ડેકલેરેશનને સ્વીકૃતિ આપી છે.
ભારતના અધ્યક્ષપદે યોજાઈ રહેલા ૧૮મા સંમેલનમાં શનિવારે બ્રિક્સ નેતાઓએ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમનો પહેલી વખત ઉલ્લેખ કરતાં પશ્ચિમી દેશોના વેપાર પ્રતિબંધો અને ટ્રમ્પના મનસ્વી ટેરિફની આકરી ઝાટકણી કાઢી હતી. બ્રિક્સ ઘોષણાપત્રમાં ટ્રમ્પના એકતરફા ટેરિફ, સેકન્ડરી પ્રતિબંધો, નોન-ટેરિફ નિયંત્રણો અને અન્ય સંરક્ષણવાદી પગલાંઓથી વૈશ્વિક વેપાર ખોરવાઈ ગયો હોવાનું જણાવાયું છે. વિકાસશીલ દેશોના અર્થતંત્રો પર વિપરિત અસર પડી છે. આ સાથે બ્રિક્સ દેશોએ નવી દિલ્હી ડેક્લેરેશનમાં વૈશ્વિક શાસન, પશ્ચિમ એશિયામાં યુદ્ધ, વેપાર, ટેક્નોલોજી, નાણાકીય સહયોગ તથા સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓની ભાગીદારી જેવા મુદ્દાઓનું સમર્થન કર્યું હતું.
બ્રિક્સ દેશોએ નવી દિલ્હી ઘોષણાપત્રમાં વિશ્વમાં બદલાઈ રહેલા વર્લ્ડ ઓર્ડરમાં ભારતના નેતૃત્વમાં ગ્લોબલ સાઉથ દેશોને વધુ અવાજ આપવા તથા આઈએમએફ, વિશ્વ બેન્ક અને અન્ય વૈશ્વિક સંગઠનોમાં વિકાસશીલ દેશોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવાની માગ કરી હતી. ડબલ્યુટીઓમાં ઈરાન અને ઈથિયોપિયાની દાવેદારીનું સમર્થન કરાયું હતું. સાથે જ વૈશ્વિક યુદ્ધો વચ્ચે વેપાર, સપ્લાય ચેઈન અને એનર્જી સપ્લાયને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
આ સાથે ઘોષણાપત્રમાં સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ક્વોન્ટમ ટેક્નોલોજીમાં સહયોગ વધારવાની ભલામણ કરાઈ છે. નાણાકીય ક્ષેત્રની સુરક્ષા માટે નિયમિત સાયબર અભ્યાસનું આયોજન કરવાની દરખાસ્ત કરાઈ છે. બ્રિક્સ દેશોએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય નિર્ણયોમાં ગ્લોબલ સાઉથના અવાજને વધુ મહત્વ મળવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં ગ્લોબલ સાઉથ દેશો માટે ભૌગોલિક સંતુલન અને વ્યાપક પ્રતિનિધિત્વની પણ માગ કરાઈ હતી. આ સિવાય ઘોષણાપત્રમાં રંગભેદ, ધૃણા ફેલાવતી ભાષા, ફેક ન્યૂઝ અને દુષ્પ્રચારની આકરી ટીકા કરાઈ હતી.
બ્રિક્સ ઘોષણાપત્રમાં ગાઝામાં સંઘર્ષ વિરામ જાળવી રાખવા, બેરોકટોક માનવીય મદદ ચાલુ રાખવા અને નાગરિકો પર હુમલા રોકવા માગ કરાઈ હતી. બ્રિક્સે પેલેસ્ટાઈનવાસીઓના કોઈપણ પ્રકારના બળજબરીથી વિસ્થાપનનો વિરોધ કર્યો હતો. વધુમાં ઈરાનના પરમાણુ હુમલાને ટાંકીને શાંતિપૂર્ણ પરમાણુ સંસ્થાનો પર હુમલા અને પરમાણુ સુરક્ષા સંબંધિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
નવી દિલ્હી ડેક્લેરેશનમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી અને બધા પક્ષોને સંયમ જાળવવા અપીલ કરાઈ હતી. તેમણે સંવાદ અને કૂટનીતિ મારફત વિવાદ ઉકેલવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. જોકે, આ યુદ્ધ માટે અમેરિકાનો નામજોગ ઉલ્લેખ કરાયો નહોતો. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધમાં આઈઆરજીસી દ્વારા સાઉદી અરબ અને યુએઈ પર પણ હુમલા કરાઈ રહ્યા છે. આવા સમયે દિલ્હીમાં યોજાઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં ભારતે નવી દિલ્હી ડેક્લેરેશનના મુસદ્દા માટે ઈરાન, સાઉદી અરબ અને યુએઈને મનાવી લેતા ભારતનો કૂટનીતિક વિજય થયો હતો.
આ ઘોષણાપત્ર વર્લ્ડ ઓર્ડરમાં ભારતની ભૂમિકા અને બ્રિક્સની અંદર તેનો વધતો પ્રભાવ પણ દર્શાવે છે. આ ઘોષણાપત્ર કોઈપણ સભ્ય દેશના વિરોધ વિના પસાર કરાયો છે. આ ઘોષણાપત્ર વૈશ્વિક વ્યવસ્થાને નવેસરથી આકાર આપવામાં બ્રિક્સ દેશોની મોટી ભૂમિકાના પ્રયત્નો દર્શાવે છે. ઘોષણાપત્રને સર્વસંમતીથી સ્વીકૃત કરાવવા બ્રિક્સ સંગઠનના બધા જ ૧૧ સભ્યોને મનાવવા એ ભારતના અધ્યક્ષપદે મોટો કૂટનીતિક વિજય મનાય છે.
પનીર લબાબદારથી ફ્રૂટ ક્રીમ જલેબી સુધીનું શાહી મેનુ
નવી દિલ્હી : ભારતના અધ્યક્ષપદે યોજાઈ રહેલા ૧૮મા બ્રિક્સ શિખર સંમેલનમાં શનિવારે બ્રિક્સ નેતાઓ માટે આયોજિત ડિનરમાં શાહી મેનુ તૈયાર કરાયું હતું. આ મેનુમાં સ્ટાર્ટર તરીકે ખાંડવી મિલ-ફ્યુઈને કેસર કેરી, માઈક્રો ગ્રીન્સ અને દહીંના ડ્રેસિંગ સાથે પિરસાઈ હતી. સાથે ખુમ્બ ગલોટી નામની ડિશ હતી, જેને ફુદીનાના પાંદડા સાથે પેન ગ્રિલ્ડ નરમ મશરુમ કબાબ સાથે પિરસાઈ હતી. મેઈન કોર્સમાં પનીર લબાબદારથી લઈ ગુચ્છી માર્મિક, કેસર, કિશમિશન અને મામરા બદામ સાથે પકવવામાં આવેલા હિમાચલી ગુચ્છી મશરુમ અને મિલેટ પુલાવ, બીટ રુટ રાયતા પણ પીરસાયા હતા. મીઠાઈમાં મીઠા શહતૂત અને સોનાના વરખથી સજેલી શહતત ફિરની, જૂની દિલ્હીની ફ્રૂટ ક્રીમ જલેબીનો સમાવેશ કરાયો હતો.




