India

કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું - હજુ તો ઘણા રાજીનામા પડશે

By GS Team
11 Jun 20263 mins read
TukuTouch Logo
મમતા બેનરજીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલો આંતરિક બળવો હવે સંપૂર્ણપણે બેકાબૂ થઈ ગયો છે. રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવના રાજીનામા બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળવાખોર જૂથના નેતા અને વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનરજીએ દાવો કર્યો છે કે, 'પાર્ટી હવે વિખેરાઈ જવાની કગાર પર છે અને ટૂંક સમયમાં હજુ તો ઘણા અને મોટા રાજીનામા પડશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું - હજુ તો ઘણા રાજીનામા પડશે

TMC Crisis : મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં ચાલી રહેલો આંતરિક બળવો હવે સંપૂર્ણપણે બેકાબૂ થઈ ગયો છે. રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવના રાજીનામા બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળવાખોર જૂથના નેતા અને વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો છે કે, 'પાર્ટી હવે વિખેરાઈ જવાની કગાર પર છે અને ટૂંક સમયમાં હજુ તો ઘણા અને મોટા રાજીનામા પડશે.'

કેટલાક લોકો સંગઠનને એક સર્કસની જેમ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને ખાસ કરીને મમતા બેનર્જીના ભત્રીજા તેમજ રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર સીધો પ્રહાર કરતાં ઋતબ્રત બેનર્જીએ કહ્યું કે, 'પાર્ટીની અંદરની પરિસ્થિતિને કારણે લોકો સામૂહિક રાજીનામા વિશે વિચારી રહ્યા છે. સંસદમાં ખાસ કરીને રાજ્યસભામાં કેટલાક લોકો સંગઠનને એક સર્કસની જેમ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે સર્કસના પ્રાણીઓ નથી. સુષ્મિતા દેવ પછી ઘણા અન્ય સાંસદો પણ લાઇનમાં છે.'

ઋતબ્રતે સ્પષ્ટ કર્યું કે, ડાયમંડ હાર્બરથી લોકસભા સાંસદ અભિષેક બેનર્જીની તાનાશાહી કાર્યશૈલીના કારણે સંગઠનમાં એકતાથી વધુ અથડામણની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

20 સાંસદોએ માગી અલગ સીટ

બળવો માત્ર રાજ્યસભામાં સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવના રાજીનામા પૂરતો સીમિત નથી, પરંતુ લોકસભામાં પણ મોટું ભંગણા પડી ચૂક્યું છે. વરિષ્ઠ TMC સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે પુષ્ટિ કરી છે કે પાર્ટીના 20 લોકસભા સાંસદોના એક જૂથે લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં અલગ બેસવાની વ્યવસ્થાની માગ કરી છે.

નવું જૂથ બનાવવાનો દાવો

વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનર્જીનો દાવો છે કે, 'લોકસભામાં TMCના બે-તૃતીયાંશથી વધુ સાંસદો પાર્ટીની તાનાશાહી કાર્યશૈલી સામે એક અલગ જૂથ બનાવવાનો નિર્ણય કરી ચૂક્યા છે અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવાના સંકેત આપી રહ્યા છે.' કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે, 'અમે 20 સાંસદો પશ્ચિમ બંગાળના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરીશું.'

અમે જ અસલી TMC

જ્યારે ઋતબ્રત બેનર્જીને પૂછવામાં આવ્યું કે શું બળવાખોર જૂથ ભવિષ્યમાં કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યું છે, ત્યારે તેમણે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી. તેમણે કહ્યું કે, 'અમારો કોંગ્રેસમાં વિલય કરવાનો કોઈ ઈરાદો નથી. અમારું જૂથ જ અસલી TMC છે. જે કોઈ પણ તાનાશાહી વિરુદ્ધ અને લોકશાહીની તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યા છે, તેને ચારેય તરફથી સમર્થન મળવું નક્કી છે.'

કોંગ્રેસ સાથે વિલયના સમાચાર પાયાવિહોણા

દિલ્હીમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે TMC અને કોંગ્રેસના વિલયની અટકળોને બંને જ પાર્ટીના સૂત્રોએ સંપૂર્ણપણે પાયાવિહોણી અને અફવા ગણાવી છે. આ અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે TMC પ્રમુખ મમતા બેનર્જીએ દિલ્હીમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. જો કે, વિલયની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ભવિષ્યમાં કોઈપણ ચૂંટણીલક્ષી કે રાજકીય ગઠબંધન માટેના દરવાજા ખુલ્લા છે.

અભિષેકની રાહુલ સાથે મુલાકાત

આ જ સિલસિલામાં અભિષેક બેનર્જીએ પણ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. મમતા અને અભિષેક બંને વિપક્ષી ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા છે. જો કાકોલી ઘોષ દસ્તીદારની આગેવાની હેઠળનું 20 સાંસદોનું આ બળવાખોર જૂથ લોકસભામાં અલગ બેસવામાં સફળ રહેશે, તો સંસદના નીચલા ગૃહમાં મમતા બેનર્જીની પાર્ટીનું સંખ્યાબળ અને રાષ્ટ્રીય પ્રભાવ ખૂબ જ ઓછો થઈ જશે.

આ પણ વાંચો: મમતાની TMC સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી

કોંગ્રેસ અને TMCમાં વિલયને લઈને બંને પક્ષ ઇન્કાર જ કરી રહ્યા છે. બુધવારે રાજધાની દિલ્હીમાં રાજકારણના બે મોટા પરિવારો વચ્ચે થયેલી મુલાકાતે આવી અટકળો તેજ કરી દીધી છે. ખાસ વાત એ છે કે આ ચર્ચાઓ શરૂ થયા બાદથી જ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમમાં પણ અસંતોષના અહેવાલો છે. જો કે, અત્યાર સુધી કોઈએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો નથી. બીજી તરફ, હાઇકમાન્ડે પણ આ અટકળો પર મૌન સેવી રાખ્યું છે.

કયા પદ મળશે?

એક રિપોર્ટમાં કોંગ્રેસના સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે, મમતા અને અભિષેકને રાષ્ટ્રીય સ્તરના પદોની ઓફર કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસે મમતાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને અભિષેકને કોંગ્રેસ મહાસચિવ પદની ઓફર કરી છે. જો કે, હાલમાં આ અંગે જાહેરમાં સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું.