India

VIDEO : ઓમાન પાસે ભારત આવી રહેલા જહાજ પર હુમલો, એક નાવિકનું મોત; 19 સવાર હતા

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
ઓમાન નજીક દરિયામાં 'MV Cape Dao' જહાજ પર થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના સુરજ યાદવ નામના ભારતીય નાવિકનું મોત થયું છે. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી, 19 ભારતીય નાગરિકો સવાર હોવાનું જણાવ્યું. FSUI મુજબ 2 ટોર્પીડોથી હુમલો થયો અને 20 ભારતીયો હતા. દૂતાવાસ મૃતકના પરિવારને મદદ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઓમાન પાસે ભારત આવી રહેલા જહાજ પર હુમલો, એક નાવિકનું મોત; 19 સવાર હતા

Oman Sea Ship Attack : ઓમાન નજીક દરિયામાં ભારત તરફ આવી રહેલા માલવાહક જહાજ 'MV Cape Dao' પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત નીપજ્યું છે. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ ઓમાનના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને જહાજ પર સવાર તમામ ક્રૂ મેમ્બર્સની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યા છે.

મૃતક નાવિક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો

ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) મુજબ મૃત્યુ પામેલ નાવિક ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો સુરજ યાદવ હતો. સુરજ યાદવ જહાજ પર વાઈપર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને સુરજ યાદવના પરિવાર સાથે સંપર્ક કરીને તેમને શક્ય તમામ સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.

જહાજ પર બે ટોર્પીડોથી હુમલો થયાનો દાવો

FSUIના જણાવ્યા અનુસાર જહાજ પર બે ટોર્પીડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી એક ટોર્પીડો જહાજમાં રહેવાના ભાગમાં અને બીજો ટોર્પીડો એન્જિન રૂમ નજીકના ભાગ સાથે અથડાયો હતો. આ ગંભીર ઘટના બાદ યુનિયને દરિયાઈ માર્ગો પર કામ કરતા નાગરિક નાવિકોની સુરક્ષા સામે ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષિત રસ્તાઓ તેમજ ન્યાયની માંગ કરી છે.

સવાર ભારતીયોની સંખ્યા અંગે આંકડામાં તફાવત

જહાજ પર સવાર ભારતીયોની સંખ્યાને લઈને દૂતાવાસ અને યુનિયનના દાવામાં થોડો તફાવત જોવા મળ્યો છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર જહાજ પર 19 ભારતીય નાગરિકો સવાર હતા. જ્યારે FSUIનો દાવો છે કે, જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી 20 સભ્યો ભારતીય હતા.

હુમલાખોરો અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી

આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે ભારતીય દૂતાવાસે હાલ કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. હાલ સમગ્ર ધ્યાન જહાજના તમામ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા અને મૃતકના પરિવારને જરૂરી મદદ પૂરી પાડવા પર કેન્દ્રિત છે.