હોર્મુઝમાં દરેક જહાજ પાસેથી રૂ.275 કરોડનો ટોલ વસૂલાશે ! ભારતમાં કેટલું મોંઘું થઈ શકે છે ડીઝલ-પેટ્રોલ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hormuz Strait 275 Crore Toll Tax Impact : હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા ઓઈલ ટેન્કરો પર 20% ગાર્ડિયન ફી લગાવવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવથી વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ભારે હલચલ મચી ગઈ છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ભારતમાં કાચા તેલની આયાત કિંમત વધી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે. આનાથી ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન અને રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ પણ વધવાની આશંકા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરેક સુપર ટેન્કર એટલે કે ઓઈલના જહાજને હવે અમેરિકી સુરક્ષાના નામે 20% ગાર્ડિયન ફી (ટોલ ટેક્સ) ચૂકવવી પડશે. શિપિંગ ઇન્ડસ્ટ્રીના કેપ્ટનો આને ખુલ્લેઆમ હાઇવેની લૂંટ ગણાવી રહ્યા છે. ટ્રમ્પની ગાર્ડિયન ફી લગભગ 30 મિલિયન ડોલર (258 કરોડ રૂપિયા) થાય છે. બીજી તરફ ઈરાન પણ આ જળમાર્ગ પરથી પસાર થતા કેટલાક જહાજો પાસેથી પોતાની મરજી મુજબ લગભગ 2 મિલિયન ડોલર (આશરે 17.2 કરોડ રૂપિયા) સુધીનો ટોલ વસૂલ કરી રહ્યું હતું. એટલે કે, એક ઓઈલ ટેન્કરને કુલ 32 મિલિયન ડોલર (275 કરોડ રૂપિયા) ટોલ તરીકે ચૂકવવા પડી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ ખેંચતાણનો સૌથી મોટો અને સીધો ભોગ ભારતના સામાન્ય નાગરિકોએ બનવું પડી શકે છે.
સુપર ટેન્કર એટલે શું?
આ વિવાદની અસરને સમજતા પહેલા જાણીએ કે સુપર ટેન્કર (VLCC – Very Large Crude Carrier) શું છે.
આ જહાજો એટલા વિશાળ હોય છે કે, તેમાં એકસાથે આશરે 20 લાખ બેરલ કાચું તેલ ભરી શકાય છે.
1 બેરલમાં 159 લીટર હોય છે, એટલે કે એક સુપર ટેન્કરમાં આશરે 31.8 કરોડ લીટર તેલ સમાય છે.
વર્તમાન સમયમાં જ્યારે કાચા તેલની કિંમત આશરે 80 ડોલર પ્રતિ બેરલ છે, ત્યારે આખા જહાજમાં ભરેલા તેલની કુલ કિંમત આશરે 16 કરોડ ડોલર થાય છે. ભારતીય રૂપિયામાં આ રકમ 1,539.26 કરોડની આસપાસ છે.
ટ્રમ્પનો 20% ટેક્સ વિરુદ્ધ ઈરાનનો ટોલ
અત્યાર સુધી ઈરાન આ માર્ગેથી પસાર થતા જહાજો પાસેથી પોતાની મરજી મુજબ 2 મિલિયન ડોલર (આશરે 17.2 કરોડ રૂપિયા) ટોલ વસૂલતું હતું, જેનાથી પ્રતિ બેરલ માત્ર 1 ડોલરનો વધારાનો બોજ પડતો હતો. પરંતુ ટ્રમ્પે સમગ્ર કાર્ગો (માલ)ની કિંમતના 20% રિઇમ્બર્સમેન્ટની માગણી કરી છે. 16 કરોડ ડોલરના તેલ પર 20% ટેક્સ એટલે કે, સીધો 30 મિલિયન ડોલર (આશરે 258 કરોડ રૂપિયા)નો ટોલ ટેક્સ લાગશે. આનાથી પ્રતિ બેરલ સીધો 15 ડોલરનો ભારે બોજ વધી જશે.
ભારતીય પેટ્રોલ પંપો પર શું અસર થશે?
ડોલરના વર્તમાન દર (1 ડોલર = 96.19 રૂપિયાના આધારે) મુજબ ભારત માટે આ ગણિત ચિંતાજનક છે.
- ટ્રમ્પના ટેક્સની અસર:
જો ટ્રમ્પનો આ આદેશ લાગુ થાય, તો પ્રતિ બેરલ 15 ડોલરનો વધારાનો બોજ પડશે.
રૂપિયામાં ગણતરી: $15 × ₹96.19 = ₹1,442.85 પ્રતિ બેરલનો વધારો.
1 લીટર કાચા તેલ પર અસર: 1,442.85 ÷ 159 = આશરે ₹9.07 પ્રતિ લીટર. (એટલે કે ભારત પહોંચતા સુધીમાં પેટ્રોલ-ડીઝલની પડતર કિંમત સીધી 9 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વધી જશે!)
- ઈરાનના ટેક્સની અસર:
જો માત્ર ઈરાનનો 1 ડોલર પ્રતિ બેરલનો નિયમ ચાલુ રહે તો
રૂપિયામાં ગણતરી: $1 × ₹96.19 = ₹96.19 પ્રતિ બેરલનો વધારો.
1 લીટર કાચા તેલ પર અસર: 96.19 ÷ 159 = આશરે ₹0.60 (60 પૈસા) પ્રતિ લીટર. (આ નજીવો બોજ ભારતીય તેલ કંપનીઓ પોતે ઉઠાવી શકે છે, જેથી જનતા પર ખાસ અસર નહીં થાય.)
ભારત 80% તેલ આયાત કરે છે
ભારત પોતાની તેલની જરૂરિયાતોનો 80% થી વધુ હિસ્સો આયાત કરે છે, અને તેનો મોટો ભાગ સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈથી આ જ હોર્મુઝના માર્ગે આવે છે. જો કાચા તેલની કિંમતમાં સીધો 9 રૂપિયા પ્રતિ લીટરનો ઉછાળો આવે, તો ડીઝલ મોંઘું થવાને કારણે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનનું ભાડું આસમાને પહોંચશે. જેના લીધે શાકભાજી, દૂધ, અનાજ અને રોજિંદી તમામ ચીજો મોંઘી થઈ જશે, અને દેશમાં મોંઘવારી વધી શકે છે.
સૌથી સારી બાબત એ છે કે, ભારતે રશિયા, અમેરિકા અને આફ્રિકાના દેશોમાંથી તેલની આયાત વધારીને પોતાના વિકલ્પો મજબૂત રાખ્યા છે, અને ઈમરજન્સી માટે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ પણ તૈયાર રાખ્યા છે. તેમ છતાં, ખાડી દેશો આજે પણ ભારતની એનર્જી સિક્યોરિટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.









